ટ્રેન્ડિંગનેશનલ

પ્રેમીએ કહ્યું નોન-વેજ છોડી દે, છોકરીએ દુનિયા જ છોડી દીધી! શું છે મુંબઈમાં પાયલટના મૃત્યુનો મામલો?

  • પવઈ પોલીસે છોકરીના બોયફ્રેન્ડની આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં ધરપકડ કરી

ગોરખપુર, 28 નવેમ્બર: UPના ગોરખપુરની મહિલા પાયલટ સૃષ્ટિ તુલીનું મુંબઈમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, મૃત્યુ ગળુ દબાવવાને કારણે થયું છે. મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે, પોલીસ પૂછપરછ દરમિયાન તેના બોયફ્રેન્ડે કહ્યું કે, તેણીએ ફ્લેટમાં ચાર્જિંગ કેબલ સાથે લટકીને આત્મહત્યા કરી લીધી છે. પવઈ પોલીસે બોયફ્રેન્ડ આદિત્ય પંડિતની આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં ધરપકડ કરી છે, પરંતુ પરિવારજનોને હત્યાની શંકા છે. તેમણે તેણીના બોયફ્રેન્ડ પર હિંસા અને ટોર્ચરનો આરોપ પણ લગાવ્યો છે.

પીડિતાના પરિવારજનોનો આરોપ છે કે, મૃતક મહિલા પાયલટનો બોયફ્રેન્ડ તેના પર નોનવેજ છોડી દેવાનું દબાણ કરી રહ્યો હતો. તે એ વાતથી પણ પરેશાન હતી કે, તેનો બોયફ્રેન્ડ તેને ગમતી દરેક ટેવ બદલવા માંગતો હતો. પીડિતાના પરિવારજનોએ પોલીસને કરેલી ફરિયાદમાં પણ આ આરોપોનો ઉલ્લેખ કર્યો છે. ઘટનાની રાત્રે સૃષ્ટિના બોયફ્રેન્ડ આદિત્ય પંડિતે તેની બીજી ગર્લફ્રેન્ડને ફોન કરીને ફ્લેટનો ગેટ ખોલ્યો હતો. ફ્લેટની ત્રીજી ચાવી ગાયબ છે. જ્યારે પોલીસે આ મામલે તપાસ કરી તો તેમને જાણવા મળ્યું કે તુલી આદિત્યના ત્રાસથી કંટાળી ગઈ હતી.

શું છે મહિલા પાયલટના મૃત્યુનો સમગ્ર મામલો?

મળતી માહિતી મુજબ, ગોરખપુરના આઝાદ ચોકની શિવપુરી કોલોનીમાં રહેતી સૃષ્ટિ એર ઈન્ડિયામાં પાઈલટ હતી. સૃષ્ટિનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સૃષ્ટિ તુલીના કાકા વિવેક તુલીએ જણાવ્યું કે, તેમની 25 વર્ષની ભત્રીજી સૃષ્ટિ મુંબઈના અંધેરીમાં રહેતી હતી. રવિવારે રાત્રે જ્યારે દિકરીનો દિલ્હીથી ફોન આવ્યો ત્યારે તેણે જાણવા મળ્યું કે સૃષ્ટિ હવે આ દુનિયામાં રહી નથી. સૃષ્ટિના નંબર પર ફોન કરતાં ઉર્વી નામની યુવતીએ ફોન ઉપાડ્યો હતો. સૃષ્ટિ રવિવારે રાત્રે ડ્યુટી બાદ 12.30 વાગ્યે તેના ફ્લેટ પર પહોંચી હતી. આ પછી તેણીએ 27 વર્ષના આદિત્ય પંડિત સાથે ડિનર લીધું. ઘરે પહોંચ્યા પછી, તેણીએ તેની ગોરખપુરમાં રહેતી માતા સાથે વાત કરી. સૃષ્ટિ જૂન 2023માં એર ઈન્ડિયામાં જોડાઈ હતી. સૃષ્ટિના પિતા મેજર નરેન્દ્ર કુમાર ભારતીય સેનામાં હતા, તેઓ 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થયા હતા. સૃષ્ટિના બાબાને બે વખત મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, આદિત્યએ કહ્યું કે તે દિલ્હીમાં તેના ઘરે જવા માટે બપોરે 1:29 વાગ્યે સૃષ્ટિના ફ્લેટમાંથી નીકળ્યો હતો. આ પછી, રાત્રે લગભગ 2 વાગ્યે, સૃષ્ટિએ તેને ફોન કર્યો અને કહ્યું કે, તે આત્મહત્યા કરવા જઈ રહી છે. ત્યાં સુધીમાં તે મુંબઈથી 35 કિલોમીટર દૂર ચાલ્યો હતો. આ પછી તે પાછો આવ્યો અને તેણે તેની એક ગર્લફ્રેન્ડને ફોન કરીને બીજી ચાવી મંગાવી અને સોમવારે સવારે 5 વાગ્યે તાળું ખોલ્યું. અંદર જોયું તો સૃષ્ટિ ચાર્જિંગ કેબલથી લટકતી હતી. તેને નીચે ઉતારીને હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેણીને મૃત જાહેર કરી.

પરિવારજનોએ શું આરોપ લગાવ્યો?

સૃષ્ટિના કાકા વિવેક તુલીનો આરોપ છે કે, જ્યારે સૃષ્ટિએ આત્મહત્યા કરવાની વાત કરી હતી ત્યારે આદિત્યએ પોલીસને કેમ જાણ ન કરી? આ પછી ક્રાઈમ સીન સાથે પણ છેડછાડ કરવામાં આવી હતી. ચાર્જિંગ કેબલ ગેરેજમાં મળ્યો. સૃષ્ટિના ફ્લેટની ત્રણ ચાવીઓ હતી. બે ચાવી તેની પાસે હતી અને એક ચાવી તેના રૂમમેટ પાસે હતી, જે તે સમયે ફરજ પર હતી. પોલીસને સૃષ્ટિની બીજી ચાવી મળી નથી. આદિત્ય પંડિત અને તેની ગર્લફ્રેન્ડ કે કોઈ ત્રીજી વ્યક્તિ ત્યાં હતી કે નહીં તે કહી શકાતું નથી.

સૃષ્ટિના કાકાએ વધુમાં કહ્યું કે, કોઈ ડેટા કેબલ સાથે પંખા સાથે લટકીને આત્મહત્યા કેવી રીતે કરી શકે. ઘરમાં કશું વેરવિખેર નથી. ટેબલ પણ સારી હાલતમાં મળી આવ્યું હતું. તેમની વચ્ચે શું થયું તે વિશે કંઈ કહી શકાય નહીં. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓના નિવેદનો પણ અલગ છે. પોલીસે ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 108 હેઠળ કેસ નોંધ્યો છે. પોસ્ટમોર્ટમમાં ફાંસીથી મૃત્યુનો ખુલાસો થયો છે, પરંતુ તેણીના બિસરાથી બધું સ્પષ્ટ થઈ જશે.

સૃષ્ટિના કાકા વિવેક તુલીએ કહ્યું કે, સૃષ્ટિના બેંક ખાતામાંથી છેલ્લા એક મહિનાનો રેકોર્ડ તપાસ્યા બાદ આદિત્યના ખાતામાં 65 હજાર રૂપિયા મોકલવામાં આવ્યા છે. જો દીકરીને ન્યાય નહીં મળે તો તેઓ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળીને અપીલ કરશે. તેને ભગવાનમાં પૂરી શ્રદ્ધા છે. તેની ભત્રીજી આપઘાત કરી શકે નહીં. પોલીસને તેના રૂમમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. તે પાયલટ બની ગઈ હતી અને આદિત્ય પંડિત પાઈલટની પરીક્ષા પાસ કરી શક્યો ન હતો. તેને આદિત્ય પર શંકા છે. મુંબઈ પોલીસ પાસેથી ન્યાયની અપેક્ષા છે.

આ પણ જૂઓ: ઉદયપુરમાં ચાલતો મેવાડ રાજવી પરિવારનો વિવાદ પૂર્ણ, જાણો શું નિર્ણય લેવાયો

Back to top button