બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને ‘લતા મંગેશકર એવોર્ડ’થી કરાશે સન્માનિત
મુંબઈ, 17 એપ્રિલ: સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને લતા દીનાનાથ મંગેશકર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. મંગેશકર પરિવારે ખુદ આ અંગે મંગળવારે જણાવ્યું હતું.બિગ બીને આ સન્માન 24 એપ્રિલે લતા મંગેશકરના પિતા અને સંગીતના દિગ્ગજ દિનાનાથ મંગેશકરના સ્મૃતિ દિવસે આપવામાં આવશે.પરિવાર અને ટ્રસ્ટે લતા મંગેશકરના નિધન બાદ તેમની યાદમાં આ એવોર્ડની શરૂઆત કરી હતી. મહત્ત્વનું છે કે, આ એવોર્ડ એવા મહાનુભાવોને આપવામાં આવે છે જેમણે સમાજ માટે અગ્રણી યોગદાન આપ્યું હોય. સૌથી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પછી 2023માં આ એવોર્ડ લતા મંગેશકરની બહેન આશા ભોંસલેને આપવામાં આવ્યો. હવે બિગ બીને પણ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
બિગ બીએ બૉલિવૂડમાં પાંચ દાયકા પૂર્ણ કર્યા
બોલિવૂડના બાદશાહ અમિતાભ બચ્ચને તેમની ફિલ્મી કારકિર્દીમાં બોલિવૂડને અઢળક હિટ ફિલ્મો આપી છે. બિગ બીને ઇન્ડસ્ટ્રીમાં લગભગ પાંચ દાયકા પૂરા થયા છે. 1969માં તેમણે ફિલ્મ સાત હિન્દુસ્તાથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેમણે ઝંઝીર, શોલે, અમર અકબર એન્થોની, ડૉન જેવી કેટલીક બ્લોકબાસ્ટર મૂવી કરી. બિગ બીએ પોતાની અથાગ મહેનત અને પરિશ્રમના બળે આજે એવી ઊંચાઈએ પહોંચ્યા છે જેના કલ્પના પણ ન કરી શકાય. કદાચ એટલે જ અમિતાભને સદીના મહાનાયક પણ કહેવામાં આવે છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને પણ તેમના કામ માટે ઘણા પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં બિગ બીના એવોર્ડની યાદીમાં ટૂંક સમયમાં વધુ એક નામ જોડાવા જઈ રહ્યું છે.
અમિતાભ બચ્ચનનું વર્ક ફ્રન્ટ
હાલમાં બિગ બી પાસે ઘણી ફિલ્મો છે. જેમાં ‘કલ્કિ એડી 2898’ છે. આ ફિલ્મમાં તેમની સાથે સાઉથના સુપરસ્ટાર કમલ હાસન અને પ્રભાસ પણ જોવા મળશે. આ ફિલ્મ સિવાય બિગ બી રિભુ દાસગુપ્તાની ‘સેક્શન 84’માં જોવા મળશે. આ સિવાય તે મેગાસ્ટાર રજનીકાંતની સાથે તમિલ ફિલ્મ ‘વેટ્ટૈયાં’માં જોવા મળશે. હવે બિગ બી પણ દર્શકોના ફેવરિટ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની નવી સીઝન સાથે ટૂંક સમયમાં પરત ફરી રહ્યા છે. સોની ટીવીના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલે શોનો એક પ્રોમો રિલીઝ કર્યો હતો, જેમાં અમિતાભ બચ્ચનની એક ઝલક જોઈ શકાય છે.
આ પણ વાંચો: આમિર ખાન વાયરલ વીડિયો જોઈ ભડક્યો, પોલીસ સ્ટેશન પહોંચી નોંધાવી ફરિયાદ