ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

લંડનમાં ગુમ થયેલા અમદાવાદના યુવકનો મળ્યો મૃતદેહ , તણાવને કારણે આત્મહત્યાની આશંકા

નવ મહિના પહેલા સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયેલા અને 10મી ઓગસ્ટથી ગુમ થયેલા અમદાવાદના યુવક કુશ પટેલ નામના યુવકની લાશ મળી આવી છે. પોલીસને આ આત્મહત્યાનો મામલો હોવાની આશંકા વ્યક્ત કરી છે.

લંડનમાં ગુમ થયેલા કુશ પટેલનો મળ્યો મૃતદેહ

કુશના લંડનના મિત્રોએ વેમ્બલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જે બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ અને અને તેના ફોનનું છેલ્લું લોકેશન ચેક કરતા લંડન બ્રિજ પાસે તેનું છેલ્લું લોકેશન મળી આવ્યું હતું. અને દસ દિવસ પછી લંડન બ્રિજ પાસે તેની લાશ મળી આવી હતી. પોલીસે ડીએનએ ટેસ્ટ બાદ કુશ પટેલની ડેડ બોડી હોવાની પુષ્ટિ કરી હતી.

કુશ પટેલ લંડનમાં 10 ઓગસ્ટના રોજ ગુમ થયો હતો

પ્રાપ્ત વિગતો મુજબ કુશ પટેલ નવ મહિના પહેલા વર્ષ 2022માં લંડનની યુનિવર્સિટીમાં બિઝનેસ મેનેજમેન્ટના કોર્સ માટે લંડન ગયો હતો. અને લંડનમાં તેને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો.જે કોલેજમાં તે ભણતો હતો તેણે ફી ન ભરવાના કારણે તેને છોડી દેવાનું કહ્યું હતું.પાછળથી તેમના પરિવારે એજ્યુકેશન લોન દ્વારા આ સમસ્યાનું સમાધાન કર્યું હતું.

નાણાકીય અને કારકિર્દી સંબંધિત તણાવને કારણે આત્મહત્યાની આશંકા

આ સાથે કુશને વર્ક પરમિટના અભાવનો પણ સામનો કરવો પડ્યો હતો. તેમના પરિવારે તેના માટે અનેક પ્રયાસ કર્યા ,પરંતુ કોઈક રીતે વર્ક પરમિટનો મુદ્દો ઉકેલી શકાયો ન હતો. કુશનો વિઝા જલ્દી પૂરો થવાનો હતો. તેની શંકાસ્પદ આત્મહત્યાનું કારણ નાણાકીય અને કારકિર્દી સંબંધિત તણાવ હોવાનું માનવામાં આવે છે.

10 ઓગસ્ટના રોજ  મિત્ર સાથે છેલ્લી વાત કરી

કુશ ફોન કોલ્સ પર તેના મિત્રો અને પરિવાર સાથે નિયમિત સંપર્કમાં રહેતો હતો 10 ઓગસ્ટના રોજ તેણે મિત્ર સાથે છેલ્લી વાત કરી અને પછી તે ગાયબ થઈ ગયો. કુશે તેના છેલ્લા ફોન કોલમાં તેના મિત્રને કહ્યું હતું કે તેણે 20 ઓગસ્ટ માટે ભારતની ટિકિટ બુક કરી છે. ત્યાર બાદ તેની કોઈ સાથે વાત થઈ ન હતી. કુશ સાથે વાત ન થતા તેના પરિવારે લંડનમાં તેના મિત્રોનો સંપર્ક કર્યો જેઓ તેમના કુશના નિવાસસ્થાને ગયા પરંતુ તે ત્યાં મળ્યો ન હતો જેથી આખરે તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કુશના પરિવાર સાથે બાદમાં ફોન પર વાત કરી હતી. અને આ મામલામાં તપાસ હાથ ધરી હતી.

લંડન બ્રિજના એક છેડેથી મળ્યો મૃતદેહ

પોલીસે કુશના પરિવાર સાથે બાદમાં ફોન પર વાત કરી હતી. અને આ મામલામાં તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, આ સાથે લોકેશનના આધારે પણ શોધખોળ હાથ ધરી હતી. જેમાં તેનું લાસ્ટ લોકેશન લંડન બ્રિજ પાસે મળી આવ્યું હતુ. જ્યાં જઈને તપાસ કરતા પોલીસને કુશ મળ્યો નહોતો. અને બાદમાં 19મી ઓગસ્ટની રાત્રે લંડન બ્રિજના એક છેડેથી એક મૃતદેહ મળી આવ્યો હતો, આ મૃતદેહ અને ચહેરાનો ભાગ સાવ સડી ગયેલો હોવાથી પોલીસને તેની ઓળખ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. જે બાદ પોલીસે કુશના ડીએનએ અને બાયોમેટ્રિક મેળવ્યા હતા, જે મૃતદેહ સાથે મેચ થઈ ગયા હતા. જેથી પોલીસે આ મૃતદેહ કુશ પટેલનો જ હોવાની પુષ્ટિ કરી હતી.

આ પણ વાંચો : અમદાવાદ: BLO કામગીરીમાં ન જોડાનાર શિક્ષકોને ધરપકડની ધમકી!

Back to top button