ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

ચૂંટણી પહેલાં કાળા નાણાંની હેરાફેરી, કારની ડિક્કીમાંથી મળી કરોડોની રોકડ

  • લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને જિલ્લા પોલીસની ચેકિંગ ઝુંબેશ શરુ
  • ભિલાઈ ભટ્ટી પોલીસને કાર્યવાહી દરમિયાન બે કારમાંથી મળી કરોડોની રોકડ

દુર્ગ, 31 જાન્યુઆરી: છત્તીસગઢના દુર્ગ જિલ્લાના ભિલાઈ શહેરમાં લોકસભાની ચૂંટણી પહેલા પોલીસે કારની ડિક્કીમાંથી કરોડો રૂપિયાની રોકડ જપ્ત કરી છે, ત્રણ લોકોની અટકાયત કરી છે. આ સાથે પોલીસે આ મામલાની માહિતી વધુ તપાસ માટે આવકવેરા વિભાગને આપી છે.

ચેકિંગ ઝુંબેશમાં મળી આવી કરોડોની કેશ

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ દ્વારા ચેકિંગ ઝુંબેશ અંતર્ગત વિવિધ સ્થળોએ સતત વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ શ્રેણીમાં, ભિલાઈ ભટ્ટી પોલીસ સ્ટેશન અને એસીસીયુની સંયુક્ત કાર્યવાહી દરમિયાન, બે કારમાંથી કરોડો રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. આ સાથે પોલીસે ત્રણ લોકોને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી છે.

કેવી રીતે પકડાઈ કેશ ભરેલી બે કાર?

ચેકિંગ ઝુંબેશ દરમિયાન પોલીસને બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે સેક્ટર 1 એસબીઆઈ બેંક પાસે બે કાર પાર્ક કરેલી છે અને તેમાં શંકાસ્પદ વ્યક્તિ ગેરકાયદેસર ધંધામાંથી મેળવેલા નાણાંની લેવડ-દેવડ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ માહિતી મળતાની સાથે જ પોલીસે બ્રેઝા કાર નંબર: CG07 CM 4883 અને ક્રેટા કાર નંબર: CG07 BX 6696ને રોકીને તપાસ હાથધરી હતી.

 

ગાડીઓની ડિક્કીમાંથી મોટી માત્રામાં કેશ મળી આવી

બે ગાડીઓના ચેકિંગ દરમિયાન પોલીને ભારે કેશ મળી આવી હતી. આ રકમ અંગે પૂછપરછ કરવામાં આવતા અટકાયત કરાયેલા લોકોએ કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. આ પછી શંકાસ્પદ વ્યક્તિઓ સાથે બંને વાહનોને ભિલાઈ ભટ્ટી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. કારની ડિક્કીમાંથી મળી આવેલી રકમની ગણતરી કર્યા બાદ આંકડો ચોકાવનારો આવ્યો હતો. આ બે કારમાં રુપિયા બે કરોડ ચોસઠ લાખ રૂપિયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ પછી, પોલીસે કલમ 102 હેઠળ જપ્ત કરેલી રકમ આવકવેરા વિભાગને સોંપી દીધી છે. આવકવેરા વિભાગ હવે આ નાણાંના સ્ત્રોત વિશે માહિતી એકત્ર કરી રહી છે.

પોલીસે પૂછપરછ શરુ કરી

આ સાથે પોલીસે ગાડીમાં સવાર ત્રણેયને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી છે. અટકાયત કરાયેલા આરોપીઓની ઓળખ ભિલાઈ-3ના રહેવાસી ગોવિંદ ચંદ્રાકર, ભિલાઈના સેક્ટર 1ના રહેવાસી વિશાલ કુમાર સાહુ અને ભિલાઈના વૈકુંઠ ધામ પાસેના કેમ્પ 2ના રહેવાસી પંકજ સાઓ તરીકે થઈ છે.

આ પણ વાંચો: ચંદીગઢ મેયરની ચૂંટણી: AAP ચૂકી ગયું કે…! 3 મુદ્દામાં સમજો ચૂંટણીમાં શું થયું?

Back to top button