અમૂલ ડેરી સંઘમાં ભાજપનો પ્રવેશ, ચેરમેન વિપુલ પટેલ અને વાઇસ ચેરમેન કાંતિભાઈની વરણી
એશિયાની સૌથી મોટી ડેરી તરીકે પ્રખ્યાત એવી અમૂલ ડેરીમાં આજે અઢી વર્ષના ટર્મ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ચેરમેન તરીકે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ (ડુમરાલ) અને વાઇસ ચેરમેન તરીકે કાંતિભાઇ સોઢા પરમારની બિનહરીફ વરણી થઈ છે. જે સાથે જ ભાજપે સહકારી સંસ્થામાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે.
આ પણ વાંચો : ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચુંટણી પૂર્વે 10 સહકારી આગેવાનોએ કેસરીયો ધારણ કર્યો
અમૂલ ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેન અંગે છેલ્લા ઘણાં સમયથી વિવિધ નામોની ચર્ચા ચાલી રહી હતી ત્યારે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘમાં ભગવો લહેરાયો છે. આઝાદી પછી પ્રથમ વખત અમૂલ ડેરીમાં ભાજપના ચેરમેન અને વાઇસ ચેરમેન બન્યા છે.
મહત્ત્વનું છે કે, ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીમાં 12 ચૂંટાયેલા સભ્યો, એક વ્યક્તિગત શેર હોલ્ડર સભ્ય અને આણંદ જિલ્લા રજીસ્ટાર તેમજ અમૂલ ફેડરેશન પ્રતિનિધિના વોટ ગણી 15 વોટની સંખ્યા થાય છે. જેમાં ભાજપ પાસે 11 સભ્યોનું બહુમત છે. જ્યારે કોંગ્રેસ પાસે બે સભ્યો છે.
જો કે નોંધનીય બાબત છે કે અત્યાર સુધી રામસિંહ પરમારનું એકચક્રી શાસન રહ્યું છે પંરતુ હાલ આણંદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર સહિત 5 કોંગ્રેસ સમર્થક આગેવાનો ભાજપમાં જોડાઈ જતા અમૂલમાં ભાજપની બહુમતી થઈ છે. જેની સાથે જ સહકારી સંસ્થાઓમાં પણ ભાજપનું પ્રભુત્વ વધતું જોવા મળી રહ્યું છે.