ગુજરાત

જસદણ બેઠક માટેની ભાજપની ટિકિટ બાવળિયાને કે બોઘરાને ?

Text To Speech
રાજકોટઃ જસદણ તાલુકાના આટકોટ ખાતે PM નરેન્દ્ર મોદીની સભા સમગ્ર ગુજરાતના ઇતિહાસમાં નોંધપાત્ર કહી શકાય તેવી હતી. લાખોની જનમેદની વચ્ચે નરેન્દ્ર મોદીની સભા ખૂબ જ સફળ રહી છે ત્યારે જસદણ વિસ્તાર સહીત સમગ્ર સૌરાષ્ટ્રના રાજકારણમાં જસદણ બેઠકની ટિકિટ અંગેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને જસદણની બેઠક માટેની ટિકિટ ડો.ભરત બોઘરાને કે કુવરજી બાવળિયાને મળશે તેની ચર્ચા ચારેકોર શરૂ થઈ ગઈ છે. કુવરજી બાવળીયા હાલમાં ભાજપના ધારાસભ્ય તરીકે જસદણ બેઠક ઉપરથી પેટા ચૂંટણીમાં ચૂંટાયેલા છે અને કોળી સમાજમાં મોટું નામ ધરાવે છે જ્યારે ડો. ભરત બોઘરા પણ સૌરાષ્ટ્રના પટેલ સમાજના કદાવર નેતા છે તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ છે. બીજી બાજુ આટકોટ ખાતે નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં સરકાર, વહીવટી તંત્ર કે ભાજપ સંગઠન દ્વારા નહીં પરંતુ ડો. ભરત બોઘરાએ પોતાની વ્યક્તિગત તાકાતથી લાખોની જનમેદની એકત્ર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ સફળ બનાવ્યો છે. ત્યારે હવે જસદણ બેઠકની ટિકિટ કોને મળે છે તેના તરફ સૌની નજર છે. બીજી બાજુ કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત સૌરાષ્ટ્રના અનેક ભાજપના નેતાઓએ અંદરોઅંદર ચર્ચા કરી હતી કે હવે જસદણની બેઠક માટેની ટિકિટ ડો. બોઘરાને મળશે કે બાવળિયાને. જોકે ભાજપ પક્ષ હંમેશા તેના નિર્ણય આચકારૂપ આપતો હોય છે ત્યારે જસદણ બેઠક માટે આ બંને નેતાઓને અન્ય રીતે સાચવીને  રાજકીય ભૂકંપરૂપી નિર્ણય જાહેર કરીને કોઈ ત્રીજી વ્યક્તિ ને જ ટિકિટ આપે અને આ બંને આગેવાનોને જસદણ બેઠક ઉપર ભાજપ ને જીતાડવાની તેમના સમાજ માટેની જવાબદારી સોંપવામાં આવે એવું બને તો પણ નવાઈ નહીં.
જસદણ બેઠક ઉપર ભાજપ બે વખત પેટા ચૂંટણીમાં જીતી શક્યું છે. સામાન્ય ચૂંટણીમાં ભાજપ જસદણ બેઠક  ક્યારેય જીતી શક્યું નથી ત્યારે હવે ભાજપ દ્વારા સામાન્ય ચૂંટણીમાં પણ ભાજપને કોઈ પણ રીતે આ બેઠક ઉપરથી જીતાડવા માટે રાજકીય ગોઠવણ ખાનગી રીતે ગાંધીનગર કક્ષાએ થઈ ગઈ હોવાની ચર્ચા છે.  ડો. ભરતભાઇ બોઘરા સંચાલિત ટ્રસ્ટ દ્વારા આટકોટ ખાતે હોસ્પિટલનું ઉદ્ઘાટન તો થઈ ગયું છે પરંતુ હવે આગામી સમયમાં ડો. બોઘરાં દ્વારા કેવી રાજકીય સર્જરી અને કેવા રાજકીય ઓપરેશન કરવામાં આવે છે તેમજ કોની કઇ રીતે રાજકીય સારવાર કરશે તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
Back to top button