બોમ્બની ધમકીઓનો સિલસિલો યથાવત, હવે બેંગલુરુમાં હોટલોને ઉડાવી દેવાનો મળ્યો ઈમેલ
બેંગલુરુ, 23 મે : કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ત્રણ ફાઈવ સ્ટાર હોટલને બોમ્બની ધમકી મળી હતી, પરંતુ તપાસ બાદ તે નકલી હોવાનું બહાર આવ્યું છે. ખાસ વાત એ છે કે આ મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે શહેરમાં રામેશ્વરમ બ્લાસ્ટની તપાસ ચાલી રહી છે. આ સિવાય એક દિવસ પહેલા નોર્થ બ્લોકમાં પણ બોમ્બની ધમકી મળી હતી, જે તપાસ બાદ અફવા હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસ સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું કે બેંગલુરુમાં ત્રણ હોટલને ધમકીઓ મળી હતી, જે પછી તપાસમાં નકલી હોવાનું બહાર આવ્યું હતું. તેમણે કહ્યું કે હોટલોને કથિત રીતે ઈમેલની ધમકી મળી હતી જેના પગલે મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ધમકી નકલી હોવાનું સાબિત થયું હતું.
નોર્થ બ્લોકમાં બોમ્બની ધમકી અફવા સાબિત થઈ.
બુધવારે નોર્થ બ્લોકમાં બોમ્બની ધમકીને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ ન મળ્યા પછી તેને ફેક જાહેર કરવામાં આવી હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. ગૃહ મંત્રાલય નોર્થ બ્લોકમાં આવેલું છે. દિલ્હી ફાયર સર્વિસ (DFS)ના અધિકારીના જણાવ્યા અનુસાર, મંત્રાલયમાં તૈનાત એક વરિષ્ઠ અધિકારીને બપોરે 3.30 વાગ્યે ઈમેલ દ્વારા ધમકી મળી હતી.
એક પોલીસ અધિકારીએ કહ્યું કે ઈમેલમાં લખવામાં આવ્યું છે કે ‘બિલ્ડીંગમાં બોમ્બ રાખવામાં આવ્યો છે જે વિસ્ફોટ થવાનો છે. અધિકારીએ કહ્યું કે આઈપી એડ્રેસ અને ઈમેલની અન્ય વિગતોની તપાસ કરવામાં આવી રહી છે. નામ ન આપવાની શરતે બોલતા એક અધિકારીએ જણાવ્યું હતું કે ઈમેલ એક અનામી Gmail એડ્રેસ પરથી મોકલવામાં આવ્યો હતો અને એવી શંકા છે કે મોકલનાર VPNનો ઉપયોગ કરે છે, જે IP એડ્રેસને શોધી શકાતું નથી.
અધિકારીએ કહ્યું કે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી શકે છે, જેણે તપાસ શરૂ કરી દીધી છે. નોર્થ બ્લોકમાં સર્ચ ઓપરેશન માટે પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓ, સ્નિફર ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને તૈનાત કરવામાં આવ્યા હતા. ફાયર ઓફિસર પ્રેમલાલે જણાવ્યું કે બે ફાયર એન્જિન પણ ત્યાં હતા. દિલ્હી પોલીસે ઈમારતની સઘન શોધખોળ કર્યા પછી બોમ્બની ધમકીને ફેક તરીકે ફગાવી દીધી હતી.
આ પણ વાંચો : મહારાષ્ટ્રના થાણેમાં કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 6 કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ