ભાજપના મળતીયાઓએ અધિકારીઓ પર દબાણ કરીને 30 વર્ષથી કચ્છને લૂંટવાનું કામ કર્યું છે: ઈસુદાન ગઢવી
અમદાવાદ 09 જુલાઈ 2024 : આમ આદમી પાર્ટીએ આજથી મિશન વિસ્તાર કાર્યક્રમની શરૂઆત કરી છે. આ કાર્યક્રમ અંતર્ગત આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગુજરાતભરના 52000 બુથને લક્ષ્યમાં રાખીને પોતાના સંગઠનને ફેલાવશે. જે અંગે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ ભેગા થયા હતા.
33 જિલ્લાઓના તમામ 52000 બુથો મજબૂત કરીશુ
આ દરમિયાન ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને 33 જિલ્લાઓ અને આઠ મહાનગરપાલિકાઓમાંના તમામ 52000 બુથો મજબૂત બને તેને લક્ષ્યમાં રાખીને અમે મિશન વિસ્તાર કાર્યક્રમની શરૂઆત કરી છે.
કચ્છથી આજે આ કાર્યક્રમની શરૂઆત થઈ છે અને ત્રણ તબક્કાઓમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો આગામી ચૂંટણીની કામગીરીની સમીક્ષા કરશે. અને સાથે સાથે સંગઠનમાં જરૂરી ફેરફારો કરીને સંગઠનને મજબૂત કરીશું અને મોટી સંખ્યામાં જોઈનિંગના કાર્યક્રમો પણ રાખીશું.
5 કરોડ ચો.મી.ગોચર ઉદ્યોગપતિઓને આપી દેવાઇ
ઇસુદાન ગઢવીએ વધુ માહિતી આપતા જણાવ્યું કે કચ્છની વાત કરીએ તો કચ્છ ખનીજથી ભરપૂર વિસ્તાર છે, ક્ષેત્રની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે અને સૌથી વધુ ગોચર જમીન અહીંયા છે. પરંતુ દુઃખની વાત છે કે ભાજપના મળતીયાઓએ અધિકારીઓ પર દબાણ કરીને કચ્છને લૂંટવાનું કામ કર્યું છે. કચ્છમાં સૌથી વધુ ગોચર જમીન ઉદ્યોગપતિઓને અથવા તો તેમના મળતીયાઓને ફાળવવામાં આવી છે. પોતાની સરકાર હોવાના કારણે ભાજપના મળતીયાઓએ છેલ્લા 30 વર્ષથી કચ્છને લૂંટવાનું કામ કર્યું છે. વિધાનસભાના આંકડા પ્રમાણે પાંચ કરોડ ચોરસ મીટર ગોચર જમીન ઉદ્યોગપતિઓને અને મળતીયાઓને આપી દેવામાં આવી છે. જેમાંથી 1 કરોડ અને 98 લાખ ચોરસ મીટર જમીન માત્ર કચ્છની છે. હમણાં કાગડા ગામમાં ગોચરની જમીનને લઈને જે વિવાદ થયો તેમાં હાઇકોર્ટે પણ એક સ્ટેટમેન્ટ આપ્યું કે ઉદ્યોગપતિઓની દલાલી કરવાની જરૂર નથી. આવી કેટલી જમીનો છે. ઘણી જગ્યા ઉપર કાગળ પર ગોચર જમીન હોય છે, પરંતુ ત્યાં ગોચર જમીન હોતી નથી અને પવનચક્કીઓ લાગી ગઈ હોય છે.
મીઠાનું કૌભાંડ પણ ધ્યાનમાં આવ્યું
આપ દ્વારા ભાજપ પર ગંભીર આક્ષેપો કરીને જણાવવામાં આવ્યું હતું કે કચ્છમાં મોટાપાયે ખનીજ ચોરી થઈ રહી છે. ભાજપના આગેવાનો અને તેમના મળતીયાઓ મિલીભગત કરીને ખનીજની ચોરી કરી રહ્યા છે. હમણાં અમારા ધ્યાનમાં મીઠાનું કૌભાંડ પણ ધ્યાનમાં આવ્યું છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે અગરિયાઓ માટે પાંચ કે દસ એકર જમીન આપવા માટે સરકાર પાસે જમીન નથી અને અગરિયાઓની લીઝ રીન્યુ કરતા પણ નથી. ખેડૂત હોય કે અગરિયાઓ હોય આમનું જીવન જ આ જમીન પર નિર્ભર હોય છે પરંતુ સરકાર તેમની જમીન આપતી નથી.
આ પણ વાંચો : અમદાવાદ: દુધેશ્વર સ્થિત AMC નાં રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટનાં લાભાર્થીઓનાં પ્રશ્નો બાબતે મેયરને લેખિતમાં કરાઈ રજૂઆત