ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બોંબની ધમકીઃ દિલ્હીની 50થી વધુ સ્કૂલમાં બોંબ મૂકાયાની ધમકી, બાળકોને રજા આપીને તપાસ શરૂ

Text To Speech
  •  50થી વધુ શાળાઓમાં બોંબ હોવાની માહિતીને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો 

નવી દિલ્હી, 1 મે: દિલ્હી અને નોઈડાની 50થી વધુ શાળાઓને આજે બુધવારે બોંબથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા છે, આ શાળાઓમાં બોંબ મુકવામાં આવ્યા હોવાની માહિતીએ હલચલ મચાવી દીધી છે. તેમાં દ્વારકાની ડીપીએસ, મયુર વિહારની મધર મેરી અને નવી દિલ્હીની સંસ્કૃતિ સ્કૂલ જેવી હાઈપ્રોફાઈલ શાળાઓ ઉપરાંત નોઈડાની ડીપીએસનો સમાવેશ થાય છે. આ ધમકી બાદ વિદ્યાર્થીઓને ઉતાવળે ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. પોલીસે વાલીઓને જરા પણ ગભરાશો નહીં તેવું જણાવ્યું છે. દિલ્હી પોલીસ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે,બુધવારે સવારે દિલ્હીની ઘણી સ્કૂલોમાં બોમ્બની ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હતા. ઈમેલના આઈપી એડ્રેસ પરથી એવું લાગે છે કે, આ ઈમેલ દેશની બહારથી મોકલવામાં આવ્યા છે. આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે.

ગૃહ મંત્રાલયની આ ઘટના પર ચાંપતી નજર 

ગૃહ મંત્રાલય પણ શાળાઓમાં બોંબ મૂકવામાં આવ્યા હોવાની ઘટના પર ચાંપતી નજર રાખી રહ્યું છે. સાયબર ટીમ IP એડ્રેસ શોધવામાં વ્યસ્ત છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, આ મેલ કયા આઈપી એડ્રેસ પરથી મોકલવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ આ મામલામાં તપાસમાં લાગી ગઈ છે.  ઘણી શાળાઓમાં બોંબની ધમકીના ઈમેલના મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું છે કે, “કોઈએ ડરવાની જરૂર નથી. આ હોક્સ કોલ પણ હોઈ શકે છે. દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પ્રોટોકોલ મુજબ જરૂરી પગલાં લઈ રહી છે.”

લેફ્ટનન્ટ ગવર્નરે કમિશનર પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો 

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ પોલીસ કમિશનર સાથે વાત કરી છે અને દિલ્હી-એનસીઆરની શાળાઓમાં બોંબની ધમકીના મુદ્દા પર વિગતવાર અહેવાલ માંગ્યો છે. દિલ્હી પોલીસને શાળા પરિસરમાં સંપૂર્ણ તપાસ કરવા, ગુનેગારોને ઓળખવા અને કોઈપણ પ્રકારની બેદરકારી ન દાખવવા સૂચના આપવામાં આવી છે. તો બીજી બાજુ દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીએ કહ્યું છે કે, બુધવારે સવારે કેટલીક શાળાઓને બોંબની ધમકી મળી હતી. વિદ્યાર્થીઓને ઘરે મોકલ્યા બાદ શાળાના પરિસરમાં સર્ચ કરવામાં આવ્યું હતું. પરંતુ હજુ સુધી એક પણ શાળામાંથી શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. અમે પોલીસ અને શાળાઓના સંપર્કમાં છીએ. હું વાલીઓ અને નાગરિકોને ગભરાશો નહીં તેવી અપીલ કરું છું. પોલીસને હજુ સુધી તપાસમાં કંઈ મળ્યું નથી.

આ ઘટના વિશે પોલીસ શું કહ્યું?

શાળાઓમાં બોંબની ધમકી મળવા પર નવી દિલ્હીના ડીસીપી દેવેશ કુમાર મહાલાએ કહ્યું કે, અમે તમામ શાળાઓની તપાસ કરી છે પરંતુ હજુ સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. કોઈએ ડરવાની જરૂર નથી. પૂર્વ દિલ્હીના ડીસીપી અપૂર્વ ગુપ્તાએ જણાવ્યું હતું કે, શાળાઓમાં બોંબ હોવાની માહિતી મળ્યા બાદ અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. બોંબ ડિસ્પોઝલ સ્ક્વોડની મદદથી શાળાઓમાં તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન દક્ષિણ દિલ્હીના ડીસીપી અંકિત ચૌહાણે જણાવ્યું હતું કે, દક્ષિણ દિલ્હીમાં અત્યાર સુધીમાં 12થી વધુ કોલ આવ્યા છે. આ કોલ્સ શાળાઓમાં બોંબ મૂકવાના સંબંધમાં આવ્યા હતા. અમે તાત્કાલિક કાર્યવાહી કરી અને બોંબ ડિસ્પોઝલ સ્કવોડ સાથે પોલીસને ઘટનાસ્થળે મોકલી છે. શાળા પ્રશાસનની મદદથી બાળકોને શાળામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ હજુ સુધી આ મામલે કંઈ જાણવા મળ્યું નથી.

ઘણી શાળાઓને ધમકીભર્યા મેલ મળ્યા 

1. દ્વારકાની DPS સ્કૂલ
2. રોહિણીની DPS સ્કૂલ
3. વસંત કુંજની DPS સ્કૂલ
4. નોઈડાની DPS સ્કૂલ
5. દક્ષિણ પશ્ચિમ દિલ્હીની DAV શાળા
6. પૂર્વ દિલ્હીની DAV સ્કૂલ
7. પિતમપુરાની DAV શાળા
8. નવી દિલ્હીની સંસ્કૃતિ શાળા
9. મધર મેરી સ્કૂલ, મયુર વિહાર
10. પુષ્પ વિહારની એમિટી સ્કૂલ
11. નજફગઢની ગ્રીન વેલી સ્કૂલ

આ પણ જુઓ:કોવિશિલ્ડની આડઅસરો અંગેની ચિંતા વચ્ચે એસ્ટ્રાઝેનેકાએ સહાનુભૂતિ વ્યક્ત કરી, જાણો શું કહ્યું?

Back to top button