PUBGની લતમાં પુત્ર બન્યો કાતિલ, ગેમ રમવાની ના પાડતા ખેલ્યો ખૂની ખેલ
શું ગેમ રમવા ન મળે તો હત્યા કરી નાંખવાની? શું કોઈ પણ ગેમ રમવાની એટલી હદે લત હોઈ શકે કે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ વિચાર્યા વગર ગમે તેની હત્યા કરી નાંખે? શું ગેમની લત એટલી હદે તમારા મગજને વશમાં કરી લે છે કે, તમને ક્રૂરતાની હદ સુધી લઈ જાય ? આવા એક બે નહીં પણ અનેક સવાલો ઉભા થયા છે ઉત્તરપ્રદેશના લખનઉમાં બનેલી એક ચોંકાવનારી ઘટનાથી. અહીં એક સગીરે અન્ય કોઈની નહીં પણ તેની જ માતાની હત્યા કરી નાંખી છે અને એ પણ એવા કારણોસર જે સાંભળીને તમે ચોંકી જશો.
ઘટના છે, લખનઉના પીજીઆઈ વિસ્તારની. અહીં યમુનાપુરમ કોલોનીમાં રહેતા 16 વર્ષીય સગીરે તેની જ માતાની ગોળી મારી હત્યા કરી નાંખી છે. કારણકે સગીરને તેની માતાએ PUB-G ગેમ રમવાની ના પાડી હતી. આ ઘટના શનિવારે રાત્રે બની હતી. સગીર PUB-G ગેમ રહી રહ્યો હતો અને તેની માતાએ પુત્રને ગેમ રમવાની ના પાડી દીધી. બસ આટલી વાતથી સગીર એટલી હદે રોષે ભરાઈ ગયો કે તેણે પોતાના પિતાની લાયસન્સવાળી પિસ્તોલ વડે તેની માતાના માથામાં ગોળી મારી હત્યા કરી નાંખી. વાત આટલે જ અટકી નહીં, માતાની હત્યા બાદ બબ્બે દિવસ સુધી સગીરે તેની માતાની લાશને છુપાવી રાખી હતી. અસહ્ય દુર્ગંધ આવતા પાડોશીઓએ તેની માતા વિશે પૂછ્યું તો સગીરે તેની માતા બહાર ગઈ હોવાનું જણાવ્યું. પરંતુ, ઘટનાના બે દિવસ બાદ સગીરે તેના પિતાને ફોન કર્યો અને માતાની હત્યા થયાનું જણાવ્યું. પિતાએ પોલીસને આ વાતની જાણ કરતા સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સગીર અને તેની બહેનની પૂછપરછ કરી હતી. આ દરમિયાન ગભરાયેલા સગીરે સાચી હકીકત જણાવતા સમગ્ર ઘટના પરથી પડદો ઉંચકાઈ ગયો.
માતાની હત્યા કરનાર 16 વર્ષીય સગીરા તેની માતા અને બહેન સાથે લખનઉની યમુનાપુરમ કોલોનીમાં રહે છે. અને સગીરના પિતા કોલકાતાના આસનસોલમાં આર્મીમાં JCO તરીકે ફરજ બજાવે છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, સગીરની માતા તેને અવાર-નવાર PUB-G ગેમ રમવાની ના પાડતી હતી અને આ બાબતે ટોકતી હતી. તેનાથી રોષે ભરાયેલા સગીરે આ પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આગળની તપાસ પોલીસ કરી રહી છે.