ગુજરાતની ચૂંટણીમાં ભાજપ આ વખતે મહિલાઓને વધુ ટિકિટ આપશે, જાણો શું છે કારણ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તાડમાર તૈયારીઓ થઇ રહી છે. આજે તારીખો પણ જાહેર થઇ ગઇ છે. તેવામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ દરેક ક્ષેત્રમાં વધી રહ્યું છે. પરંતુ રાજકારણને જ્યાં સુધી નિસ્બત છે ત્યાં સુધી મહિલાઓનું પ્રતિનિધિત્વ એક હદ સુધી સીમિત કે મર્યાદિત કહી શકાય તેવું રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઈતિહાસ પર નજર કરવામાં આવે તો 60 વર્ષમાં 111 મહિલાઓ જ ધારાસભ્ય બની શકી છે. તેની સરખામણીએ 2,197 પુરુષો ધારાસભ્ય બની ગયા છે. 33 ટકા મહિલા અનામતની વાત થાય છે પરંતુ અહીં આંકડા જુદું જ કહી રહ્યાં છે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ECની નવી પહેલ, આ લોકો ઘરેથી કરશે મતદાન
આ વખતની ચૂંટણીમાં મહિલાઓને વધુ પ્રતિનિધિત્વ મળશે
ભાજપ હોય કે કોંગ્રેસ કે પછી અન્ય કોઈ પક્ષ હોય 1962થી આજ સુધીમાં ચૂંટણીમાં ફક્ત 678 મહિલાઓને જ ટિકિટ આપવામાં આવી હતી. ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો 60 વર્ષમાં ચૂંટાયેલા 2308 ધારાસભ્યોમાંથી ચૂંટાયેલા મહિલા ધારાસભ્યોની સંખ્યા 111 જ છે. એટલે કે ચૂંટાયેલા મહિલા ધારાસભ્યોની ટકાવારી માત્ર 4.81 ટકા જ છે. તાજેતરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે એક જાહેર સભામાં કહ્યું હતું કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુને વધુ મહિલાઓને ટિકિટ આપવા માગે છે. આ નિવેદનના પગલે આ વખતની ચૂંટણીમાં મહિલાઓને વધુ પ્રતિનિધિત્વ મળશે તેમ માનવામાં આવી રહ્યું છે.
2012ની ચૂંટણીમાં 72.94 ટકા પુરુષે અને 69.50 ટકા મહિલાઓએ મતદાન કર્યું
કોંગ્રેસની વાત કરીએ તો પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશની ચૂંટણી વખતે મહિલાઓને વધુ ટિકિટ ફાળવવાની જાહેરાત કરી હતી. ગુજરાતમાં પણ 2022ની ચૂંટણીમાં વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં 97 મહિલાઓને ટિકિટ મળી હતી. તેમાંથી ફક્ત 16 મહિલા જ ચૂંટણીમાં વિજયી બની શકી હતી. કોંગ્રેસમાંથી 4 મહિલા ચૂંટણી લડી હતી અને વિજેતા બની હતી. તેની સામે ભાજપમાંથી 12 મહિલા ઉમેદવારો ચૂંટણી લડીને વિજયી બની હતી. આ ચૂંટણીમાં 1,569 પુરુષ ઉમેદવારો ચૂંટણી લડયા હતા તેમાંથી 166 વિજેતા બન્યા હતા. 2012ની ચૂંટણીમાં 72.94 ટકા પુરુષે અને 69.50 ટકા મહિલાઓએ મતદાન કર્યું હતું.
મહિલાઓને 50 ટકા અનામત આપવામાં પણ આવ્યું
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ભાજપની સરકારમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ રહી ચૂક્યા છે. આ જ રીતે ભાજપના રાજમાં વિધાનસભામાં પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યની વરણી કરવામાં આવી હતી. અહીં એ વાતની યાદ અપાવીએ કે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી પદે હતા ત્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને 50 ટકા અનામત આપવાની જાહેરાત કરી હતી. ત્યારપછી જ્યારે પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાઈ ત્યારે મહિલાઓને 50 ટકા અનામત આપવામાં પણ આવ્યું હતું.
ચૂંટણીમાં કુલ મળીને 126 મહિલા ઉમેદવારોને ટિકિટ મળી
2017માં ભાજપમાંથી 9, કોંગ્રેસમાંથી 4 મહિલા વિજેતા બની 2017ની વિધાનસભા ચૂંટણીમાં કુલ મળીને 126 મહિલા ઉમેદવારોને ટિકિટ મળી હતી. તે પૈકી 13 મહિલા વિજેતા બની હતી. 13 પૈકી 4 મહિલા કોંગ્રેસમાંથી વિજેતા બની હતી. જ્યારે ભાજપમાંથી સૌથી વધુ 9 મહિલા ઉમેદવારો વિજયી બની હતી. પુરુષ ઉમેદવારોમાં કુલ 1,702 ચૂંટણી લડયા હતા તે પૈકી 169 ઉમેદવાર વિજેતા થયા હતા.