ગેમનો ટાસ્ક પૂરો કરવા છોકરાએ 14મા માળેથી માર્યો કૂદકો, નોટબુકમાં લખ્યું- ‘લોગ આઉટ’
- છોકરાને ગેમ રમવાની લાગી ગઈ હતી લત
- તે ત્રણ-ચાર કલાક સુધી રૂમ બંધ કરીને રોજ રમતો હતો ગેમ, ઘટનાના દિવસે રમી હતી આખો દિવસ ગેમ
પુણે, 31 જુલાઈ: મહારાષ્ટ્રના પુણેમાં એક દુઃખદ ઘટના બની છે. એક 15 વર્ષના છોકરાએ ઓનલાઈન ગેમનો ટાસ્ક પૂર્ણ કરવા માટે બિલ્ડિંગના 14મા માળેથી છલાંગ લગાવી દીધી હતી. આ ઘટનામાં છોકરાનું જ મૃત્યુ થયું છે. મળતી માહિતી પ્રમાણે પિંપરી ચિંચવાડની એક સોસાયટીમાં રહેતો છોકરાને છેલ્લા 6 મહિનાથી ઓનલાઈન ગેમ રમવાની લત પડી ગઈ હતી. તે દરરોજ કેટલાક કલાકો સુધી સતત મોબાઈલ પર ઓનલાઈન ગેમ જ રમતો હતો. તેના પરિવારજનો તેનાથી કંટાળી જતા અને અનેકવાર ગેમ ન રમવાની સલાહ આપતા રહેતા હતા, તેમ છતા આ 15 વર્ષનો છોકરો કોઈનું કહ્યું માનતો ન હતો અને જે દિવસે બનાવ બન્યો ત્યારે તો આ છોકરાએ આખો દિવસ ગેમ રમી હતી.
ગેમમાંને ગેમમાં પોતાની જાત સાથે વાતો કરવા લાગ્યો હતો આર્ય
પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર છોકરાને એટલી હદે ગેમની લત લાગી ગઈ હતી કે તે પોતાની જાત સાથે એકલો વાત કરવા લાગ્યો હતો. તે ત્રણ-ચાર કલાક સુધી રૂમ બંધ કરીને ગેમ રમતો હતો. આ વિશે વાત કરતાં મૃતકની માતા સ્વાતિ શ્રીરાવે જણાવ્યું કે, આર્ય એવો હતો કે તેને વાત કરવામાં ખચકાટ અનુભવતો હતો અને થોડીક ઊંચાઈથી પણ ખૂબ જ ડરતો હતો પરંતુ તેમ છતાં તેણે 14મા માળેથી છલાંગ લગાવી દીધી. તેમણે જણાવ્યું કે છેલ્લા 3-4 મહિનામાં આર્યનું વર્તન બદલાઈ ગયું હતું. તે આક્રમક બની ગયો હતો અને કોઈપણ કારણ વગર મને અને તેના ભાઈને ઈજા પહોંચાડતો હતો. તે કલાકો સુધી તેના રૂમમાં તેના લેપટોપ પર બેસી રહેતો અને અમને એમ લાગતું કે તે અભ્યાસ કરી રહ્યો છે.’
આખો દિવસ રમ્યો ગેમ, સાંજે માર્યો કૂદકો
ઘટનાના દિવસે છોકરાના ભાઈની નાદુરસ્ત તબિયતને કારણે તેની માતા તેના પર ધ્યાન ન આપી શકી, જેના કારણે તે આખો દિવસ ગેમ જ રમતો રહ્યો. સાંજના સમયે તેણે રમતમાં ટાસ્ક પૂર્ણ કરવા માટે 14મા માળેથી કૂદકો મારી દીધો. તેણે પોતાનો રૂમ અંદરથી બંધ કરી દીધો અને બિલ્ડિંગના 14મા માળેથી કૂદી ગયો હતો. સોસાયટીના વોટ્સએપ ગૃપમાં બાળક પડી રહ્યું હોવાની માહિતી મળતાં તેની માતાએ રૂમ ખોલવાનો પ્રયાસ કર્યો તો અંદરથી બંધ હતું, જે બીજી ચાવી વડે ખોલવામાં આવતાં પરિવારના સભ્યોને તે નીચે પડી ગયો હોવાની ખબર પડી.
કાગળ પર બનાવ્યો હતો ગેલેરીમાંથી કૂદવાનો ટાસ્ક
રમતની લતનો મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે મૃતકની નોટબુકની તપાસ કરવામાં આવી, જેમાં તેણે પોતાના ઘરના નકશા અને ખેલાડીઓની યાદી રાખી હતી. પિંપરી-ચિંચવડના રાવેત પોલીસ સ્ટેશનમાં ઘટનાની જાણ થતાં જ રૂમની તલાશી લેવામાં આવી હતી, જ્યાંથી તેનું લેપટોપ, એક સુસાઈડ નોટ અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો હતો. રૂમમાંથી મળેલા કાગળ પર તેના એપાર્ટમેન્ટ અને ગેલેરીમાંથી કૂદવાનો ટાસ્ક બનાવ્યો હતો. નકશામાં ક્યાંથી કૂદકો મારવો તે પણ દોરવામાં આવ્યું હતું. આ પેપરમાં ‘લોગઆઉટ’ શબ્દ પણ લખવામાં આવ્યો છે. એટલું જ નહીં, ગેમ સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ કોડિંગ ભાષામાં પણ લખેલી જોવા મળી હતી.
મામલાની તપાસ કરી રહ્યા છે ઉચ્ચ અધિકારીઓ
આ સમગ્ર મામલે પોલીસ કમિશ્નર સ્વપ્નિલ ગોરે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ત્રણ દિવસ પહેલા ઓનલાઈન ગેમ્સની લતના કારણે 15 વર્ષના યુવકે તેની જ સોસાયટીના 14મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: UPSC વિદ્યાર્થીઓના મોત મામલે દિલ્હી સરકારને ફટકાર, HCએ પૂછ્યું- MCDના કેટલા અધિકારીઓની ધરપકડ કરવામાં આવી?