ગુજરાતચૂંટણી 2022વિશેષ
રાજકોટમાં બીએલઓનો ડોર ટુ ડોર સર્વે, 13,668 નવા મતદારો ઉમેરાયા
આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજકોટ જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા નવી સુધારેલી, અપડેટ થયેલી મતદારયાદી, નવા નામ ઉમેરવા – કમી કરવા તેમજ એક વિધાનસભામાંથી બીજા વિધાનસભામાં સ્થળાંતર થયેલા મતદારો બાબતની કામગીરી શરુ કરી દેવામાં આવી છે જેને ધ્યાનમાં રાખી રાજ્ય ચૂંટણીપંચ પણ સતર્ક બની ગયુ છે. આગામી સપ્તાહમાં રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓની ગાંધીનગર ખાતે તાલીમ યોજાનાર છે ત્યારે નવા નામ ઉમેરવા માટેનો પણ કાર્યક્રમ 1લી ઓગષ્ટથી આવી રહ્યો છે. ઓકટોબરથી નવા ફોરમેટ તૈયાર થશે. દરમિયાન રાજકોટ જિલ્લામાં બીએલઓ એટલે કે બૂથ લેવલ ઓફિસર દ્વારા ડોર ટુ ડોર મતદારોનો સર્વે શરુ કરવામાં આવ્યો છે જેના ભાગ સ્વરૂપે 34,133 મકાનોમાં બીએલઓએ મુલાકાત લીધી હતી અને તેમાં 13,668 ફોર્મ નં-6 સ્થળ ઉપર જ ભરી મતદારોને આગામી મતદારયાદી સુધારણા અંતર્ગત આવી રહેલા કાર્યક્રમને ધ્યાનમાં રાખી નામ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. આ ઉપરાંત સ્થળાંતર થયેલા તેમજ રાજકોટમાં રહેવા આવેલા મતદારોના નામ પણ નોંધ્યા હતા જ્યારે 18થી 19 વર્ષના 1010 નવા મતદારોની ડોર ટુ ડોર સર્વે કરી ફોર્મ ભરાવ્યા હતા. સાથોસાથ 29થી વધુ ઉંમરના 356ના નામ ઉમેર્યા હતા અને 668 નામ અવસાન પામેલા મતદારોના નામ કમીની તજવીજ હાથ ધરી હતી.
સંભવતઃ ડિસેમ્બરમાં યોજાશે વિધાનસભાની ચૂંટણી, ઓક્ટોબરમાં જાહેરનામું ?
રાજકીય પક્ષો અને સરકારી તંત્ર દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી ડિસેમ્બર મહિનામાં યોજાશે. ઓક્ટોબરના અંતિમ સપ્તાહ સુધીમાં જાહેરનામું બહાર પાડી દેવામાં આવશે તેવું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આગામી ડિસેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં ચાલુ સરકારને પાંચ વર્ષ પૂર્ણ થાય છે. ત્યારે તે કાર્યકાળ પુરો થાય તે પહેલા જ ચૂંટણી યોજાવી જરૂરી છે.
મુખ્ય ચૂંટણી કમિશ્નર દ્વારા તમામ જિલ્લા કલેક્ટર તંત્રને કામગીરી સોંપી દેવાઈ
મહત્વનું છે કે સામાન્યતઃ ચૂંટણીની તારીખોના ચાર મહિના અગાઉથી તંત્ર દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવતી હોય છે. ગુજરાતમાં પણ વિધાનસભા ચૂંટણી અન્વયે મુખ્ય ચૂંટણી કમિશ્નર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને તમામ જિલ્લા કલેક્ટર સાથે નિયમિત સંકલન કરી તેમને સોંપવાના કામના આદેશ આપવામાં આવી રહ્યા છે.