વિશ્વનું એકમાત્ર 3 લાખની વસ્તી ધરાવતા ગામ સાથે ભાજપનો અન્યાય; રિવર્સ તિરંગા યાત્રા કાઢવા CM ને કરાશે રજૂઆત: AAP
સુરત 8 ઓગસ્ટ 2024 : કામરેજ તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા અને આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ જે.ડી.કથીરિયા દ્વારા વારંવાર સ્થાનિક સત્તા તંત્ર તેમજ ધારાસભ્યને તમામ પ્રાથમિક સુવિધાઓ તેમજ કામરેજની ખરાબ હાલત માટે રજૂઆતો કરીને થાક્યા પછી સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો સુધારો ન દેખાતા છેલ્લે 11 ઓગસ્ટના રોજ CM ભૂપેન્દ્ર પટેલ તિરંગા યાત્રા માટે સુરત ખાતે આવતા હોવાથી તેમને મળીને કામરેજથી વી.આર. મોલ સુધી રિવર્સ તિરંગા યાત્રા કાઢી કામરેજની સળગતી સમસ્યાઓનો અહેવાલ લેવા રજૂઆત કરાશે
વિશ્વનું એકમાત્ર ત્રણ લાખની વસ્તી ધરાવતું ગામ
આ મુદ્દે તા.પં.વિપક્ષ નેતા જે.ડી. કથીરિયાએ જણાવ્યું હતું કે, આ કામરેજ જે વિશ્વનું એકમાત્ર ત્રણ લાખની વસ્તી ધરાવતું ગામ હોવાથી તેને વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરી ગિનિઝ બુકમાં સમાવવામાં આવે એવું પણ સ્થાનિકો અંદરોઅંદર ચર્ચા કરી રહ્યા છે. તો પછી કામરેજને મહાનગરપાલિકામાં ન ભેળવવાનું કારણ શું? તેવો વેધક પ્રશ્ન જેડી કથીરિયાએ કર્યો હતો.
કામરેજની જનતા સાથે ભાજપનો અન્યાય
વધુમાં જે.ડી.કથીરિયાએ જણાવ્યું હતું કે પ્રાથમિક સુવિધાઓ જેવી કે સરકારી શાળાઓ, બાગ બગીચાઓ, રમતગમતના મેદાનો, અન્ય જાહેર સુવિધાઓ હજુ સુધી નહીં મળી તે બાબતે કામરેજની જનતાને અન્યાય થાય છે. બીજી મુખ્ય સમસ્યાઓ સંદર્ભે વાત જણાવતા કહ્યું હતું કે, ઉભરાતી ગંદી ગટરો, તૂટેલા રોડ રસ્તાઓ, સ્ટ્રીટ લાઈટનો અભાવ, પીવાના પાણીની સમસ્યાઓ, રખડતા ઢોરની સમસ્યાઓ પુષ્કળ પ્રમાણમાં છે પણ શાસકો અને તંત્ર તસ્દી પણ લેતા નથી. લોકો ખોબલેને ખોબલે મત આપે છે તે લોકોને ભાજપ શાસકો અન્યાય કરી રહ્યાં છે તેવું ઉગ્ર સ્વરમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો : આવતીકાલથી મોરબીથી ગાંધીનગર સુધી કોંગ્રેસની ન્યાય યાત્રા, રાહુલ ગાંધી જોડાશે