હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. ત્યારે ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આ વચ્ચે રાણપુરના પાંજરાપોળમાં છેલ્લા 40 દિવસમાં 250 પશુઓના મોત નીપજ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
રાણપુરના પાંજરાપોળમાં 250 પશુઓના મોત
પ્રાપ્ત વિગતો મુજબ બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવેલા પાંજરાપોળમાં છેલ્લા 40 દિવસમાં 250 પશુઓના મોત નીપજ્યા છે.આ પાંજરાપોળમાં 1500 જેટલા નાના-મોટા પશુઓ આવેલા છે. ત્યારે અહી વરસાદ પડતા પાંજરાપોળમાં પાણી ભરાઈ ગયા છે. અને આ પાણીના નિકાલ માટે પણ કોઈ વ્યવસ્થા કરવામા આવી નથી. જેના કારણે અહી કાદવ કીચડ ખુબ જામી ગયો છે. અને પશુઓ આ કાદવ કીચડમાં રહેવા મજબૂર બન્યા છે. ત્યારે અહીં છેલ્લા 40 દિવસમાં 250 પશુઓના મોત નીપજ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
પશુઓના મોત બાદ પાંજરાપોળમાં પાણીના નિકાલ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી
પશુઓના મોતની ઘટનાના અહેવાલ બાદ હાલ પાંજરાપોળમાં પાણીના નિકાલ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ આ જ વ્યવસ્થા પહેલા કરવામાં આવી હોત તો નિર્દોષ પશુઓના મોત નિપજ્યાં ન હોત. આ ઘટના સામે આવતા પશુપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પશુઓ પાણીમાં રહેતા હોવાથી રોગચાળો ફેલાયો
આ અંગે રાણપુર ગામના સરપંચે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતુ કે ‘અહીં ટીડીઓ સાથે વિઝિટ કરવામાં આવી હતી. તેમાં જોવા મળ્યુ હતુ કે પશુઓ પાણીમાં રહેતા હોવાથી રોગચાળો ફેલાયો હતો. તેમજ કેટલાક લોકો અહીંયા બીમાર-ઇજાગ્રસ્ત પશુઓ પણ મૂકી જતા હોય છે. જેના કારણે પણ આ ઘટના બની હોઈ શકે છે. ત્યારે અત્યાર સુધીમાં પહેલીવાર આટલા બધા પશુઓના મોતની ઘટના બની છે.’
રાણપુર પાંજરાપોળના ટ્રસ્ટીએ શું કહ્યું ?
રાણપુર પાંજરાપોળના ટ્રસ્ટી રાજુભાઈએ મીડિયાને જણાવ્યુ હતુ કે, ‘700 જેટલા પશુઓની કેપેસિટી છે અને 1500 પશુઓ રાખવામાં આવ્યા છે. તેમજ અહી વરસાદજને કારણે પાણી ભરાઈ જતુ હોય છે. જેથી કાદવ-કીચડ થતા પશુઓના મોત નીપજ્યા હોવાની આશંકા છે. તેમજ અમે અહીંયા ડોકટર પણ બોલાવીએ છીએ સમયસર પશુઓની સારવાર પણ કરાવી છીએ.’
આ પણ વાંચો : ઈશુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું-“કોન્ટ્રાક્ટ પર જે શિક્ષકોની ભરતી કરવાના છો, તે રદ કરો નહિતર….”