સ્પોર્ટસ

બોક્સિંગ ડે ટેસ્ટઃ ડેવિડ વોર્નરે 100મી ટેસ્ટમાં બેવડી સદી ફટકારી, ટેસ્ટમાં 8 હજાર રન પૂરાં

Text To Speech

સ્પોર્ટ્સ ડેસ્કઃ ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે પોતાના કરિયરની 100મી ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે મેલબોર્ન ખાતે બેવડી સદી ફટકારીને આ મેચને યાદગાર બનાવી દીધી છે. વોર્નર પહેલાં ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટે પોતાની 100મી ટેસ્ટમાં બેવડી સદી ફટકારી હતી. તેણે ભારત સામે 2021માં ચેન્નઈ ખાતે 201 રન બનાવ્યા હતા.

200 રને રિટાયર્ડ હર્ટ થયો વોર્નર
વોર્નરે ફાસ્ટ બોલર લૂંગી ગીડીની બોલિંગમાં ફોર મારીને 200* રન પૂરા કર્યા હતા. તેણે પોતાની ઇનિંગ્સ દરમિયાન 254 બોલમાં 16 ફોર અને 2 સિક્સ મારી હતી. જો કે, ડબલ સેન્ચુરી પૂરી કરતાની સાથે જ તેને ક્રેમ્પ્સ આવતા તે રિટાયર્ડ હર્ટ થઈને ગ્રાઉન્ડની બહાર જતો રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વોર્નરે સાઉથ આફ્રિકા સામે 5મી વાર ટ્રિપલ ડિજિટનો આંક વટાવ્યો છે.

ટેસ્ટ ક્રિકેટમાં 8000 રન પૂરા કર્યા
આ ઇનિંગ દરમિયાન વોર્નરે ટેસ્ટ ક્રિકેટમાં 8000 રન પણ પૂરા કર્યા અને તે આવું કરનાર 8મો ઓસ્ટ્રેલિયન બેટ્સમેન બન્યો છે. આ સાથે તે ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર 7મો ખેલાડી બન્યો.

100મી ટેસ્ટમાં સદી ફટકારનાર 10મો ખેલાડી
આ સદી સાથે વોર્નર એવા કેટલાક ખેલાડીઓમાં સામેલ થઈ ગયો જેમણે પોતાની 100મી ટેસ્ટમાં સદી ફટકારી છે. આ સિદ્ધિ મેળવનાર તે 10મો ખેલાડી છે. આ પહેલા રિકી પોન્ટિંગે ઓસ્ટ્રેલિયા માટે આ કારનામું કર્યું હતું. પોન્ટિંગ તેની 100મી ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં સેન્ચુરી મારી હતી.

100મી ટેસ્ટ સદી ફટકારનાર બેટ્સમેન:

  • કોલીન કોવદ્રે
  • જાવેદ મિયાંદાદ
  • ગોર્ડન ગ્રીનીજ
  • એલેક સ્ટુઅર્ટ
  • ઈન્ઝમામ ઉલ હક
  • રિકી પોન્ટિંગ (બંને ઇનિંગ્સ)
  • ગ્રેમ સ્મિથ
  • હાશિમ અમલા
  • જો રૂટ
  • ડેવિડ વોર્નર

 

Back to top button