વાવ બેઠક પર ભાજપના સ્વરૂપજી ઠાકોરની જીતઃ જાણો આંકડા અને માર્જિન
વાવ, 23 નવેમ્બર, 2024: વાવ બેઠકની પેટા ચૂંટણીમાં અંતે ભાજપના સ્વરૂપજી ઠાકોર જીતી ગયા છે. છેક 21 રાઉન્ડ સુધી લીડમાં આગળ રહેલા કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની પાતળી સરસાઈથી હાર થઈ છે. જ્યારે બળવો કરીને અપક્ષ તરીકે ઊભેલા માવજીભાઈ પટેલને 26 હજાર કરતાં વધુ મત મળ્યા છે. ચૂંટણીપંચે બપોરે લગભગ 3.15 વાગ્યે સ્વરૂપજી ઠાકોરને 2442 મતે વિજેતા જાહેર કર્યા હતા.
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાઓની સાથે વાયનાડ લોકસભા બેઠક ઉપરાંત દેશમાં ગુજરાત, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, કેરળ સહિત રાજ્યોમાં વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી જેનાં પરિણામ આજે જાહેર થઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધન પ્રચંડ બહુમતી સાથે જીત તરફ આગળ વધી રહ્યું છે તો ઝારખંડમાં હેમંત સોરેનના નેતૃત્વ હેઠળ જેએમએમ-કોંગ્રેસની યુતિ ભારે બહુમતી સાથે જીતી રહી છે.
ગુજરાતમાં વાવ બેઠકની પેટા ચૂંટણી પણ આ સાથે જ યોજાઈ હતી. આજે સવારે તમામ બેઠકોની એક સાથે મતગણતરી શરૂ થઈ હતી જેમાં વાવ બેઠક ઉપર કોંગ્રેસના ગુલાબસિહ રાજપૂતે છેક છેવટ સુધી લીડ જાળવી રાખી હતી. જોકે, 18મા રાઉન્ડની ગણતરી પછી તેમની લીડમાં ઘટાડો થવા લાગ્યો હતો અને 21મા રાઉન્ડમાં લીડ માત્ર 340 મતની રહી ગઈ હતી. 22 રાઉન્ડની ગણતરી પૂરી થઈ ત્યારે આખી બાજી પલટાઈ ગઈ હતી અને ભાજપના સ્વરૂપજી ઠાકોર 1099 મતે આગળ નીકળી ગયા હતા અને અંતે 23મા રાઉન્ડ બાદ 2353 કરતાં વધુ મતે આગળ હતા અને તેમની જીત નિશ્ચિત મનાય છે.
24મા રાઉન્ડમાં ભાજપના સ્વરૂપજી ઠાકોર 92,176 મત મેળવી 2442 મતની લીડ સાથે આગળ હતા. આ રાઉન્ડમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને 89,734 મત મળ્યા હતા.
વાવ બેઠક ઉપર એક તબક્કે કોંગ્રેસના ગુલાબસિહ રાજપૂત 13,000 કરતાં વધુ મતની સરસાઈ ધરાવતા હતા પરંતુ એ સરસાઈ જેમ જેમ મત ગણતરીના રાઉન્ડ આગળ વધ્યા તેમ તેમ ઘટવા લાગી હતી. આ બેઠક ઉપર અપક્ષ તરીકે ઊભેલા માવજીભાઈ પટેલ 22મા રાઉન્ડને અંતે 27,173 મત મેળવી શક્યા હતા.
આ પેટા ચૂંટણીમાં વાવ બેઠક ઉપર કુલ 10 ઉમેદવારો મેદાનમાં હતા પરંતુ મુખ્ય લડાઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હતી. જોકે માવજીભાઈ પટેલ સતત એવું કહેતા રહ્યા હતા કે, વાવ બેઠક ઉપર ભાજપ તો ક્યાંય ચિત્રમાં જ નથી અને અસલી લડાઈ તેમની અને કોંગ્રેસની વચ્ચે છે. અલબત્ત, મતદારોએ અપક્ષ ઉમેદવાર માવજીભાઈને ત્રીજા સ્થાને સ્થાને રાખ્યા એ વાત અલગ છે.
વાવની પેટા ચૂંટણીમાં ચોથા ક્રમે સૌથી વધુ મત મેળવનાર નોટા (NOTA) છે. કુલ મતદારો પૈકી 3360 મતદારોએ નોટાનું બટન દબાવ્યું હતું.
આ પણ વાંચોઃ એક હૈ તો સેફ હૈ, મોદી હૈ તો મુમકીન હૈ… મહારાષ્ટ્રમાં પ્રચંડ લીડ પછી જાણો કોણે કહ્યું આવું?