ગોધરાના ત્રિકોણીય જંગમાં ફસાયા ભાજપના ‘સંસ્કારી’ ધારાસભ્ય
- ગોધરા બેઠક પર વર્તમાન ધારાસભ્ય સીકે રાઉલજી ફરી મેદાનમાં
- AIMIM ચીફ ઓવૈસીની જનસભા બાદ આ બેઠક પર ચુંટણીની લડાઇ ત્રિકોણીય બની
- કોંગ્રેસના સ્મિતાબેન ચૌહાણ અને આપના રાજેશ પટેલ છે ઉમેદવાર
ગુજરાતની ચુંટણીઓની વાત હોય અને ગોધરાનો ઉલ્લેખ ન થાય તે શક્ય નથી. 2002માં ગુજરાત રમખાણોનું કારણ બનેલા ગોધરામાં આ વખતે ત્રિકોણીય જંગની સ્થિતિ બની છે. ભાજપે આ બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય સી કે રાઉલજીને ફરી વખત મેદાનમાં ઉતાર્યા છે. તો બીજી બાજુ તેમની સામે કોંગ્રેસના સ્મિતાબેન ચૌહાણ મેદાનમાં છે. આમ આદમી પાર્ટીએ રાજેશ પટેલને ઉમેદવાર બનાવ્યા છે, પરંતુ AIMIM ચીફ ઓવૈસીની જનસભા બાદ આ બેઠક પર ચુંટણીનો જંગ ત્રિકોણીય બન્યો છે. AIMIM એ અહીંથી મુફ્તી હસર કચાબાને મેદાનમાં ઉતાર્યા છે. આ વખતે જો હિંદુ અને મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ નહીં થાય તો ત્રિકોણીય મુકાબલો થવાના અણસાર છએ. જો મુસ્લિમ મત કોંગ્રેસ સાથે એકજુટ રહેશે તો વર્તમાન ધારાસભ્ય સી કે રાઉલજીની મુશ્કેલીઓ વધી શકે છે.
પાંચ વખત જીતી ચુક્યા છે ચુંટણી
વર્તમાન ધારાસભ્ય સી કે રાઉલજી પહેલીવાર આ બેઠક પર 2007માં જીત્યા હતા, ત્યારબાદ 2012માં પણ કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભા પહોંચ્યા હતા. ત્યારબાદ 2017ની ચુંટણીઓ પહેલા તેઓ ભાજપમાં આવી ગયા હતા અને ચુંટણી જીતીને ધારાસભ્ય બન્યા. જોકે તેઓ માત્ર 258 મતથી જીતી શક્યા હતા. ત્યારે તેમને કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર સિંહ પરમારે સખત ટક્કર આપી હતી. રાઉલજી પાંચ વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. તેઓ 1990 અને 1995માં પણ ધારાસભ્ય રહ્યા હતા.
આ બેઠક પર કેમ છે સૌની નજર?
બિલકિસ બાનો કોસના દોષીઓને સંસ્કારી ગણાવીને વિવાદોમાં આવેલા ભાજપના ધારાસભ્ય સી કે રાઉલજી શું જીતની હેટ્રિક બનાવી શકશે? ગુજરાત સરકારે જ્યારે 15 ઓગસ્ટના રોજ ચર્ચિત બિલકિસ બાનો કેસના દોષીઓને છોડી મુક્યા હતા ત્યારે ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજીએ તેમને સંસ્કારી ગણાવ્યા હતા. ત્યારબાદ વિવાદ ઉભો થયો હતો. હવે જોવાનું એ છે કે ગઇ વખતે મામુલી અંતરથી જીતેલા રાઉલજીને AIMIMની એન્ટ્રીનો લાભ થાય છે કે નહીં? ઉલ્લેખનીય છે કે 29 નવેમ્બરના રોજ યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ અહીં સભા કરવા જઇ રહ્યા છે. અહીં મુસ્લિમ વોટ 65000 જેટલા છે. ગોધરા નગર નિગમની ચુંટણીઓમાં AIMIMએ સાત બેઠકો જીતી હતી.
આ પણ વાંચોઃ અમિતાભ બચ્ચનના નામ, ફોટા અને અવાજના ઉપયોગ અંગે કોર્ટે કર્યો આદેશ