અમદાવાદ, 07 સપ્ટેમ્બર 2024, શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં કુખ્યાત બૂટલેગરના પુત્રનું ગુરુવારે રાત્રે મોંઘીદાટ કારમાં આવેલા શખ્સોએ અપહરણ કરીને ઢોર માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના બાદ બુટલેગરના સાગરિતોએ અડધી રાત્રે કૃષ્ણનગર અને નરોડા વિસ્તારમાં ગાડીઓના કાચ તોડી રીતસરનો આતંક મચાવ્યો હતો. ખુલ્લી તલવારો અને લાકડાના ધોકાઓથી ગાડીમાં તોડફોડ કરી હતી.કૃષ્ણનગર પોલીસે બુટલેગર કિશોરસિંહ રાઠોડના દીકરા અજીતસિંહની ફરિયાદના આધારે ધમા બારડ અને અન્ય ચાર શખસ સામે ગુનો નોંધ્યો છે. તો ગાડીમાં તોડફોડ બાબતે પણ ગુનો નોધવામાં આવ્યો છે.
ડિપર માર્યુ એમ કહીને માથામાં લાકડી ફટકારી
મળતી માહિતી મુજબ, અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના કુખ્યાત બૂટલેગર કિશોરસિંહ રાઠોડનો દીકરો અજીતસિંહ ગુરુવારે રાત્રે પોતાની હોટલ બંધ કરીને ઘરે આવી રહ્યો હતો. ત્યારે રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં શ્યામ વિહાર સોસાયટીના દરવાજા પાસે અચાનક એક મર્સિડીઝ કાર આવી હતી. એમાંથી એક શખ્સે ઉતરીને કેમ ડિપર માર્યુ એમ કહીને માથામાં લાકડી ફટકારી દીધી હતી. જે બાદ કારમાં બેઠેલા અન્ય શખ્સે કોઇને ફોન કરતાં થોડીક જ મિનિટોમાં બ્લેક કલરની અન્ય એક કારમાં આવેલા કુખ્યાત ધમા બારડ અને તેના બે સાગરીતો અજીતસિંહને ઢોર માર મારી કારમાં અપહરણ કરીને લઇ ગયા હતા. થોડેક દૂર લઇ જઇને અજીતસિંહને ફરીથી માર માર્યો હતો. આ દરમિયાન અજીતસિંહના કોઇ ઓળખીતા આવી જતાં ધમા બારડ સહિત પાંચેય જણા ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
વિસ્તારમાં અન્ય લોકોની ગાડીઓમાં તોડફોડ કરી
ત્યારબાદ ઘટનાની જાણ થતાં અજિતસિંહના પિતા કિશોરસિંહ રાઠોડે અસારવા અને શાહીબાગ વિસ્તારના કેટલાક માથાભારે તત્વોને ધમા બારડ અને એના સાગરીતોને શોધવા કામે લગાડ્યા હતા. જેમાં મોડી રાત્રે કૃષ્ણનગર અને નરોડા વિસ્તારને બાનમાં લીધો હતો. કુખ્યાત ધમા બારડની મર્સિડીઝ ગાડી સહિત વિસ્તારમાં અન્ય લોકોની ગાડીઓમાં તોડફોડ કરી હતી.ઘટનાસ્થળથી થોડીક જ દૂર પોલીસ હોવા છતાં ગાડીમાં બેઠેલા પોલીસ કર્મચારીઓ મૂકપ્રેક્ષક બનીને આ ઘટનાને દૂરથી નિહાળીને રવાના થઈ ગયા હતા. તે સમયે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.કૃષ્ણનગરના પીઆઈ અભિષેક ધવને મીડિયાને જણાવ્યું હતું કે, અપહરણ અને ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી તે અંગે ફરિયાદ નોધવામાં આવી છે. સર્વેલન્સ સ્કોડ દ્વારા ફરિયાદ અંગે તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં પહેલીવાર વ્યાજખોર વિરૂદ્ધ GUJCTOC દાખલ, અંજારની લેડી ડોનને જેલ ભેગી કરાઈ