IPL-2024વિશેષસ્પોર્ટસ

DC v LSG: દિલ્હીને કોઈજ ફાયદો નહીં; લખનૌને નુકસાન જ નુકસાન

Text To Speech

15 મે, નવી દિલ્હી: IPL 2024 હવે એવા તબક્કામાં આવી પહોંચી છે જ્યાં કોઈ એક મેચ કોઈકનું નસીબ ફેરવી શકે તેવી હોય છે તો કોઈનું નસીબ બગાડી પણ શકે છે. પરંતુ DC v LSG મેચનું પરિણામ એવું આવ્યું હતું જેનાથી દિલ્હીને કોઈ ખાસ ફાયદો નથી થયો જ્યારે લખનૌને તો નુકસાન જ નુકસાન થયું છે.

લખનૌએ ટોસ જીતીને પહેલાં બોલિંગ લેવાનો નિર્ણય કર્યો જેણે દિલ્હીની પ્લેઓફ્સમાં પહોંચવાની આશા પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. આ પાછળનું કારણ એવું હતું કે DC v LSG ની આ મેચ જીતવી દિલ્હી માટે જરૂરી તો હતી જ પરંતુ બહુ મોટા માર્જીન સાથે, પરંતુ તેના માટે તેણે રનચેઝ કરવા જરૂરી હતા.

તેમ છતાં, દિલ્હીની આશા 220-250ની રેન્જમાં સ્કોર કરીને લખનૌને બને તેટલા ઓછા સ્કોર પર રોકવા પર સીમિત થઇ ગઈ હતી. પરંતુ એવું બન્યું નહીં. દિલ્હી કેપિટલ્સે 20 ઓવર્સમાં અભિષેક પોરેલ, શે હોપ, કેપ્ટન ઋષભ પંત અને ખાસ કરીને ટ્રિસ્ટન સ્ટબ્ઝની ઝડપી બેટિંગની મદદથી 208નો ટોટલ તો બનાવ્યો પરંતુ તે એટલો ઓછો  હતો કે તેની નેટ રનરેટને તે કોઈજ મદદ કરી શકે તેમ  ન હતો.

અને બન્યું પણ એવું જ. લખનૌ સુપર જાયન્ટ્સએ સતત વિકેટો ગુમાવે રાખી અને તેનાથી દિલ્હીની મોટા માર્જીનથી જીતવાની આશા પણ ઉભી થઇ. પરંતુ નિકોલસ પૂરનના 61 અને નીચલા ક્રમે બેટિંગ કરવા આવેલા અર્શદ ખાનના 58 રને દિલ્હીની એ આશા ઉપર જ પાણી ફેરવી દીધું.

આમ આ રીતે દિલ્હી અને લખનૌ વચ્ચે હાર-જીતનું અંતર ફક્ત 19 રન્સનું જ રહ્યું જે દિલ્હીના માઈનસમાં ચાલી રહેલા નેટ રનરેટને પ્લસમાં લાવવામાં નિષ્ફળ રહ્યું. આ રીતે દિલ્હી કેપિટલ્સ હજી ગાણિતિક રીતે તો સ્પર્ધામાં છે પરંતુ અન્ય ટીમો જે તેની સાથે 14 પોઈન્ટ્સ પર છે તેમની નેટ રનરેટ જોતાં તેમાંથી એકાદી ટીમ જરૂર પ્લેઓફ્સમાં ક્વોલીફાય થઇ જશે એવું લાગી રહ્યું છે.

તો બીજી તરફ લખનૌ સુપર જાયન્ટ્સ માટે આ મેચ જીતવી અને સારા એવા માર્જીનથી જીતવી અત્યંત જરૂરી હતું અને તે આ બંને દ્રષ્ટિએ નિષ્ફળ ગયું છે અને તે પણ દિલ્હી કેપિટલ્સની જેમ જ ગણિતની દ્રષ્ટિએ હવે સ્પર્ધામાં છે.

દિલ્હીની આ જીતે છેલ્લી ત્રણ મેચથી જીત માટે સંઘર્ષ કરી રહેલી રાજસ્થાન રોયલ્સને આપોઆપ પ્લેઓફ્સ માટે ક્વોલીફાય કરી દીધી છે.

Back to top button