કમલનાથ માટે BJPના દરવાજા બંધ છે, ભાજપના શીખ નેતા બગ્ગાનો દાવો
નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ તેમના પુત્ર નકુલ નાથના ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી છે. દરમિયાન બીજેપી નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગાએ દાવો કર્યો છે કે, કમલાનાથના બીજેપીમાં જોડાવાના સમાચાર ખોટા છે. એક મીડિયા રિપોર્ટ મુજબ, બગ્ગાએ કહ્યું કેસ 1984ના શીખ વિરોધી રમખાણોના આરોપી કમલનાથ માટે ભાજપમાં કોઈ સ્થાન નથી. બગ્ગાએ એમ પણ કહ્યું, ‘કમલનાથ 1984ના શીખ વિરોધી રમખાણોના આરોપી છે. તેમની સામે ઘણા સાક્ષીઓ છે. મેં આઠ દિવસના ઉપવાસ કર્યા બાદ કમલનાથ વિરુદ્ધ SITએ તપાસ હાથ ધરી હતી. 9મા ગુરુ શ્રી ગુરુ તેગ બહાદુર જીની યાદમાં બનેલા રકાબગંજ ગુરુદ્વારાને સળગાવવા પાછળ આ જ વ્યક્તિનો હાથ છે.
મોદી છે ત્યાં સુધી કમલનાથ ભાજપમાં નહીં જોડાય
તજિન્દર બગ્ગાએ કહ્યું કે, મેં વરિષ્ઠ નેતાઓ સાથે પણ વાત કરી હતી અને તેમણે કહ્યું કે, ભાજપમાં કમલનાથ માટે હંમેશા દરવાજા બંધ છે. હું હમેશથી કમલનાથ વિરુદ્ધ ઊભો રહ્યો છે. જો કે, મને તેમના પુત્ર નકુલના બીજેપીમાં જોડાવવાથી કોઈ પણ સમસ્યા નથી. વડાપ્રધાન મોદી છે ત્યાં સુધી આ થવું ક્યારે શક્ય નહીં બને, હું તમને આની ખાતરી આપું છું. આમ, કમલનાથ ભાજપમાં જોડાશે કે નહીં આ વાત હજુ પણ એક સસ્પેન્શ છે.
કોંગ્રેસ નેતાઓ આ વાતને નકારી રહ્યા છે
બીજી તરફ, મધ્ય પ્રદેશ કોંગ્રેસ નેતાઓનું કહેવું છે કે, કમલનાથ ભાજપમાં જોડાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી. દિગ્વિજય સિંહનું કહેવું છે કે, જે વ્યક્તિએ પોતાના રાજકીય જીવનની શરૂઆત નેહરુ-ગાંધી પરિવારથી કરી હોય, તે વ્યક્તિ કોંગ્રેસ છોડી દે તેવી અપેક્ષા કેવી રીતે રાખી શકો. મધ્યપ્રદેશ કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ જીતુ પટવારીએ કમલનાથ અને તેમના સાંસદ પુત્ર નકુલનાથ ભાજપમાં જોડાશે તેવી માહિતીને રદિયો આપ્યો છે. તેમણે કહ્યું કે, પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધી કમલનાથને પોતાના ત્રીજા પુત્ર માનતા હતા. તેમના પક્ષ છોડવાના સમાચાર તદ્દન પાયાવિહોણા છે.
આ પણ વાંચો: પંજાને બાય-બાય કરવા કમલનાથ કેમ થયા આટલા ઉતાવળા?