બોલિવૂડ એક એવી દુનિયા છે જ્યાં તમને દરેક પ્રકારના લોકો જોવા મળે છે. કપૂર અને ખાન પરિવારમાં એવા કલાકારો છે જેઓ કોઈપણ ફિલ્મી બેકગ્રાઉન્ડ સાથે જોડાયેલા નથી પરંતુ તેમની પ્રતિભાના આધારે એક અલગ ઓળખ બનાવી છે. કેટલાકના માતા-પિતા ડોક્ટર છે તો કેટલાકનો પરિવાર એન્જિનિયરોથી ભરેલો છે. કેટલાક વેપારી પરિવારમાંથી આવે છે, જ્યારે કોઈ રાજકારણીનો પુત્ર કે પુત્રી હોય છે. તેમાંથી એવા પરિવારના સભ્યો પણ છે જે દેશની સેવામાં પોતાનો જીવ આપવા તૈયાર છે. આ સ્વતંત્રતા દિવસ પર અમે તમને એવા સ્ટાર્સ વિશે જણાવીએ છીએ જે ભારતીય સેનાના બેકગ્રાઉન્ડમાંથી આવે છે
અનુષ્કા શર્મા
અનુષ્કા શર્માનું ફેમિલી બેકગ્રાઉન્ડ આર્મીનું છે. તેમના પિતા અજય કુમાર શર્મા ભારતીય સેનામાં કર્નલ હતા. 1999માં ઐતિહાસિક કારગિલ યુદ્ધમાં તેઓ દુશ્મનો સામે લડ્યા હતા. અનુષ્કાનું સ્કૂલિંગ પણ બેંગ્લોરની આર્મી સ્કૂલમાંથી થયું છે. અનુષ્કા ઘણીવાર તેના પિતાની તસવીરો શેર કરતી રહે છે.
લારા દત્તા
લારા દત્તા પૂર્વ વિંગ કમાન્ડર એલકે દત્તાની પુત્રી છે. તેના પિતાના પગલે ચાલીને લારાની બહેન ચેરીલ દત્તા પણ આર્મ્ડ ફોર્સમાં સેવા આપી રહી છે. લારા દત્તા અને તેના સમગ્ર પરિવારને રાષ્ટ્ર પ્રત્યે અમર પ્રેમ છે. આ દેશભક્તિની ઝલક લારાના ઈવેન્ટ્સ દરમિયાન આપવામાં આવેલા ઘણા ભાષણોમાં પણ જોવા મળે છે.
પ્રીતિ ઝિન્ટા
પ્રીતિ ઝિન્ટાના પિતા પણ ભારતીય સેનામાં ઓફિસર રહી ચૂક્યા છે. જ્યારે પ્રીતિ ઝિન્ટા માત્ર 13 વર્ષની હતી ત્યારે તેના પિતા દુર્ગાનંદ ઝિન્ટાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. અકસ્માત સમયે કારમાં પ્રીતિ અને તેની માતા નીલપ્રભા ઝિન્ટા પણ હાજર હતા અને આ અકસ્માતમાં બંનેનો આબાદ બચાવ થયો હતો. તેને માત્ર સામાન્ય ઈજાઓ થઈ હતી. પ્રીતિનો ભાઈ પણ આર્મીમાં કમિશન્ડ ઓફિસર છે.
ગુલ પનાગ
ગુલ પનાગના પિતા હરચરનજીત સિંહ પનાગ ભારતીય સેનામાં લેફ્ટનન્ટ જનરલ તરીકે પોસ્ટેડ હતા. તેમની બહાદુરીના કારણે તેમને ઘણા સૈન્ય પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા. એટલું જ નહીં, હરચરનજીત સિંહને રાષ્ટ્રની સેવા માટે પ્રતિષ્ઠિત પરમ વિશિષ્ટ સેવા મેડલ અને અતિ વિશેષ સેવા મેડલ પણ મળ્યો હતો. સેનામાંથી નિવૃત્ત થયા બાદ હરચરનજીત સિંહ સંરક્ષણ નિષ્ણાત તરીકે કામ કરે છે.
સુષ્મિતા સેન
1994 મિસ યુનિવર્સ સુષ્મિતા સેનના પિતા સુબીર સેન ભારતીય વાયુસેનામાં વિંગ કમાન્ડર હતા. સુષ્મિતાએ પોતાનો અભ્યાસ એરફોર્સ ગોલ્ડન જ્યુબિલી ઇન્સ્ટિટ્યૂટમાંથી કર્યો છે.
નેહા ધૂપિયા
નેહા ધૂપિયા પણ નેવી બેકગ્રાઉન્ડમાંથી આવે છે. અભિનેત્રીના પિતા પ્રદીપ સિંહ ધૂપિયા નૌકાદળમાં ભૂતપૂર્વ કમાન્ડર રહી ચૂક્યા છે અને દેશની સેવામાં વર્ષો વિતાવ્યા છે.
નિમરત કૌર
નિમરત કૌરના પિતા મેજર ભૂપિન્દર સિંહ 44 વર્ષની ઉંમરે કાશ્મીરી અલગતાવાદીઓના હાથે શહીદ થયા હતા. તે કાશ્મીરના વેરીનાગમાં પોસ્ટેડ હતા. નિમરત અવારનવાર પોતાના પિતા સાથેની તસવીરો શેર કરતી રહે છે.
પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરાના માતા અને પિતા બંનેએ સેનામાં યોગદાન આપ્યું છે. બંને સરહદ પર નહોતા પરંતુ સરહદની રક્ષા કરતા સૈનિકોની સેવા કરતા હતા. સ્વ.ડો.અશોક ચોપરા અને ડો.મધુ ચોપરા આર્મીમાં ફરજ બજાવતા હતા.