કોંગ્રેસના પરેશ ધાનાણીની સભામાં ભાજપની જાહેરાતો? વીડિયો થયો વાયરલ
રાજકોટ, 19 એપ્રિલઃ 21 રાજ્યમાં પહેલા તબક્કાના મતદાન અને ગુજરાત સહિત 10 રાજ્યમાં ત્રીજા તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા સાથે આખા દેશમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. એવા સમયે રાજકોટથી જે વીડિયો વાયરલ થઈ રહ્યા છે તેનાથી ભારે રમૂજ ફેલાઈ છે.
વાયરલ વીડિયોમાં દેખાય છે કે, રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ફોર્મ ભરતા પહેલાં જે સભાને સંબોધવાના છે ત્યાં કાર્યકરો અને સમર્થકો માટે મૂકવામાં આવેલી ખુરશીઓના પાછળના ભાગે ભાજપના સ્ટિકર લાગેલા છે.
અહીં જૂઓ વીડિયોઃ
View this post on Instagram
કોંગ્રેસની સભામાં ગોઠવવામાં આવેલી ખુરશીઓની પાછળ લાગેલા આ સ્ટિકર નમો એપ ડાઉનલોડ કરવા માટેના ક્યુઆર કોડના સ્ટિકર છે. સભામાં પહોંચેલા કોંગ્રેસના જ કોઈ સમર્થકે આ વીડિયો વાયરલ કર્યો છે જેમાં મંચ ઉપરથી ભાષણ થતું હોવાનો અવાજ પણ સ્પષ્ટ સાંભળી શકાય છે.
જોકે, ખુરશીઓની પાછળ જાહેરાત કરવા માટે ચોંટાડવામાં આવેલા આ સ્ટિકર ઉપર કોંગ્રેસના આયોજકોનું ધ્યાન નહીં પડ્યું હોય જેથી કોંગ્રેસના જ કેટલાક ટેકેદારોને આ વીડિયો વાયરલ કરવાની તક મળી ગઈ.
એવી શક્યતા છે કે, ખુરશીઓ ભાડે આપનાર વ્યક્તિને પણ કદાચ આ બાબતનો ખ્યાલ નહીં હોય કે તેની અમુક ખુરશીઓ પાછળ ભાજપના આવા સ્ટિકર લાગેલા છે!
આ પણ વાંચોઃ રાજકોટમાં એકપણ ક્ષત્રિયએ ફોર્મ ન ભર્યું, 22 વર્ષ પછી રૂપાલા-ધાનાણી વચ્ચે જંગ