વિશેષ

યુનાઇટેડ કિંગડમના PM બોરિસ જોન્સનનું ગુજરાતની ભૂમિ પર આગમન

Text To Speech

અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું. ગુજરાત પ્રવાસે આવેલા યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન બોરિસ જોન્સનનું અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.બોરીસ જૉનસનનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થયું ત્યારે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને પ્રદર્શિત કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ ઉષ્માપૂર્ણ સ્વાગત અવસરે પ્રોટોકોલ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર , મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે.કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, પોલીસ વડા આશિષ ભાટિયા, જિલ્લા કલેકટર સંદીપ સાંગલે અને શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદ એયરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સનનું કર્યું સ્વાગત

બ્રિટિશ PMની ભારત મુલાકાત

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સન ભારત-બ્રિટિશ વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે આજથી બે દિવસ ભારતની મુલાકાતે આવ્યા છે. જ્હોન્સન 21 એપ્રિલે ગુજરાતના અમદાવાદથી તેમની મુલાકાત શરૂ કરશે અને મોટા બિઝનેસ જૂથોના નેતાઓ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન તેઓ બ્રિટન અને ભારતના સમૃદ્ધ વેપાર અને લોકોના સંબંધો અંગે ચર્ચા કરશે.આ પ્રથમ વખત હશે જ્યારે બ્રિટનના કોઈ વડાપ્રધાન ભારતના પાંચમા સૌથી મોટા રાજ્ય અને યુકેમાં લગભગ અડધી બ્રિટિશ-ભારતીય વસ્તીના વતન એવાં ગુજરાતની મુલાકાત લેશે. શુક્રવારે સવારે જ્હોન્સન રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત સમારોહમાં હાજરી આપશે અને બાદમાં મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરશે. આ પછી જ્હોન્સન 22 એપ્રિલે વડાપ્રધાન મોદીને મળશે. બંને નેતાઓ યુકે અને ભારતની વ્યૂહાત્મક સંરક્ષણ, રાજદ્વારી અને આર્થિક ભાગીદારી પર ઊંડાણપૂર્વક વાતચીત કરશે. આ ઉપરાંત હિંદ મહાસાગરમાં ગાઢ ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને સુરક્ષા-સહયોગને આગળ વધારવાના ઉદ્દેશ સાથે કામ કરશે.

યુકેના વડાપ્રધાન વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે પણ વાતચીત કરશે. તે જ દિવસે બપોરે લગભગ 1 વાગ્યે બંને પક્ષો હૈદરાબાદ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરે તેવી શક્યતા છે. બ્રિટિશ હાઈ કમિશનના નિવેદન અનુસાર, જોહ્ન્સન આ વર્ષની શરૂઆતમાં શરૂ થયેલી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) વાટાઘાટોની પ્રગતિ માટે આવી રહ્યા છે.ગયા વર્ષે જ્હોન્સન અને પીએમ મોદીએ યુકે-ભારત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પર સંમત થયા હતા. જેમાં યુકેમાં 530 મિલિયનથી વધુના રોકાણની જાહેરાત કરી હતી અને વેપાર, આરોગ્ય, આબોહવા, સંરક્ષણ અને સુરક્ષામાં દ્વિપક્ષીય સંબંધોને ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ગયા વર્ષે કાર્બીસ ખાડીમાં G7માં યુકેએ ભારતને અતિથિ તરીકે આમંત્રણ આપ્યું હતું.

ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરશે
બોરિસ જ્હોન્સને બુધવારે જણાવ્યું હતું કે, ‘ગુરુવારથી ગુજરાતમાં શરૂ થનારી તેમની બે દિવસીય ભારત મુલાકાત બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક વેપાર, સંરક્ષણ અને લોકો વચ્ચેના સંબંધોને ગાઢ બનાવશે.’ તેમની મુલાકાતની પૂર્વસંધ્યાએ સાપ્તાહિક વડાપ્રધાનના પ્રશ્નો (PMQs) માટે હાઉસ ઓફ કોમન્સને સંબોધતા, જોહ્ન્સનને જણાવ્યું હતું કે, તેમની અમદાવાદ અને નવી દિલ્હીની મુલાકાતો ગયા વર્ષે જૂનમાં કોર્નવોલમાં યુકેએ આયોજિત કરેલી G-7 સમિટમાં ભારતને મદદ કરશે.

જ્હોન્સને સંસદના સભ્યોને કહ્યું કે, ‘હું બંને દેશો વચ્ચે રણનીતિક વ્યાપાર, રક્ષા અને લોકોના સંબંધોને વધુ ગાઢ કરવા માટે ભારત યાત્રા કરીશ. જે કાર્બિસ બે જી7 શિખ સંમેલનમાં ભારતની ભાગીદારી પર આધારિત હશે. હું પ્રધાનમંત્રી મોદીને દિલ્હીમાં મળીશ, બ્રિટનમાં રોકાણ કરવાવાળા ભારતીય ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરીશ અને ભારતમાંથી બ્રિટનમાં થયેલા રોકાણ વિશે માહિતી મેળવીશ.’

બ્રિટન રક્ષાક્ષેત્રે ઉત્પાદન વધારવા તત્પર
બ્રિટિશ વડાપ્રધાનની ભારત મુલાકાતથી બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) પર વાટાઘાટોને વેગ મળવાની અપેક્ષા છે. હકીકતમાં બંને દેશો વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત આવતા અઠવાડિયે શરૂ થશે અને બંને પક્ષો 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણા કરવા આતુર છે. બંને દેશો વેપારને લાભ મળે તે માટે વચગાળાના કરાર કરે તેવી શક્યતા છે. બ્રિટન પણ ભારતમાં રક્ષા ઉત્પાદનમાં પોતાનું વર્ચસ્વ વધારવા અંગે વિચારી રહ્યું છે. ભારત અને યુકેએ આ વર્ષે જાન્યુઆરીમાં મુક્ત વેપાર કરારની વાતચીત શરૂ કરી હતી.

બંને નેતા ગ્રીન ટેક્નોલોજી અને હરિત ટેક્નિક માટે જરૂરી ભંડોળ એકત્ર કરવા પર પણ વાતચીત કરે તેવી શક્યતા છે. નવેમ્બર 2021માં મોદી અને જ્હોન્સને ગ્લાસગોમાં ગ્રીન ગ્રીડ પહેલ (વિશ્વભરમાં સ્વચ્છ ઊર્જાને જોડવાનું અભિયાન) શરૂ કર્યું. આ અંગે કેવી રીતે આગળ વધવું તે અંગે ચર્ચા થવાની શક્યતા છે. ભારત અને બ્રિટન આ અભિયાનનું નેતૃત્વ કરશે.

અન્ય વિદેશી મંત્રીઓ પણ આગામી સમયમાં આવશે
યુરોપિયન દેશો સાથેના સંબંધો પર ભારત સરકારનું ધ્યાન કેવી રીતે વધ્યું છે, તેનો અંદાજ બંને પક્ષોની મુલાકાતો પરથી લગાવી શકાય છે. યુકેના પીએમ બોરિસ જ્હોન્સનની મુલાકાતના બે દિવસ પછી યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સાલા વો ડેર લેયન નવી દિલ્હી આવશે. આ દરમિયાન નોર્વેના વિદેશ મંત્રી અનિકેન હ્યુતફેટ પણ 25 એપ્રિલે ભારત આવી રહ્યા છે.

Back to top button