બોમ્બે હાઈકોર્ટે EDને ગંભીર ચેતવણી આપી, 1 લાખનો દંડ લગાવી કહ્યું- લોકોને હેરાન કરવાનું બંધ કરો


મુંબઈ, 22 જાન્યુઆરી 2025: બોમ્બે હાઈકોર્ટે એક રિયલ એસ્ટેટ બિઝનેસમેન વિરુદ્ધ જાણ્યા જોયા વિના મની લોન્ડ્રીંગની તપાસ શરુ કરવા બદલ ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પર મંગળવારે એક લાખ રુપિયાનો દંડ લગાવ્યો છે. કોર્ટે આકરી ટિપ્પણી કરતા કહ્યું કે, કેન્દ્રીય એજન્સીને કાયદાની હદમાં રહીને કામ કરવું જોઈએ.
ઈડી પર દંડ લગાવતા જસ્ટિસ મિલિંદ જાઘવની એકલ પીઠે કહ્યું કે, કાયદો લાગૂ કરનારી એજન્સીઓને એક મોટો મેસેજ જવો જોઈએ, જેથી એ ખાતરી કરી શકાય છે કે તે નાગરિકોને હેરાન ન કરે.
હાઈકોર્ટે ઓગસ્ટ 2014માં મુંબઈમાં એક રિયલ એસ્ટેટ ડેવલપર રાકેશ જૈનને મની લોન્ડ્રીંગ એજન્સી દ્વારા દાખલ અભિયોજન ફરિયાદના આધાર પર એક સ્પેશિયલ કોર્ટ જાહેર કરવામાં આવેલી પ્રક્રિયાને રદ કરી દીધી.
ન્યાયમૂર્તિ જાઘવે કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે ઈડી જેવી કેન્દ્રીય એજન્સીઓ કાયદાને પોતાના હાથમાં લેવાનું બંધ કરે અને નાગરિકોને હેરાન કરવાનું બંધ કરે.
ઈડીએ જૈન વિરુદ્ધ ઉપનગરીય વિલે પાર્લે પોલીસ સ્ટેશનમાં એક સંપત્તિ ખરીદદાર દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદના આધાર પર મની લોન્ડ્રીંગની તપાસ શરુ કરી હતી. જેમાં જૈન પર કરારનું ઉલ્લંઘન કરવા અને છેતરપીંડીનો આરોપ લગાવ્યો હતો.
ન્યાયમૂર્તિ જાઘવે પોતાના ચુકાદામાં કહ્યું કે, જૈન વિરુદ્ધ કોઈ કેસ બનતો નથી. એટલા માટે મની લોન્ડ્રીંગનો આરોપ ટકતો નથી. હાઈકોર્ટે કહ્યું કે, જૈન વિરુદ્ધ ફરિયાદકર્તાનું પગલું અને ઈડીની કાર્યવાહી સ્પષ્ટ રીતે દુર્ભાવનાપૂર્ણ છે અને તેના માટે દંડ લગાવવાની જરુર છે.
આ પણ વાંચો: બિલાડીએ ભૂલથી કંપનીમાં રાજીનામું મોકલી દીધું, મહિલાની નોકરી જતી રહી