ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને બોમ્બે હાઇકોર્ટે ફટકારી આજીવન કેદ, ઇતિહાસમાં પહેલીવાર

  • કાયદાના રક્ષકોને યુનિફોર્મમાં ગુનેગાર તરીકે કામ કરવાની મંજૂરી આપી શકાય નહીં: કોર્ટ

મુંબઈ, 20 માર્ચ: બોમ્બે હાઈકોર્ટે ભૂતપૂર્વ પોલીસકર્મી અને મુંબઈના વિવાદાસ્પદ ‘એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ’ પ્રદીપ શર્માને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે 2006માં મુંબઈમાં ગેંગસ્ટર છોટા રાજનના નજીકના સાથી રામનારાયણ ગુપ્તા ઉર્ફે લખન ભૈયાના નકલી એન્કાઉન્ટરમાં મૃત્યુના કેસમાં પ્રદીપ શર્માને દોષિત ઠેરવ્યા હતા, જ્યારે અન્ય 13 આરોપીઓની સજાને પણ માન્ય રાખી હતી. મહારાષ્ટ્રમાં નકલી એન્કાઉન્ટર કેસમાં પોલીસકર્મીને સજા સંભળાવવાનો આ પહેલો કિસ્સો છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, કાયદાના રક્ષકોને યુનિફોર્મમાં ગુનેગાર તરીકે કામ કરવાની મંજૂરી આપી શકાય નહીં.

 

બોમ્બે હાઇકોર્ટની ખંડપીઠે શું કહ્યું?

ન્યાયમૂર્તિ રેવતી મોહિતે ડેરે અને ગૌરી ગોડસેની ખંડપીઠે કહ્યું કે, ‘પ્રોસિક્યુશન એ સાબિત કર્યું છે કે ગુપ્તાની હત્યા પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને તેને વાસ્તવિક એન્કાઉન્ટર તરીકે દર્શાવવામાં આવ્યું હતું.’ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, ‘કાયદા મુજબ, ગાર્ડ્સ/ સંરક્ષકોને યુનિફોર્મમાં ગુનેગાર તરીકે કામ કરવાની મંજૂરી આપી શકાતી નથી અને જો મંજૂરી આપવામાં આવે તો તે અરાજકતા તરફ દોરી જશે.

ખંડપીઠે જણાવ્યું હતું કે, ફરિયાદ પક્ષે ‘વિશ્વસનીય, મજબૂત અને કાયદેસર રીતે સ્વીકાર્ય પુરાવા’ સાથે નકલી એન્કાઉન્ટરમાં ગુપ્તાના અપહરણ, ખોટી રીતે કેદ અને હત્યાને વાજબી શંકાની બહાર સાબિત કરી છે. જેથી અમને લાગે છે કે ફરિયાદ પક્ષે વાજબી શંકાની બહાર સાબિત કર્યું છે કે જ્યારે રામનારાયણ આરોપીની કસ્ટડીમાં હતા, ત્યારે તેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી અને તેને છુપાવવા માટે, તેને વાસ્તવિક એન્કાઉન્ટરનો રંગ આપવામાં આવ્યો હતો.” સેશન્સ કોર્ટના 2013ના નિર્ણયમાં શર્માને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા.

કોણ છે પ્રદીપ શર્મા?

પ્રદીપ શર્મા 1983 બેચના પોલીસ અધિકારી છે. તે મુંબઈના અંડરવર્લ્ડ વિરુદ્ધના અભિયાન માટે જાણીતા હતા. તેમાંથી, દાઉદ ઈબ્રાહિમ, છોટા રાજન, અરુણ ગાવલી અને અમર નાઈક જેવા ગેંગસ્ટરો સામે ઘણા મોટા ઓપરેશનો હાથ ધરવામાં આવ્યા હતા. 2010માં, રામનારાયણ ગુપ્તા ઉર્ફે લખન ભૈયાના નકલી એન્કાઉન્ટરમાં કથિત સંડોવણી બદલ પ્રદીપ શર્માની ધરપકડ કરવામાં આવી હતી.

વર્ષ 2017માં, તેઓ ફરીથી પોલીસ દળમાં જોડાયા અને તત્કાલીન કમિશનર પરમબીર સિંહ હેઠળ થાણે પોલીસમાં એસીપી તરીકે સેવા આપી. માત્ર બે વર્ષ પછી, જુલાઈ 2019માં, તેમણે અવિભાજિત શિવસેનામાં જોડાવા માટે તેમના પદ પરથી રાજીનામું આપ્યું અને તેમણે મુંબઈના નાલાસોપારાથી વિધાનસભાની ચૂંટણી લડી હતી, જેમાં તેઓ હારી ગયા હતા. વર્ષ 2021માં, પ્રદીપ શર્માની એન્ટિલિયા વિસ્ફોટક કેસ અને મનસુખ હિરેન હત્યા કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા બીજી વખત ધરપકડ કરવામાં આવી હતી. પ્રદીપ શર્મા પર મનસુખ હિરેનના મૃતદેહના નિકાલમાં સામેલ હોવાનો આરોપ હતો.

પ્રદીપ શર્મા વિશે કોર્ટે શું કહ્યું?

હાઈકોર્ટે પ્રદીપ શર્માને નિર્દોષ જાહેર કરવાના નીચલી કોર્ટના નિર્ણયને ‘ખોટો’ અને ‘ બિનટકાઉ’ ગણાવ્યો હતો. કોર્ટે કહ્યું કે, ‘નીચલી અદાલતે શર્મા વિરુદ્ધ ઉપલબ્ધ પૂરતા પુરાવાઓની અવગણના કરી. પુરાવાઓ સ્પષ્ટપણે આ કેસમાં તેની સંડોવણી સાબિત કરે છે.”

11 નવેમ્બર 2006ના રોજ, એક પોલીસ ટીમે રામનારાયણ ગુપ્તા ઉર્ફે લખન ભૈયાની નવી મુંબઈના વાશીથી ધરપકડ કરી કારણ કે તે રાજન ગેંગનો સભ્ય હતો. તેની સાથે તેનો મિત્ર અનિલ ભેડા પણ ઝડપાયો હતો. ગુપ્તાની તે જ સાંજે પશ્ચિમ મુંબઈમાં ઉપનગરીય વર્સોવામાં નાના નાની પાર્ક નજીક ‘નકલી’ એન્કાઉન્ટરમાં હત્યા કરવામાં આવી હતી.

હવે કોર્ટે કહ્યું કે, પ્રદીપ શર્મા ગુનાહિત કાવતરું, હત્યા, અપહરણ અને ખોટી રીતે કેદ રાખવા સહિતના તમામ આરોપોમાં દોષિત છે અને તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવે છે. બેંચે શર્માને ત્રણ સપ્તાહની અંદર સંબંધિત સેશન્સ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. શર્માની કાનૂની મુશ્કેલીઓ અહીં સમાપ્ત થતી નથી કારણ કે તે 2021માં જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટક મળી આવવાના કેસ અને ઉદ્યોગપતિ મનસુખ હિરેનની હત્યા સાથે સંબંધિત એક અલગ કેસમાં પણ ફસાયેલા છે. આ કેસમાં તેમને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે.

આ પણ જુઓ: બદાયૂંમાં બે નાના ભાઈઓની હત્યા: મુખ્ય આરોપી સાજીદનું એન્કાઉન્ટર, ઈન્સ્પેક્ટર ઘાયલ

Back to top button