BJP: આજે રાષ્ટ્રીય અધિવેશનનો બીજો દિવસ, PM મોદી ફૂંકશે ચૂંટણીનો શંખનાદ
- PM મોદી આજે ભાજપના 11,500 કાર્યકરોને 370 બેઠકો જીતવાનો મંત્ર આપશે
નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી: દેશની રાજધાની દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિવારે આ કોન્ફરન્સના બીજા અને છેલ્લા દિવસે કોન્ફરન્સને સંબોધિત કરશે. આ દરમિયાન તેઓ ભાજપના 11,500 કાર્યકરોને 370 બેઠકો જીતવાનો મંત્ર આપશે. સંમેલનના પ્રથમ દિવસે, એક રાજકીય ઠરાવ ‘વિકસિત ભારત – મોદીની ગેરંટી’ પસાર કરવામાં આવ્યો હતો. ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, મોદી સરકારના 10 વર્ષમાં રામ રાજ્યનો વિચારએ જમીન પરની વાસ્તવિકતા બની ચૂકી છે.
PMએ પહેલા દિવસે રાષ્ટ્રીય અધિકારીઓને કર્યા સંબોધિત
શનિવારે રાષ્ટ્રીય અધિકારીઓની બેઠક સાથે સંમેલનની શરૂઆત થઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, ભાજપ માટે આ લોકસભા ચૂંટણીમાં 370 બેઠકો જીતવાનો લક્ષ્યાંક માત્ર એક આંકડો નથી, પરંતુ તે શ્યામા પ્રસાદ મુખર્જીને તમામ ભાજપના કાર્યકરોની શ્રદ્ધાંજલિ હશે. પીએમ મોદીએ કહ્યું કે, પહેલીવાર મતદાતાઓને 2014 પહેલાના ભારત અને 2014 પછીના ભારત વચ્ચેનો તફાવત જણાવવો જોઈએ અને તેમને જણાવવું જોઈએ કે ભારતનું ગૌરવ કેવી રીતે વધ્યું છે. મહિલા મતદારો અમારા માટે માત્ર મતદાતા નથી. છેલ્લા 10 વર્ષમાં અમારી સરકારે જે પ્રકારનું કામ કર્યું છે તે જોઈને આપણે આ ચૂંટણીમાં માતા-બહેનોના આશીર્વાદ મેળવવા વધુ સક્રિય થવું પડશે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપનું ચૂંટણી ચિન્હ કમળ પાર્ટીના ઉમેદવાર હશે. આ સાથે PMએ દરેકને પોતાની જીત સુનિશ્ચિત કરવા હાંકલ કરી હતી.
સંમેલનમાં ખેડૂતોનો પણ ઉલ્લેખ કરાયો
સંમેલનના પહેલા દિવસે કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે ખેડૂતો વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, NDA સરકારે ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે કેન્દ્રમાં અગાઉની તમામ સરકારો કરતાં વધુ કામ કર્યું છે. આ સરકારે છેલ્લા 10 વર્ષમાં ખેડૂતોના હિતમાં ઘણું કર્યું છે. ખેડૂતોને ખાતર પાછળ સૌથી વધુ ખર્ચ કરવો પડે છે. આજે વિશ્વભરમાં યુરિયાની એક થેલીની કિંમત 3,000 રૂપિયા છે પરંતુ આપણા દેશમાં તે 300 રૂપિયા પ્રતિ થેલીના ભાવે મળે છે. 2014 પહેલા કૃષિ ક્ષેત્ર માટે બજેટમાં 25,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવતી હતી. જોકે, ત્યારપછી તે વધારીને રૂ. 1,25,000 કરોડ કરવામાં આવી છે. છેલ્લા 10 વર્ષમાં ખેડૂતોને MSP તરીકે અંદાજે 18 લાખ કરોડ રૂપિયા મળ્યા છે.
આ પણ જુઓ: PM મોદી પર રાહુલ ગાંધીના પ્રહાર, “દેશમાં ભય અને નફરતનું વાતાવરણ છે”