બોટાદ જિલ્લાના સાળંગપુર સ્થિત શ્રીકષ્ટભંજન હનુમાન દાદાનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે. હનુમાન દાદાના દર્શનાર્થે સાળંગપુરમાં ન માત્ર ભારતમાંથી પરંતુ વિશ્વભરના યાત્રીઓ આવે છે. દેશ-વિદેશના લોકોની આસ્થાનું કેન્દ્ર બનેલા સાળંગપુરની ખ્યાતિમાં હવે વધારો થવા જઈ રહ્યો છે. પંચધાતુમાંથી બનેલી હનુમાન દાદાની 54 ફૂટની વિશાળ પ્રતિમાનું સ્થાપન આગામી સમયમાં થવાનું છે. આવનારા સમયમાં સાળંગપુર માત્ર ધાર્મિક નહીં પરંતુ પ્રવાસન સ્થળ તરીકે પણ વિકાસ પામશે.
જાણો ‘કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ’ વિશે
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં સ્થિત શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં કુલ 1,35,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં હનુમાનજીની પંચધાતુમાંથી બનેલી 54 ફૂટની વિરાટ મૂર્તિ પ્રસ્થાપિત કરવારમાં આવશે. 30 હજાર કિલો વજનની દાદાની વિરાટ મૂર્તિ અત્યારે હરિયાણાના માનેસરમાં બની રહી છે. દાદાની આ વિરાટ મૂર્તિ નરેશભાઈ કુમાવત બનાવી રહ્યા છે. પરમ પૂજ્ય 1008 આચાર્ય શ્રીરાકેશપ્રસાદજી મહારાજ વડતાલ બોર્ડના સાથ-સહકારથી દાદાની આ મૂર્તિ આગામી 14 તારીખે પ્રસ્થાપિત કરવામાં આવશે. આ મૂર્તિની ડિઝાઈન અને માર્ગદર્શનમાં કુંડળધામના પરમપૂજ્ય જ્ઞાનજીવનદાસ સ્વામીએ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. તો શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ આ પ્રોજેક્ટને કિંગ ઓફ સાળંગપુરનું નામ આપ્યું હતું.
- સાળંગપુરમાં સ્થપાનારી મૂર્તિની વિશેષતાઓ જાણો
દાદાની આ મૂર્તિ સાળંગપુર આવતાં 7 કિલોમીટર દૂરથી દેખાશે
કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ 1,35,000 ચોરસ ફૂટ વિસ્તારમાં આકાર લેશે
દાદાની પ્રતિમા દક્ષિણ તરફ મુખ કરીને 13 ફૂટના પાયા પર સ્થાપિત કરવામાં આવશે
હનુમાનજી દાદાના જીવનને દર્શાવતું વોલ મ્યુરલ બનાવવામાં આવશે
સાળંગપુરના ઈતિહાસને ભીંતચિત્રોથી શણગારવામાં આવશે
પરિક્રમા અને પ્રતિમાની વચ્ચે 11,900 ચોરસ ફૂટમાં એક વાવ અને એમ્ફી થિયેટર બનાવવામાં આવશે
એમ્ફી થિયેટર 1,500 દર્શકો બેશે અને લાઇટ એન્ડ સાઉન્ડ ફાઉન્ટેન શોના રોમાંચનો આનંદ માણશે
દાદાની સામે 62000 ચોરસ ફૂટ વિસ્તારમાં ભવ્ય બગીચો બનાવવામાં આવશે
આ બગીચામાં 12000 લોકો એકસાથે બેસી શકશે
દાદાના દર્શન, સભા પ્રવૃતિ, તહેવારો અને સામાજિક પ્રવૃતિઓમાં ભાગ લઈ શકશે
કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ કલા અને આર્કિટેક્ચરનો અદ્ભુત સમન્વય છે
આ પ્રોજેક્ટ હિંદુ ધર્મની કળા, સંસ્કૃતિ અને ગૌરવને પ્રદર્શિત કરશે
14 ઓક્ટોબરથી લોકો દાદાની પ્રતિમાના દર્શન કરી શકશે
આ મૂર્તિની સ્થાપના બાદ સાળંગપુરની તસવીર બદલાય જશે
દાદાની મૂર્તિ સાળંગપુરની શોભામાં વધારો કરશે
સાળંગપુર માત્ર ધાર્મિક નહીં પણ પ્રવાસન સ્થળ પણ બનશે