જાફરાબાદ નજીક વિફરેલી માનવભક્ષી સિંહણનાં બ્લડ સેમ્પલ લેવાયા


- સિંહોની સંખ્યા વધતાની સાથે જ હુમલાઓમાં પણ ચિંતાજનક વધારો
- ખેડૂત પર સિંહણે જીવલેણ હુમલો કરીને પેટ ચીરી નાખ્યું હતું
- ખેડૂતના મૃતદેહને છોડાવીને પોસ્ટમાર્ટમ ખાતે ખસેડવામાં આવ્યો હતો
અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધતાની સાથે જ હુમલાઓમાં પણ ચિંતાજનક વધારો થયો છે. જેમાં જાફરાબાદ પંથકમાં કાકડી મોલી ગામે વાડી વિસ્તારમાં ખેડૂત પર સિંહણે જીવલેણ હુમલો કરીને પેટ ચીરી નાખ્યું હતું.
આ ઘટનાની જાણ થતા વનવિભાગનો સ્ટાફ દોડી ગયો
આ ઘટનાની જાણ થતા વનવિભાગનો સ્ટાફ દોડી ગયો હતો, મહામહેનતે સિંહણનાં પંજામાંથી ખેડૂતના મૃતદેહને છોડાવીને પોસ્ટમાર્ટમ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જયારે મધરાતે સર્ચ ઓપરેશન હાથ ધરીને સિંહણને પાંજરે પૂરી જસાધાર એનીમલ સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી. જાફરાબાદ પંથકના વાડી વિસ્તારમાં ખેડૂત મંગાભાઈ બોઘાભાઈ બારૈયા કામ કરી રહ્યાં હતા. ત્યારે અચાનક જ સિંહણ ત્યાં ધસી આવી હતી અને જીવલેણ હુમલો કર્યો હતો. ખેડૂતે જીવ બચાવવા ધમપછાડા કરતા સિંહણ વધુ વીફરી હતી અને છાતી પર બેસી પેટ ચીરી નાખતા ખેડૂતે દમ તોડી દીધો હતો.
સિંહણને શોધીને ટ્રાન્ક્વીલાઈઝર ઈન્જેક્શન આપી બેહોશ કરી પાંજરે પૂરી
વન કર્મચારીઓએ જેસીબી અને ટ્રેકટરની મદદથી સિંહણને ખેડૂતના મૃતદેહ પરથી દુર કરી હતી. ત્યારબાદ ફરાર સિંહણને શોધીને ટ્રાન્ક્વીલાઈઝર ઈન્જેક્શન આપી બેહોશ કરી પાંજરે પૂરી હતી અને જસાધાર એનીમલ સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં સિંહણના બ્લડ સેમ્પલ લેવા સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: ગુજરાત : સૌરાષ્ટ્રની 16 પૈકી 14 પાલિકાઓમાં પ્રમુખપદનું સુકાન મહિલાઓને સોંપાયું