સરહદ સુરક્ષા-ઘરેલું ઉત્પાદનો પર ભાર…સંરક્ષણ બજેટમાં ગયા વર્ષ કરતાં જુઓ કેટલા કરોડનો કરાયો વધારો

નવી દિલ્હી, 23 જુલાઈ : આ વખતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટના 12.9 ટકા સંરક્ષણ માટે ફાળવ્યા છે. આ વખતે સંરક્ષણ બજેટ માટે 6,21,940 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે વચગાળાના બજેટમાં આ જાહેરાત 6,21,541 કરોડ રૂપિયાની હતી. ગયા વર્ષની સરખામણીએ આ બજેટમાં 4.72 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષનું સંરક્ષણ બજેટ 5.93 લાખ કરોડ રૂપિયાથી થોડું વધારે હતું. નાણામંત્રીએ આ સંરક્ષણ બજેટમાં રૂ. 1.05 લાખ કરોડની જાહેરાત માત્ર એટલા માટે કરી છે જેથી દેશની કંપનીઓ પાસેથી સંરક્ષણની ખરીદી અને વેચાણ આત્મનિર્ભર ભારત હેઠળ થઈ શકે.
બોર્ડર રોડ માટે બજેટમાં 30 ટકાનો વધારો
સરહદની સુરક્ષા માટે રસ્તાઓનું નિર્માણ જરૂરી છે, તેથી આ વખતે બોર્ડર રોડ માટે બજેટમાં 30 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ માટે 6500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. iDEX યોજના હેઠળ સંરક્ષણ સ્ટાર્ટઅપ્સ માટે રૂ. 518 કરોડની જાહેરાત કરવામાં આવી છે. જેથી નવા હથિયારો અને ટેક્નોલોજી વિકસાવી શકાય.
આ પણ વાંચો : ઓલિમ્પિકમાં આ દિવસે નીરજ ચોપરાનો જોવા મળશે થ્રો, જાણો કયા સમયે અને ક્યાંથી જોઈ શકાશે LIVE
આ વર્ષે સંરક્ષણ બજેટમાં રૂ. 68,834 કરોડનો વધારો
જો ગયા વર્ષના સંરક્ષણ બજેટ સાથે સરખામણી કરવામાં આવે તો આ વર્ષે સંરક્ષણ બજેટમાં રૂ. 68,834 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે વર્ષ 2022-23માં આ બજેટ 5.25 લાખ કરોડ રૂપિયાથી થોડું વધારે હતું. આ વખતે આવક ખર્ચ અને ઓપરેશનલ સજ્જતા માટે 14.82 ટકા, 30.68% પગાર અને ભથ્થાં માટે, 22.72% પેન્શન માટે તથા 4.11 ટકા નાગરિક સંસ્થાઓને આપવામાં આવ્યા છે. ભારતીય કોસ્ટ ગાર્ડ માટે રૂ. 7651 કરોડ અને DRDO માટે રૂ. 23,855 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં સંરક્ષણ માટે 6.24 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. વર્ષ 2025નું વચગાળાનું બજેટ ચોક્કસપણે થોડું ઓછું હતું પરંતુ તે અન્ય મંત્રાલયોની સરખામણીમાં સૌથી વધુ હતું. આ ભારત સરકારના સમગ્ર બજેટના 13 ટકા છે.
સંરક્ષણ ઉત્પાદનમાં ભારતની સ્થિતિ શું રહી છે?
ભારતનું વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન 2023-24માં તેના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું હતું. આ સમયગાળા દરમિયાન આશરે 1.27 લાખ કરોડ રૂપિયાનું સંરક્ષણ ઉત્પાદન થયું હતું. જે ગયા વર્ષના રૂ. 1.09 લાખ કરોડ કરતા ઘણું વધારે છે. સંરક્ષણ મંત્રાલયે ત્રણ વર્ષમાં ભારતીય કંપનીઓ પાસેથી 12,300 સંરક્ષણ ઉત્પાદનોની ખરીદી કરી છે તથા બનાવાયા છે.
ભારતની ભાવિ સંરક્ષણ માટેની તૈયારી શું છે?
અનુમાન મુજબ, ભારતીય સૈન્ય આગામી પાંચથી છ વર્ષમાં 130 અબજ ડોલરની મૂડી પ્રાપ્તિ કરશે. એટલે કે રૂ. 10.88 લાખ કરોડ. આગામી પાંચ વર્ષમાં રૂ. 1.75 લાખ કરોડના ઘરેલુ સંરક્ષણ ઉત્પાદનની તૈયારીઓ કરવામાં આવી રહી છે. હાલમાં જ રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે વર્ષ 2028-29 સુધીમાં ભારતમાંથી શસ્ત્રોની નિકાસ 50 હજાર કરોડ રૂપિયાની થશે. હાલમાં તેની કિંમત 21,803 કરોડ રૂપિયા છે.
આ પણ વાંચો : બજેટ 2024 પ્રતિભાવો : જાણો શું કહ્યું શાસક અને વિપક્ષના નેતાઓએ?