અમદાવાદ, 1 એપ્રિલ : અમદાવાદમાં વધુ એકવાર બુટલેગરો બેફામ બન્યા છે. અહીંની ઘોડાસર ઈસનપુર વિસ્તારમાં આજે સોમવારે સવારે ભાજપના મંત્રી યુવાન અને તેના પિતા ઉપર તેના જ વિસ્તારમાં રહેતા બુટલેગર અને તેના સાગરીતોએ તલવાર અને પાઈપ વડે હુમલો કર્યાનું સામે આવ્યું છે. જૂની અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ઈસનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કોની સામે નોંધાવાઈ ફરિયાદ ?
મળતી માહિતી મુજબ, ઘોડાસર ઈસનપુર વિસ્તારમાં રહેતા અને કરીયાણાનો વેપાર કરતા ભાજપના બક્ષીપંચ મોરચાના મંત્રી દર્શન મિસ્ત્રીએ ઈસનપુર પોલીસ મથકે તેમની જ સોસાયટીમાં રહેતા જયમીન પંચાલ, તેના પિતા પ્રહલાદભાઈ પંચાલ, ક્રિસ મરાઠી અને એક અન્ય અજાણ્યો શખસ સહિતનાઓ સામે તલવાર, પાઈપ વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે.
શું જણાવ્યું છે ફરિયાદમાં ?
આ ફરિયાદમાં દર્શનભાઈએ કહ્યું હતું કે, તેઓ સવારે તેના પિતા સાથે પોતાની દુકાને હતા ત્યારે તેના વિસ્તારમાં દારૂનો ધંધો કરતો જયમીન તલવાર, તેના પિતા પ્રહલાદભાઈ પાઈપ તેમજ બે મિત્રો હથિયાર સાથે આવ્યા બાદ તેની સાથે માથાકૂટ કરવાનું શરૂ કરી દઈ ગાળો બોલવા લાગ્યા હતા. જે બાદ તેને ગાળો આપવાની ના પાડતા તેઓએ ઉશ્કેરાટમાં આવી હુમલો કર્યો હતો. તેમાં તેના પિતા વચ્ચે પડતા આરોપીઓએ તેને પણ તલવાર પાઈપ ઝીંકી દેતા ઈજા પહોંચી હતી. ઘટના બાદ તમામ ભાગી જતા ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.