બનાસકાંઠામાં શાંતિપૂર્ણ માહોલમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ
પાલનપુર: આજ તા.14 મી માર્ચથી સમગ્ર રાજ્યમાં ધોરણ- 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ બોર્ડની પરીક્ષાના પ્રારંભે બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં 100 જેટલાં પરીક્ષા કેન્દ્રો પરથી ધોરણ-10 અને 12 ના કુલ- 90,786 વિદ્યાર્થીઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ આજે પરીક્ષાના પ્રારંભે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, ધોરણ-10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓનો આજથી શુભારંભ થયો છે ત્યારે દરેક પરીક્ષાર્થી કોઈપણ પ્રકારના ભય કે દબાણ વિના ટેંશનમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે એ માટે બાળકોને પ્રોત્સાહિત કરી એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
જિલ્લામાં 90,786 વિદ્યાર્થીઓ આપી રહ્યા છે ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા
તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે એ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. બોર્ડના પ્રતિનિધિ- ફ્લાઈંગ સ્ક્વોડ સહિતના સ્ટાફની નિમણુંક કરી દેવાઈ છે. બાળકો ભય વિના શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપે એવું આયોજન કરાયું છે. જિલ્લામાં જિલ્લામાં 100 જેટલાં પરીક્ષા કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા યોજાઇ રહી છે. જિલ્લામાં ધો.10ના 50,930 વિદ્યાર્થીઓ જ્યારે ધો. 12 સામાન્ય પ્રવાહમાં 34,430 અને વિજ્ઞાન પ્રવાહના 5,426 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.
સમગ્ર જિલ્લામાં સવારથી પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનો જમાવડો જોવા મળ્યો હતો. નિયત સમયે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચી ગયા હતા. જ્યાં વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા ઉત્સાહભેર આવકારી તેમનું કુમ કુમ તિલક કરી, મોં મીઠું કરાવી પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :પાલનપુર: સ્વસ્તિક મહિલા કોલેજ દ્વારા પરીક્ષા આપતા ધોરણ 10 અને 12 ના છાત્રોને તિલક કરી મીઠું કરાવ્યું