ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝનેશનલ

ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપની બે દિવસીય ચિંતન શિબિર

Text To Speech

આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે તેની તૈયારીઓના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ તેની ચૂંટણીલક્ષી વ્યૂહરચનાને આખરી ઓપ આપવા બે દિવસીય ચિંતન શિબિરનું આયોજન કર્યું છે. રાજ્યમાં દાદાની સરકારના શાસન દરમિયાન પહેલી વખત ચિંતન શિબિર યોજાવવા જઈ રહી છે. જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે. ભાજપ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પૂર્વે વિશેષરૂપથી ચિંતન શિબિરનું આયોજન કરી પોતાની રણનીતિને વધુ મજબૂત કરવાનો પ્લાન તૈયાર કરતી હોય છે. આ વખતે પણ આ માસમાં 15-16 મે દરમિયાન ચિંતન શિબિર માટે હાલ તૈયારી શરૂ કરાઇ છે, પરંતુ આખરી તારીખ અને સ્થળ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કન્ફર્મ તારીખ મળ્યા પછી નિયત થશે.

ભારતીય જનતા પાર્ટી 2017માં છઠ્ઠી વખત ગુજરાતમાં શાસન ધુરા સંભાળવામાં સફળ રહી હતી, પરંતુ પાટીદાર સહિતના સામાજિક આંદોલનોના કારણે સંખ્યા બળ 100થી નીચે પહોંચી ગયું હતું. આ મુદ્દો રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા ગંભીરતાથી લેવાયો છે તેમ કહી જાણકાર સૂત્રો કહે છે કે, ચૂંટણીના દોઢ વર્ષ પૂર્વે જ એકાએક સમુળગા મંત્રીમંડળની હકાલપટ્ટી કરીને નેતૃત્વએ એન્ટી ઇન્કમ્બન્સીને જનમાનસમાંથી દૂર કરવામાં આંશિક સફળતા મેળવી છે, પરંતુ હાલ ભાવ વધારો, મોંઘવારી અને રશિયા-યુક્રેન યુદ્ધના કારણે પ્રવર્તતી વૈશ્વિક મંદી, મહામારીથી સર્જાયેલી સ્થિતિનો મોટો પડકાર છે. આ પડકારો વચ્ચે રાજ્યમાં આમઆદમી પાર્ટીના પગરવથી ભાજપને વધારે સાવચેત બનીને કામ કરવું પડશે. આ પરિપ્રેક્ષ્યમાં ચિંતન શિબિરનું ચિંતન ભાજપ માટે મહત્વનું બની રહેશે.

જાણો કોણ-કોણ હાજર રહેશે આ ચિંતન શિબિરમાં
આ ચિંતન શિબિરમાં પ્રદેશના પદાધિકારીઓ ઉપરાંત જિલ્લાઓ-મહાનગરોના પ્રભારી, પ્રમુખ, મહામંત્રીઓ, ચૂંટણી વ્યવસ્થાના કાર્યકરો, પ્રભારીઓ હાજર રહેશે. પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં મળનારી ચિંતન શિબિરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ એવા અમિત શાહ, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી.સતિષ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મળનારી ચિંતન શિબિરમાં રાજકીય પરિસ્થિતિ પર આકલન કરવામાં આવશે.

બે દિવસ દરમિયાન વિવિધ સત્રો યોજાશે
આ ઉપરાંત મતદારો સુધી કેવા પ્રકારના મુદ્દાઓ, કાર્યક્રમો લઇને જવું તેનું મંથન કરાશે. બે દિવસની શિબિરમાં કેટલાક સેશન પણ આયોજિત થશે. આ સેશનમાં જુદા જુદા જિલ્લા, તાલુકા કે મહાનગરો દ્વારા કરાયેલા કાર્યક્રમો અંગે પ્રેઝન્ટેશન પણ થશે. આ જ રીતે સોશિયલ મીડિયા, મીડિયા કમિટી, આઇટી સેલની પણ એક અલગથી બેઠક યોજાશે. સંગઠનાત્મક કાર્યક્રમો માટે પણ નેતાઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાશે. અહીં નોંધવુ જરૂરી છે કે, ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક 20-21 મે દરમિયાન જયપુરમાં યોજાનારી છે.

Back to top button