હરિયાણા ચૂંટણી માટે ભાજપની બીજી યાદી જાહેર, જાણો કોને વિનેશ ફોગાટ સામે આપી ટિકિટ


- BJPએ બીજી યાદીમાં કુલ 21 ઉમેદવારોના નામ જાહેર કર્યા
નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર: ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે આજે મંગળવારે તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. BJPએ બીજી યાદીમાં કુલ 21 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં બે મુસ્લિમ ઉમેદવારોના નામ પણ જોવા મળ્યા છે તેમજ વિનેશ ફોગાટ સામે ઊભા રહેનારા ઉમેદવારના નામની પણ જાહેરાત કરવામાં આવી છે.
જૂઓ અહીં આ યાદી

વિનેશ ફોગાટ સામે આ નેતાને ટિકિટ આપવામાં આવી
આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં કોંગ્રેસે કુસ્તીબાજ વિનેશ ફોગાટને જુલાના વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે બીજી યાદીમાં આ બેઠક પરથી ઉમેદવારની જાહેરાત કરી છે. ભાજપે વિનેશ ફોગાટ સામે કેપ્ટન યોગેશ બૈરાગીને ટિકિટ આપી છે.
બે મુસ્લિમ ઉમેદવારોના નામ પણ સામેલ
હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવેલી બીજી યાદીમાં બે મુસ્લિમ ઉમેદવારોને પણ ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીએ ફિરોઝપુર ઝિરકા વિધાનસભા સીટ પરથી નસીમ અહેમદ અને પુન્હાના વિધાનસભા સીટ પરથી એજાઝ ખાનને ટિકિટ આપી છે.
હરિયાણામાં ચૂંટણી ક્યારે?
હરિયાણામાં 5 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે. જ્યારે 8મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. અગાઉ મતદાનની તારીખ 1 ઓક્ટોબર અને પરિણામની તારીખ 5 ઓક્ટોબર હતી. જોકે, ભાજપ અને આઈએનએલડીએ ચૂંટણી પંચને પત્ર લખીને મતદાનની તારીખ બદલવાની માંગ કરી હતી. ચૂંટણી પંચે રાજકીય પક્ષોની માંગને ધ્યાનમાં લઈને મતદાનની તારીખમાં ફેરફાર કર્યો છે.
આ પણ જૂઓ: હરિયાણા ચૂંટણી માટે AAPની બીજી યાદી જાહેર: કુલ 9 ઉમેદવારોના નામ, ગઠબંધન જોખમમાં