ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ફોન હેકિંગના વિપક્ષોના આક્ષેપને એપલ તેમજ સરકાર બંનેએ નકાર્યા

  • ફોન હેકિંગના પ્રયાસના વિપક્ષના દાવા વચ્ચે એપલે બહાર પાડ્યું નિવેદન
  • મેસેજ કોઈપણ ચોક્કસ રાજ્ય-પ્રાયોજિત હેકરોની ચેતવણીની સૂચનાઓને આભારી નથી : એપલ
  • એપલ હેકિંગ એલર્ટ મામલે સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા 

દિલ્હી : વિપક્ષી નેતાઓના હેકિંગના દાવાઓ વચ્ચે, ટેક જાયન્ટ એપલે મંગવળવારે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, “તે કોઈપણ ચોક્કસ સરકાર-પ્રાયોજિત હેકરોને ચેતવણીની સૂચનાઓનું પરિણામ નથી.” આ નિવેદન એટલા માટે બહાર આવ્યું કારણ કે, ઘણા વિપક્ષી સાંસદોએ દાવો કર્યો હતો કે, “એપલ તરફથી સરકાર-પ્રાયોજિત હેકરો દ્વારા ડેટા લીક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની ચેતવણી આપવામાં આવી રહી છે. જે બાદ મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. TMC સાંસદ મહુઆ મોઇત્રા અને કોંગ્રેસના શશિ થરૂર સહિત કેટલાક વિપક્ષી નેતાઓએ મંગળવારે ‘સરકાર-પ્રાયોજિત’ હેકિંગની ચેતવણી આપતા સ્ક્રીનશૉટ્સ શેર કર્યા હતા અને સરકાર દ્વારા “સ્નૂફિંગ એટેક” કરવામાં આવતો હોવાનો દાવો કર્યો હતો.

કોંગ્રેસ, TMC, AAP સહિત ઘણી પાર્ટીઓના નેતાઓએ કરેલા દાવા અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, “મારો ફોન લો, હું તમને મારો ફોન આપીશ, મને કોઈ પરવા નથી, પરંતુ અમે ઝૂકીશું નહીં, અમે લડતા રહીશું. ભાજપ ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.”

શું જણાવ્યું ટેક જાયન્ટ એપલ કંપનીએ ચેતવણી વિશે ?

ભારતમાં કેટલાક વિપક્ષી નેતાઓ દ્વારા ફોન પર ‘રાજ્ય-પ્રાયોજિત’ હુમલાના દાવાઓ વચ્ચે એપલ કંપનીએ નિવેદન બહાર પાડતા જણાવ્યું હતું કે, “ એપલ કોઈ ચોક્કસ સરકાર-પ્રાયોજિત હેકરને ચેતવણીની સૂચનાઓને શ્રેય આપતું નથી. રાજ્ય-પ્રાયોજિત હેકરો ખૂબ જ સારી રીતે ભંડોળ ધરાવતા અને અત્યાધુનિક હોય છે, અને તેમના હુમલા સમયાંતરે વિકસિત થાય છે. આવા હુમલાઓને શોધી કાઢવું એ ચેતવણીના ગુપ્ત સંકેતો પર આધાર રાખે છે જે ઘણીવાર અપૂર્ણ હોય છે. શક્ય છે કે કેટલીક એપલની ધમકીની સૂચનાઓ ખોટા એલાર્મ હોય શકે છે અથવા કેટલાક હુમલાઓ શોધવામાં આવ્યાં ન હોય. ચેતવણીની સૂચનાઓ આપવાનું કારણ શું છે તે વિશે અમે માહિતી પ્રદાન કરવામાં અસમર્થ છીએ, કારણ કે રાજ્ય-પ્રાયોજિત હેકરોની તપાસ કરી તેમની વર્તણૂકને જાણીને ભવિષ્યમાં કહી શકાય”

શું જણાવ્યું મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા એપલની ચેતવણી વિશે ?

કેન્દ્રીય સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, “કેટલાક સાંસદો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાને લઈને એપલ તરફથી જે એલર્ટ આપવામાં આવ્યું છે તેમાં હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે સરકાર આ મુદ્દે ખૂબ જ ગંભીર છે, અમે આ મુદ્દાને ધ્યાને લઈશું. આ મુદ્દાના તળિયે સુધી તપાસના આદેશો જારી કરવામાં આવ્યા છે. આપણા દેશમાં કેટલાક ટીકાકારો છે જેમને ટીકા કરવાની આદત પડી ગઈ છે. આ લોકો દેશની પ્રગતિને પચાવી શકતા નથી… એપલે 150 દેશોમાં તેની ચેતવણી  આપવામાં આવી હોવાની માહિતી બહાર પાડી છે. એપલ પાસે કોઈ માહિતી નથી. તેઓએ અનુમાનના આધારે આ માહિતી મોકલી છે.”

IT સેલના વડા અમિત માલવિયા ચેતવણી વિશે શું જણાવ્યું ?

બહુવિધ વિપક્ષી નેતાઓએ તેમના એપલ ડિવાઈસના ‘હેકિંગ’ના આરોપો પર, BJP IT સેલના વડા અમિત માલવિયા કહે છે કે “એપલએ સ્પષ્ટતા કરી છે કે તેઓએ સમગ્ર વિશ્વમાં આવી અનેક સૂચનાઓ મોકલી છે. આશરે 150 સિટીના વપરાશકર્તાઓને આવી સૂચનાઓ મળી છે અને આવી નોટિફિકેશન શા માટે બહાર પાડવામાં આવી છે તે દર્શાવવા માટે તેઓ પણ સક્ષમ નથી. તેથી, સરકારના ઇશારે આવું કરવામાં આવી રહ્યું હોવાનો વિપક્ષનો આક્ષેપ તદ્દન પાયાવિહોણો છે. દેખીતી રીતે જ વિદેશી ભંડોળવાળી એજન્સીઓના પ્રભાવ હેઠળ રાહુલ ગાંધી આ મુદ્દાઓ ઉઠાવતા રહ્યા છે પરંતુ તપાસમાં ક્યારેય સહકાર આપ્યો નથી. વિપક્ષ પાસે સરકારને ઘેરવા માટે કોઈ મુદ્દો નથી અને તેથી તેઓ આ ખોટા આક્ષેપો કરવાનો આશરો લઈ રહ્યા છે…”

આ પણ જાણો :વિપક્ષી નેતાઓના ફોન હેકિંગનું ભૂત ફરી ધૂણ્યું, મોટા રાજકીય વિવાદના એંધાણ

Back to top button