ગાંધીનગર, 30 મે 2024, ગુજરાતમાં તાજેતરમાં ભાજપના જ એક નેતાએ પૈસાની લેતીદેતી બાબતે અન્ય નેતા પર નામ લીધા વિના આક્ષેપ કર્યો હતો. ત્યારે હવે ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ મહિલા સહ પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતે સુરત ભાજપના મહિલા નેતા સામે પાંચ લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાની ફરિયાદ ગાંધીનર સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ઉછીના આપેલા પૈસાની અવેજીમાં લીધેલા ચેક રિટર્ન થયા પછી બેંક મેનેજરે ભૂલથી સુરતની મહિલા મિત્રને ટપાલ મારફતે ચેક મોકલી દેવામાં આવતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
એક વર્ષમાં પરત કરી દેવાની શરતે પાંચ લાખ આપ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે ભાજપનાં પ્રદેશ સહ પ્રવક્તા અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પબ્લીક હેલ્થ કન્સલ્ટન્ટ તરીકે સેવા આપતાં શ્રદ્ધા રાજપૂતની ઓળખાણ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે દર્શિની પ્રવિણભાઈ કોઠીયા સાથે થઈ હતી. આ મુલાકાત ધીમેધીમે ગાઢ મિત્રતામાં પરિણમી હતી. ત્યારે સપ્ટેમ્બર 2022માં દર્શિનીબેને હુ બહુ તકલીફમાં છુ અને મારે રૂપીયા પાંચ લાખની જરૂર છે કહીને શ્રદ્ધા રાજપૂત પાસે પૈસા માંગ્યા હતા. જેથી મિત્રતાના નાતે તેમણે પાંચ લાખ રોકડા એક વર્ષમાં પરત કરી દેવાની શરતે દર્શિનીબેનને આપ્યા હતા.
ચેક અપૂરતા બેલેન્સનાં લીધે રિર્ટન થયા
જો કે નક્કી થયા મુજબ સમય વિત્યા પછી પણ દર્શિનીબેને પૈસા પરત કરવાની કોઈ દરકાર કરી ન હતી. જેથી શ્રદ્ધા રાજપૂતે પૈસાની વારંવાર ઉઘરાણી કરતા ડિસેમ્બર 2023માં દર્શિનીબેને અઢી અઢી લાખના બે ચેક લખીને આપ્યા હતા. બાદમાં બંને ચેક અપૂરતા બેલેન્સનાં લીધે રિર્ટન થયા હતા. આથી શ્રદ્ધા રાજપૂત બેંકમાં રિટર્ન થયેલા ચેક લેવા માટે ગયા ગયા હતા. ત્યારે માલુમ પડયું હતું કે, બેંક મેનેજરે શરત ચૂકથી ચેક તેમને આપવાની જગ્યાએ દર્શિનીબેનને ટપાલ મારફતે મોકલી આપવામાં આવ્યા છે. આમ છેલ્લા બે વર્ષથી હાથ ઉછીના લીધેલા પૈસા પરત નહીં આપતાં દર્શિની કોઠીયા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે.
આ પણ વાંચોઃCBIના નામે 250 લોકોને છેતર્યાઃ એપ્લિકેશનથી 700 કરોડનું ક્રીપ્ટો કરન્સી ટ્રાન્જેક્શન કર્યું