બોલિવૂડ હંગામાઃ રાજકીય ફિલ્મોની એક આખી શ્રેણી તૈયાર છે, કેટલી સફળ થશે?
મુંબઈ, 15 માર્ચ, 2024: આર્ટિકલ 370 ફિલ્મની ચર્ચા અને રિવ્યૂની ભરમાર હજુ ચાલુ જ છે એવા સમયે આજે 15 માર્ચને શુક્રવારે રિલીઝ થયેલી અદા શર્માની ફિલ્મ બસ્તરઃ ધ નક્સલ સ્ટોરીએ ભારતીય દર્શકોને જાણે મીઠી મુંઝવણમાં મૂકી દીધા છે. જોકે એટલું ઓછું હોય તેમ હજુ રાજકીય અને રાષ્ટ્રવાદી ઝોક ધરાવતી કેટલીક વધુ ફિલ્મ લાઈનમાં ઊભી જ છે.
આ વર્ષે આર્ટિકલ 370 અને બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી પછી હવે સ્વાતંત્ર્ય વીર સાવરકર, ધ દિલ્હી ફાઇલ્સ, એક્સિડન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરા, ધ સાબરમતી રિપોર્ટ, ઈમર્જન્સી, રજાકર વગેરે સત્ય ઘટનાઓ ઉપર આધારિત રાજકીય ઝોક ધરાવતી ફિલ્મો ટૂંકા ગાળામાં એક પછી એક રિલીઝ થશે.
તાજેતરમાં જ રિલીઝ થયેલી આર્ટિકલ 370 ફિલ્મના તો ખૂબ વખાણ થઈ રહ્યા છે. દરેક પ્રકારના પ્રેક્ષકોને આ ફિલ્મ પસંદ આવી છે. આ અગાઉ ધ કાશ્મીર ફાઇલ્સ અને ત્યારબાદ ધ કેરલ સ્ટોરી ફિલ્મો પણ રાજકીય ઝોક ધરાવતી વાસ્તવિકતા આધારિત ફિલ્મો હતી જેને પ્રચંડ સફળતા મળી હતી.
હવે, બસ્તરઃ ધ નક્સલ સ્ટોરીને પણ એવી જ સફળતા મળશે એવું પ્રારંભિક ધોરણે લાગે છે. જોકે તેનો આધાર પ્રેક્ષકોના રસ અને તેમની જાણકારી ઉપર હોય છે. જેમ કે થોડા મહિના પહેલાં, અર્થાત ગયા વર્ષના અંતે રિલીઝ થયેલી “ધ વેક્સિન વૉર” ફિલ્મને બૉક્સ ઑફિસ ઉપર જરાય સફળતા નહોતી મળી. તેના કદાચ ઘણાં કારણ હોઈ શકે. એક તો, લોકોને એમ લાગ્યું હોય કે આ ફિલ્મ કોરોના (કોવિડ) વિશે હશે અને તેથી જોવાનું ટાળ્યું હોય. અથવા બીજું, તેને માત્ર કોઈ મેડિકો-સાયન્સ ફિલ્મ માની લીધી હોય અને જોવાનું ટાળ્યું હોય એવું બને. જોકે, વેક્સિન વૉર ફિલ્મ ભારતના વિજ્ઞાનીઓએ કોવિડની રસી તૈયાર કરવા માટે કરેલા અસાધારણ સંઘર્ષની વાસ્તવિક કથા રજૂ કરતી હતી. તેમાં રાજકારણ, ભારત વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય કાવાદાવા, મીડિયાની શંકાસ્પદ ભૂમિકા વગેરે અનેક બાબતોને ખૂબ સરસ રીતે સાંકળી લેવામાં આવી હતી. તેમ છતાં ધ વેક્સિન વૉર ફિલ્મ બૉક્સ ઑફિસ પર ચાલી નહોતી.
આજે રિલીઝ થયેલી “બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી” ફિલ્મ ડાબેરી વિચારધારાના એવા ક્રૂર પાસાંને ઉજાગર કરે છે જેના વિશે સરેરાશ ભારતીયોને કશી જાણકારી નથી. અને એ કારણે આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર નિષ્ફળ જાય તો નવાઈ નહીં. સફળ થશે તો નિર્માતા-દિગ્દર્શકનું નસીબ.
“સ્વાતંત્ર્ય વીર સાવરકર” આવતા શુક્રવારે એટલે કે 22 માર્ચે રિલીઝ થવાની છે. જો આ ફિલ્મમાં સાવરકરના પાત્રને યોગ્ય રીતે ઉપસાવવામાં આવ્યું હશે અને ટેકનિકલ રીતે ફિલ્મની માવજત યોગ્ય રીતે થઈ હશે તો ફિલ્મ સફળ થવાની શક્યતા વધારે છે. સાવરકરની ફિલ્મને સફળતા મળી શકે તેનું એક કારણ એ પણ છે કે, કોંગ્રેસ અને તેમાંય ખાસ કરીને શ્રી રાહુલ ગાંધી સાવરકરની વિરુદ્ધમાં વારંવાર નિવેદન કરતા હોવાથી આ મુદ્દાએ રાજકીય ગરમી પકડેલી જ છે. આ સંજોગોમાં ફિલ્મ આવશે તો બે વિચારધારાની રાજકીય રસ્સાખેંચને કારણે પણ સાવકરના નિર્માતાને ફાયદો થશે. ફિલ્મમાં સાવરકરની ભૂમિકા રમદીપ હુડ્ડા નિભાવી રહ્યા છે.
આ ઉપરાંત આગામી સમયમાં 1984ના શીખ વિરોધી તોફાનોને કેન્દ્રમાં રાખતી ફિલ્મ “ધ દિલ્હી ફાઇલ્સ” અને 2002ના ગોધરા સાબરમતી એક્સપ્રેસ ટ્રેનકાંડ પર આધારિત ફિલ્મ “કોન્સ્પિરસી ઓર એક્સિડન્ટ ગોધરા” તેમજ “ધ સાબરમતી રિપોર્ટ” ફિલ્મો પણ રાજકીય વાતાવરણને ગરમ કરવા તૈયાર થઈ રહી છે.