ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: 26માંથી 20થી વધારે મતક્ષેત્રોમાં નવા ચહેરાને ભાજપ ટિકિટ આપશે!

  • વિજય રૂપાણીને પંજાબ અને ચંડીગઢ એમ બે રાજ્યોના ચૂંટણી પ્રભારી તરીકે જવાબદારી
  • ગુજરાતમાં લોકસભાની 26માંથી 20થી વધારે વર્તમાન સાંસદોની ટિકિટ કપાશે
  • નો- રિપિટ ફોર્મ્યુલાને આધારે નવી જનરેશનને તક ઉપલબ્ધ કરાવાશે!

દિલ્હીથી ભાજપે 23 રાજ્યો માટે ચૂંટણી પ્રભારી નિમ્યા છે. તેમજ ગુજરાતને ફરીથી ટાળ્યું છે. ત્યારે વિજય રૂપાણીને પંજાબ, ચંડીગઢની જવાબદારી સોંપવામાં આવી છે. તથા સંગઠનની સાથે પૂર્ણેશ મોદી અને દુષ્યંત પટેલ સંઘ પ્રદેશમાં ચૂંટણી પ્રભારી પણ રહેશે. તથા 26માંથી 20થી વધારે મતક્ષેત્રોમાં નવા ચહેરાને ભાજપ ટિકિટ આપશે.

આ પણ વાંચો: ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થતા ઠંડીમાં રાહત, ગાંધીનગર ઠંડુગાર 

તમામ વ્યવસ્થાઓમાં કેવી ભૂમિકા રહેશે તેને લઈને ભારે ઉત્કંઠા

દિલ્હી સ્થિત ભાજપ હેડ ક્વાર્ટર્સથી લોકસભા ચૂંટણી માટે 23 રાજ્યોના ચૂંટણી પ્રભારી અને સહપ્રભારીની નિયુક્તિઓ કરવામા આવી હતી. પરંતુ, આ જાહેરાતમાં ગુજરાત માટે કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી ! આથી, અહીં ગુજરાતમાં ભાજપ માટે ચૂંટણી પ્રભારી તરીકે કોણ આવશે અને લોકસભા માટે ઉમેદવારોના ચયનથી લઈને મતદાન સુધીની તમામ વ્યવસ્થાઓમાં કેવી ભૂમિકા રહેશે તેને લઈને ભારે ઉત્કંઠા પ્રસરી છે.

ગુજરાતમાં લોકસભાની 26માંથી 20થી વધારે વર્તમાન સાંસદોની ટિકિટ કપાશે

ઉલ્લેખનીય છે કે, ભાજપની આંતરિક વ્યવસ્થાઓમાં ચાલતી પૂર્વ ધારણા મુજબ જેમને ચૂંટણી પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવે છે તેમને ટિકિટ અર્થાત ચૂંટણી લડવા મળતી નથી ! ગુજરાતમાં લોકસભાની 26માંથી 20થી વધારે વર્તમાન સાંસદોની ટિકિટ કપાશે. જે રીતે રાજ્યની સરકાર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અને છેલ્લે વિધાનસભામાં નો- રિપિટ ફોર્મ્યુલાને આધારે નવી જનરેશનને તક ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેવી જ રીતે આવી રહેલી લોકસભા ચૂંટણીમાં ભાજપ 20 આસપાસ સાંસદોને બદલે નવા ચહેરાને મેદાને ઉતારશે.

વિજય રૂપાણીને પંજાબ અને ચંડીગઢ એમ બે રાજ્યોના ચૂંટણી પ્રભારી તરીકે જવાબદારી

23 રાજ્યો અને સંઘ પ્રદેશોમાં ગુજરાતમાંથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ અને ચંડીગઢ એમ બે રાજ્યોના ચૂંટણી પ્રભારી તરીકે જવાબદારી સોંપાઈ છે. રૂપાણી પહેલાથી જ આ બંને ક્ષેત્રોમાં સંગઠન પ્રભારી તરીકે કાર્યરત છે. તેવી જ રીતે ગુજરાતને અડીને આવેલા સંઘ પ્રદેશ દીવ દમણ દાદરા નગર અને હવેલીના ચૂંટણી પ્રભારી તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલને નિયુક્ત કરવામાં આવ્યા છે. તાજેતરમાં ગુજરાતમાં 26 લોકસભા બેઠકો માટેના ચૂંટણી પ્રભારીઓની નિમણૂંકો કરવામાં આવી ત્યારે ગાંધીનગર અને સુરત એમ બંને મતક્ષેત્રોને ટાળવામાં આવ્યા હતા. આ બંને સંસદીય મતક્ષેત્રો માટે સૌથી છેલ્લે પ્રભારીઓ નિમાયા છે. બરાબર એવી જ રીતે ગુજરાત માટેના ચૂંટણી પ્રભારી અને સહપ્રભારીની નિયુક્તિઓ પણ સૌથી છેલ્લે થશે એમ મનાય છે.

Back to top button