અંકલેશ્વર GIDCમાં આવેલ ટેગરોસ કંપનીમાં બ્લાસ્ટ, બોઇલર ફાટતા 10 જેટલા કામદારોને ઈજા
ભરૂચના ઔદ્યોગિક એકમ જોખમી સાબિત થઈ રહ્યા છે.છેલ્લા કેટલાક સમયથી કેમિકલ કંપનીઓમાં એક પછી એક બનતી અકસ્માતની ઘટનાઓ ઉદ્યોગોમાં સુરક્ષાએ અને સલામતીને લઈને સવાલ ઉભો કરે છે. ગઈ કાલે મોડી રાત્રે ફરી એક વાર અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી એક કેમીકલ કંપનીમાં બ્લાસ્ટની ઘટના સર્જાઈ હતી. અંકલેશ્વર GIDCમાં આવેલ ટેગરોસ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટ થતા 10 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
ટેગરોસ કંપનીના બોઇલરમાં થયો બ્લાસ્ટ
મળતી માહીતી મુજબ ગઈ કાલે મોડી રાત્રે અંકલેશ્વર GIDCમાં આવેલ ટેગરોસ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતા કામદારોમાં નાશભાગ મચી જવા પામી હતી. આ ધડાકો એટલો પ્રચંડ હતો કે કંપનીને અડીને રહેતા શ્રમજીવીઓ અને આસપાસની કંપનીઓમાં કંપન અનુભવાયું હતું. આ ઘટનામાં 10 જેટલા કામદારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. જાણકારી મુજબ આ ઘટનામાં નાના બાળકોને પણ ઈજા પહોંચી છે. કંપની નજીક શ્રમજીવીઓ સાથે સુઈ રહેલા બાળક પર કાટમાળનો ટુકડો પડ્યો હતો.જેના લીધે બાળકને ઈજા પહોંચી હતી.
પોલીસ કાફલો પહોંચ્યો ઘટનાસ્થળે
આ ઘટના અંગે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રેસર વધતા બોઈલર ફાટ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાને પગલે જીઆઈડીસી પોલીસ સહિત ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
આ પણ વાંચો : ગુજરાત રાજ્યમાં 24 કલાકમાં 120 તાલુકામાં વરસાદ, જાણો કયા કેટલો ખાબક્યો મેઘો