ગુજરાતદક્ષિણ ગુજરાત

દાદરા નગર-હવેલીની ખાનગી કંપનીમાં આગ બાદ બ્લાસ્ટ, ફાયર વિભાગનો કર્મચારી ઘાયલ

Text To Speech

વલસાડ, 22 જૂન 2024, સંઘ પ્રદેશ દાદરા અને નગર-હવેલીના નરોલી વિસ્તારમાં પ્રમુખ પોલી પ્રોડક્ટસ નામની કંપનીમાં અચાનક ધુમાડો નીકળ્યા બાદ ભીષણ આગ ભભૂકી ઊઠતાં કંપનીના કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં સેલ્વાસ ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ ખૂબ વિકરાળ હોવાથી આજુબાજુમાં આવેલી ફાયરની ટીમની પણ મદદ લેવામાં આવી હતી.કંપનીમાં આગ બાદ બ્લાસ્ટ થયો હતો. જેથી ફાયર વિભાગનો એક કર્મચારી ઘાયલ થતાં તેને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

કામદારોને સુરક્ષિત રીતે બહાર આવી જવા સૂચના આપી
વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા અને નગર-હવેલીના નરોલી વિસ્તારમાં આવેલી પ્રમુખ પોલી પ્રોડક્ટ્સ નામની કંપનીમાં આજે શનિવારે કંપનીના કામદારો પોતાની કામગીરી કરી રહ્યા હતા. એ દરમિયાન પ્રમુખ પોલી પ્રોડક્ટ્સ નામની પંચ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી.કંપનીમાં અચાનક ધુમાડા નીકળતાં કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. કામદારોએ આગની ઘટનાની જાણ સંચાલકો અને શિફ્ટ મેનેજરને કરી હતી. જેથી સંચાલકોએ તાત્કાલિક તમામ કામદારોને સુરક્ષિત રીતે બહાર આવી જવા સૂચના આપી હતી, સાથે કંપનીના ટ્રેની કામદારોને ફાયર સેફટીનાં સાધનો વડે આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરવા જણાવ્યું હતું તેમજ સંચાલકે સેલ્વાસ ફાયર ફાઈટરની ટીમને ઘટનાની જાણ કરી હતી.

બે કલાક બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.
સેલ્વાસ ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આગને કાબૂમાં લેવા માટે મુશ્કેલ પડી રહી હતી જેથી સેલ્વાસ ફાયર ફાઈટરની ટીમે આલોક ઈન્ડસ્ટ્રીઝના ફાયર ફાઇટર અને અન્ય ફાયર ફાઇટરની ટીમને જાણ કરી હતી.એ બાદ ફાયરની તમામ ટીમોએ આગને કાબૂમાં લેવા પ્રયાસો કર્યા હતા. આ દરમિયાન કંપનીમાં આગ બાદ બ્લાસ્ટ થયો હતો. જેથી ફાયર વિભાગનો એક કર્મચારી ઘાયલ થતાં તેને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બે કલાક બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.

આ પણ વાંચોઃગુજરાતમાં 24 કલાકમાં 30 તાલુકામાં વરસાદ પડ્યો, હજી અમદાવાદ કોરૂ ધાકોર

Back to top button