અમદાવાદમાં બુટલેગરોનો નવો કીમિયો, ડિલિવરી એપથી દારૂ મંગાવ્યો
- દારૂની હેરાફેરી કરવા માટે ઓનલાઈન ડિલિવરી એપ્લિકેશન
- પોલીસે ગેરકાયદેસર દારૂની 46 બોટલ જપ્ત કરી
- કુબેરનગરના આંબાવાડીમાં દારૂ પહોંચાડવામાં આવતો
અમદાવાદમાં ખુલ્લેઆમ દારુનું વેચાણ થતું હોવાની અનેક ઘટનો બની રહી છે. જેમાં ઘણા અંશે વિસ્તારના પોલીસ મથકની રહેમ નજર જવાબદાર છે. ત્યારે અમદાવાદમાં કુબેરનગરના એક બુટલેગરે શહેરમાં દારૂની હેરાફેરી કરવા માટે ઓનલાઈન ડિલિવરી એપ્લિકેશનનો દુરુપયોગ કર્યો છે.
ગેરકાયદેસર દારૂની 46 બોટલ જપ્ત કરી
આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પોર્ટર એપ દ્વારા ભાડે લેવામાં આવેલા બે વાહનોમાંથી ગેરકાયદેસર દારૂની 46 બોટલ જપ્ત કરી છે. જ્યારે હની સિંધી નામના એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
કુબેરનગરના આંબાવાડીમાં દારૂ પહોંચાડવામાં આવતો
બુટલેગરોએ શહેરમાં દારૂ પહોંચાડવા માટે લોજિસ્ટિક્સ એપ્લિકેશનો અને ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. ઘટના એમ છે કે, અમદાવાદના કુબેરનગરમાં બુટલેગર દ્વારા પોર્ટર એપના માધ્યમથી દારૂની હેરાફેરા કરતો હોવાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી. પોર્ટર એપ દ્વારા બુક કરાયેલા બે માલવાહક વાહનો મારફતે કુબેરનગરના આંબાવાડીમાં દારૂ પહોંચાડવામાં આવતો હતો.
હની સિંધીનો સંપર્ક કરવાની સૂચના આપવામાં આવી
સમગ્ર ઘટનાને પગલે પોલીસે સ્થળ પર પહોંચીને વાહનોને અટકાવીને પૂછપરછ કરતાં ડ્રાઇવરોએ ખુલાસો કર્યો હતો કે, ‘તેમને પીપલાજના શ્રીનાથ કાર્ગોથી કુબેરનગર, આંબાવાડી સુધી પાર્સલ પહોંચાડવાનું કામ સોંપવામાં આવ્યું હતું. ડિલિવરી સમયે તેમને હની સિંધીનો સંપર્ક કરવાની સૂચના આપવામાં આવી હતી. વાહનોની તપાસ કરતાં ગેરકાયદેસર દારૂની 46 બોટલો ધરાવતા ચાર પાર્સલ મળી આવ્યા હતા. જેમાં પોલીસે આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.
આ પણ વાંચો: અમદાવાદ સિવિલમાં 4 વર્ષમાં કેન્સરના 1 લાખથી વધુ કેસ નોંધાયા