ભાગલપુર-જયનગર ઇન્ટરસિટી ટ્રેનમાં બ્લાસ્ટ, મહિલા સહિત ત્રણ દાઝી ગયા
- દરભંગામાંથી બે શકમંદોની ધરપકડ કરવામાં આવી છે.
- આ ઘટનામાં એક મહિલા સહિત ત્રણ મુસાફરો ઘાયલ થયા હતા.
- એક ટીમ બનાવીને મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવી રહી છે.
બિહાર: સમસ્તીપુર રેલવે સ્ટેશનના આઉટર સિગ્નલ પાસે ભાગલપુરથી જયનગર જઈ રહેલી ઈન્ટરસિટી એક્સપ્રેસમાં બ્લાસ્ટ થયો હતો. ટ્રેનમાં બ્લાસ્ટ થતાની સાથે જ બોગીમાં ધુમાડો અને તણખા નીકળવા લાગ્યા હતા. આ ઘટનામાં ત્રણ મુસાફરો દાઝી ગયા છે. આગના કારણે મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘાયલ થયેલી મહિલાને રેલવે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મહિલા દરભંગાની રહેવાસી હોવાનું જાણવા મળ્યુ છે.
આ મામલામાં આરપીએફએ દરભંગા સ્ટેશનથી બે શકમંદોની અટકાયત કરી છે. જો કે આરપીએફ અને જીઆરપીના અધિકારીઓ કંઈપણ કહેવાનું ટાળી રહ્યા છે. દરમિયાન ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર જી.એસ.જાનીએ જણાવ્યું હતું કે, મામલાની તપાસ કરવામાં આવી રહી છે. કદાચ કોઈ મુસાફર ટ્રેનમાં ફટાકડા લઈને જઈ રહ્યો હતો.
એક મહિલા સહિત ત્રણ મુસાફરો દાઝી ગયા હતા
કહેવામાં આવી રહ્યું છે કે, દરભંગા જિલ્લાના સિંહવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના મણિકોર ગામના રહેવાસી રીના દેવી ભાગલપુર જયનગર ઇન્ટરસિટી ટ્રેન દ્વારા તેમના ભત્રીજા ગૌરવ ઝા સાથે સુલતાનગંજથી ટ્રેનમાં બેઠા હતા. સમસ્તીપુર સ્ટેશન પહોંચતા પહેલા આઉટર સિગ્નલ પર એક મહિલા મુસાફરની સીટ નીચે રાખેલી બેગમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં મહિલા અને તેમનો ભત્રીજો અને અન્ય એક મુસાફર કામતા પ્રસાદ દાઝી ગયા હતા.
બે શકમંદો GRPની કસ્ટડીમાં
રેલવે પોલીસે ઈજાગ્રસ્તોને સારવાર માટે રેલવે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. આ મામલે દરભંગા જીઆરપીએ પૂછપરછ માટે બે શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે. આ ઘટના અંગે રેલ્વે ડીએસપી નવીન કુમારે ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે, આ મામલામાં દરભંગાથી બે શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં એક મહિલા સહિત ત્રણ મુસાફરો ઘાયલ થયા હતા, જે તમામને સારવાર આપી પરત મોકલી દેવામાં આવ્યા છે. તેમજ એક ટીમ બનાવીને મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો, અમદાવાદમાં હેવાનિયતની હદ વટાવતો કિસ્સો સામે આવ્યો