ગુજરાતટ્રેન્ડિંગનેશનલ

ગરીબ પરિવારમાં જન્મેલા ગુજરાતના આ વ્યક્તિએ બનાવ્યું રૂ. 160 અબજનું બિઝનેસ સામ્રાજ્ય

સુરત (ગુજરાત), 10 એપ્રિલ: રિન્યુએબલ એનર્જીએ સમયની માંગ છે અને આ જ કારણ છે કે, આજે આ સેક્ટરમાં વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. બચત, સ્વરોજગાર અને પર્યાવરણની સુધારણાને ધ્યાનમાં રાખીને કેપી ગ્રુપ ઑફ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ફારૂક પટેલની પહેલે એક નવો સીમાચિહ્ન હાંસલ કર્યું છે. તેમણે ગુજરાતના સુરતમાં રિન્યુએબલ એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ક્ષેત્રે મોટી સફળતા મેળવી છે. આજે KP ગ્રુપનું બિઝનેસ સામ્રાજ્ય 160 અબજ રૂપિયાથી વધુનું થઈ ગયું છે. તેમની ત્રણ કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. તેઓ 35થી વધુ કંપનીઓના માલિક છે. જાણીએ તેમના સંઘર્ષથી લઈને બિઝનેસ સામ્રાજ્ય સ્થાપવા સુધીની કહાની…

એક લાખની મૂડીથી ધંધાની શરૂઆત કરી હતી

ફારૂક પટેલનું જન્મસ્થળ સુરત હોવાથી તેમને અહીંયાની માટી પ્રત્યે ખૂબ લગાવ છે. આ જ કારણસર તેમણે પોતાના ગ્રૂપનું નામ KP એટલે કે કોઠી ગામના પટેલ રાખ્યું છે. ડૉ. ફારૂક પટેલના પિતા ગુલામ પટેલ માત્ર રૂ. 700ના પગારથી સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં કંડક્ટર તરીકે નોકરી કરતા હતા. 1973માં તેમની બદલી ભરૂચથી સુરત થઈ હતી. ત્યારબાદ ફારૂક અહીયા જ ભણ્યા-ગણ્યા. સાલ 1994માં રૂ. 1 લાખની જમા મૂડી સાથે કેપી ગ્રુપ શરૂ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ફેબ્રિકેશન-ગેલ્વેનાઇઝિંગનું કામ શરૂ કર્યું. આજથી 16 વર્ષ પહેલા તેમણે રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં પગલું ભર્યું. તેમણે ભરૂચ જિલ્લામાં તેમના જન્મસ્થળ ત્રાલસા કોઠી ગામની નજીક આવેલા સુદી-સમની ગામમાં જમીન ખરીદી હતી. અહીં પાંચ મેગાવોટનો પ્રથમ સોલાર પાર્ક સ્થાપવામાં આવ્યો હતો. કહેવાય છે કે જ્યારે તેમણે ભરૂચમાં સોલાર પાર્કનો વિચાર આગળ ધપાવ્યો ત્યારે લોકોએ તેમને ગણકાર્યા ન હતા. પરંતુ આજે તેમની પાસે સુદી-સમની ગામમાં 250 એકરથી વધુ જમીનમાં ફેલાયેલો ગુજરાતનો સૌથી મોટો ખાનગી સોલાર પાર્ક છે.

25થી વધુ ગામોમાં સોલાર પાર્ક બનાવ્યા

લોકોની વાતોની પરવાહ કર્યા વિના ફારૂક પ્રગતિની દિશામાં આગળ વધતા ગયા. તેમણે ભરૂચ જિલ્લાના 25થી વધુ ગામડાઓમાં સોલાર પાર્ક લગાવ્યા. તેમાં હાઇબ્રિડ પ્લાન્ટ પણ સામેલ છે. જો સમગ્ર ગુજરાતમાં જોવામાં આવે તો કેપી ગ્રુપ પાસે 32 સોલાર-હાઈબ્રિડ પ્લાન્ટ છે અને 380 મેગાવોટનો પ્લાન્ટ ચાલી રહ્યો છે. KP ગ્રુપે કુલ 1.1 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ શરૂ કર્યા છે. કંપની પાસે પાઇપલાઇનમાં 2.6 GW પ્રોજેક્ટ છે. ખાસ વાત એ છે કે ભરૂચ જિલ્લાના કોરા ગામમાં પ્રથમ સાત વિન્ડ ટર્બાઇન લગાવવાનો રેકોર્ડ કેપી ગ્રુપના નામે છે. કંપની પાસે આજે 2000 એકરથી વધુ જમીનની લેન્ડ બેંક છે.

53,000 મેટ્રિક ટનનું વાર્ષિક ઉત્પાદન

કંપનીની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 53,000 મેટ્રિક ટન છે અને તે ભરૂચમાં 2.94 લાખ મેટ્રિક ટનની ક્ષમતા સાથે એક નવું કાર્યસ્થળ વિકસાવી રહી છે. એટલે કે ડૉ.ફારૂક ભરૂચમાં મોટા પાયે વિસ્તરી રહ્યા છે. કેપી ગ્રુપના CMD ડૉ. ફારૂક પટેલને અમેરિકન ઈસ્ટ-કોસ્ટ યુનિવર્સિટી દ્વારા ઈનોવેશન, ટેલેન્ટ અને ક્રિએટિવિટી મેનેજમેન્ટમાં તેમના કાર્ય માટે માનદ ડૉક્ટરેટની પદવી પણ આપવામાં આવી છે. ડૉ.ફારૂક ઈનોવેશન માટે જાણીતા છે. તેમણે 16 રાજ્યોમાં મોબાઈલ ટાવર લગાવવાનું કામ પણ કર્યું. તેમણે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કોરા ગામમાં સૌપ્રથમવાર સાત વિન્ડ ટર્બાઈન લગાવીને ઊર્જા ક્ષેત્રને ચોંકાવી દીધું હતું.

વાઇબ્રન્ટ ગુજરાતમાં રૂ. 17690 કરોડના MOU કર્યા

KP ગ્રુપે તાજેતરમાં વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત રૂ. 17690 કરોડના એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. ભરૂચ ઉપરાંત, કંપનીએ ભાવનગર, કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદર જેવા અનેક જિલ્લાઓમાં વિન્ડ ફાર્મ સ્થાપિત કર્યા છે અને હાઇબ્રિડ પર કામ કર્યું છે. કંપનીનો કુલ પોર્ટફોલિયો 3.7 GW છે. કંપની Icra (A-) રેટિંગ ધરાવે છે. ડૉ. ફારૂક પટેલના વિઝનથી કેપી ગ્રુપે હવે ભરૂચના વાગરા ગામમાં 26 વિન્ડ ટર્બાઈન લગાવવાની દિશામાં કામ શરૂ કર્યું છે. KPI ગ્રીન એનર્જી અને KP એનર્જીનું માર્કેટ કેપ રૂ. 13892 કરોડ છે. ગ્રૂપની ફ્લેગશિપ કંપની કેપી ગ્રીન એન્જિનિયરિંગે તાજેતરમાં MSE પ્લેટફોર્મ પર રૂ. 189.50 કરોડનો દેશનો સૌથી મોટો IPO લૉન્ચ કર્યો છે. આ કંપનીનું માર્કેટ કેપ પહેલા જ દિવસે 1050 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું.

આ પણ વાંચો: દારૂ કૌભાંડમાં ઘેરાયેલી AAPને વધુ એક ફટકો, મંત્રી રાજકુમાર આનંદે આપ્યું રાજીનામું

Back to top button