ઇસ્કોન બ્રિજ પર અજાણી વ્યક્તિનો મળી આવ્યો મૃતદેહ; તર્ક-વિતર્કોએ ઉભું કર્યું સસ્પેન્સ
અમદાવાદ: તથ્ય પટેલના કાંડ પછી દેશ-વિદેશમાં ઇસ્કોન બ્રિજ ફેમસ થઈ ગયો છે. તેવામાં એક વખત ફરીથી ઇસ્કોન બ્રિજ પર એક મૃતદેહ મળી આવતા ચકચાર જામી છે. મળી રહેલી માહિતી અનુસાર, ઇસ્કોન બ્રિજ પર વહેલી સવારે રાહદારીએ પોલીસને જાણકારી આપી હતી કે, બ્રિજ પર કોઈ અજાણ્યા વ્યક્તિનું મૃતદેહ પડ્યું છે.
આ માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. મૃતદેહની ઓળખ ઉપરાંત તે વ્યક્તિના મોતનું કારણ શોધવા માટે પોલીસ તપાસની ધમધમાટ શરૂ કરી છે. જોકે, મળી રહેલી માહિતી અનુસાર, આ મૃતદેહ કોઈ ભિક્ષુકનો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. પરંતુ તેનું મૃત્યું કેવી રીતે થયું તે તપાસનો વિષય છે.
આ પણ વાંચો-ગુજરાત: કેનેડા વિઝા માટેના ખોટા બાયોમેટ્રિક લેટર બનાવવાના કૌભાંડમાં થયા ચોંકાવનારા ખુલાસા
આ વ્યક્તિનું મોત કુદરતી કારણોસર થયું છે કે, કોઈ ગાડીની અડફેડે આવતા પડી જવાના કારણે થયું છે તે અંગેની કોઈ જ માહિતી સામે આવી નથી. તે અંગેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં પણ આ મૃત્યુને લઈને વિવિધ માહિતી શેર કરવામાં આવી રહી છે. કેટલીક પોસ્ટમાં અકસ્માતમાં ભિક્ષુકના મોતની માહિતી આપવામાં આવી રહી છે. જોકે, આ મોત અંગે પોલીસ દ્વારા અત્યાર સુધી કોઈ જ સત્તાવાર રીતે જાહેરાત કરી નથી.
ઉલ્લેખનિય છે કે, ઇસ્કોન બ્રિજ પર નબીરા તથ્ય પટેલ દ્વારા પોતાની સ્પીડની મજાની લ્હાયમાં સર્જેલા ગમખ્વાર અકસ્માતમાં અત્યાર સુધી 13 લોકોના મોત થઈ ચૂક્યા છે. તો કેટલાક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોને બચાવવા માટે પરિવાર પોતાની તમામ કોશિશો કરી રહ્યાં છે. તો બીજી તરફ તથ્ય પટેલને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. અમદાવાદની સાબરમતી જેલમાં તથ્ય પટેલ પોતાના કરતૂતોની સજા ભોગવી રહ્યો છે.
તથ્ય પટેલ દ્વારા સર્જેલા અકસ્માતે ગુજરાતના દિલ પર મોટો પ્રહાર કર્યો હતો. તેથી હવે ઇસ્કોન બ્રિજ પર નાની એવી ઘટના બને છે તો પણ તથ્ય પટેલની ભૂલે લીધેલા 13 લોકોની યાદ તાજી થઈ જાય છે.
આ પણ વાંચો-અમદાવાદમાં રોગચાળો વકરતા AMC અને આરોગ્ય વિભાગે ફોગીંગ અને કોમર્શિયલ યુનિટ્સનું ચેકિંગ હાથ ધર્યું