10 વર્ષ પહેલા થયો હતો ‘બ્રહ્માસ્ત્ર’નો જન્મ
બોલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું ટ્રેલર અગાઉ સામે આવ્યું છે, જેમાં જાણવા મળ્યું છે કે આ ફિલ્મ એક અનોખી વાર્તા પર આધારિત છે.
તાજેતરમાં જ ‘બ્રહ્માસ્ત્ર’ના નિર્દેશક અયાન મુખર્જીએ તેની રિલીઝ પહેલા ફિલ્મ સાથે જોડાયેલા કેટલાક અજાણ્યા પાસાઓ જાહેર કર્યા છે, જેને જાણીને તમે પણ ચોંકી જશો.
તાજેતરમાં સ્ટાર સ્ટુડિયો યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ‘બ્રહ્માસ્ત્ર’ના ડિરેક્ટર અયાન મુખર્જી ફિલ્મ વિશે ખાસ માહિતી આપતા જોવા મળી રહ્યા છે. અયાને કહ્યું, ‘બ્રહ્માસ્ત્ર’ની સફર વર્ષ 2011માં શરૂ થઈ હતી. તે દરમિયાન મારી પહેલી ફિલ્મ રિલીઝ થઈ અને બીજી ફિલ્મની સ્ક્રિપ્ટ ચાલી રહી હતી. તે દરમિયાન હું હિમાલયના પહાડોની વચ્ચે શિમલામાં હતો અને પહાડોની આધ્યાત્મિકતા નીચે ‘બ્રહ્માસ્ત્ર’નું દર્શન થયું. આ ફિલ્મની વાર્તા એવી હશે જે ભારતીય સિનેમામાં પહેલા ક્યારેય જોવા મળી નથી. ‘બ્રહ્માસ્ત્ર’ની કથાનો પાયો આપણી સંસ્કૃતિ, પૌરાણિક કથાઓ અને ભારતની આધ્યાત્મિકતા પર નાખવામાં આવ્યો છે.
‘બ્રહ્માસ્ત્ર’ એક નહીં પરંતુ ત્રણ ભાગમાં બનશે
અયાન મુખર્જીએ એમ પણ કહ્યું કે, “રણબીર કપૂર સ્ટારર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની સ્ટોરી એટલી વિશાળ હતી કે તે ફિલ્મમાં ફિટ ન થઈ શકે. તેથી મેં તેને ત્રણ ભાગમાં બનાવવાનું નક્કી કર્યું. જે ‘ધ ટ્રલજી’ તરીકે ઓળખાશે. તમામ સંશોધનો અને મુશ્કેલીઓ બાદ અમે ‘બ્રહ્માસ્ત્ર’ બનાવવામાં સફળ થયા. આ ફિલ્મ કર્યા પછી, અમે વિચાર્યું કે તે ભારતીય સિનેમાની વ્યાખ્યા બદલી નાખશે. દેશના તમામ લોકોને આ ફિલ્મ પર ગર્વ થશે.
10 વર્ષની લાંબી સફર બાદ અમે આ મોટી ફિલ્મ બનાવવામાં સફળ રહ્યા છીએ.આપને જણાવી દઈએ કે બ્રહ્માસ્ત્ર આ વર્ષે 9 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં ધમાલ મચાવશે.