ભાજપે જમ્મુ-કાશ્મીર વિધાનસભા માટે જારી કરેલી પ્રથમ યાદી એકાએક પાછી ખેંચી
નવી દિલ્હી, 26 ઓગસ્ટ, 2024: ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ-કાશ્મીર વિધાનસભા માટે ગઈકાલે રવિવારે મોડી રાત્રે જારી કરેલી 44 ઉમેદવારોની યાદી આજે એકાએક પરત ખેંચી લીધી છે. પક્ષ આ અંગે કોઈ કારણ આપ્યું નથી પરંતુ કહેવામાં આવ્યું છે કે યાદી સુધારીને ફરી જાહેર કરવામાં આવશે.
BJP withdraws first list of 44 candidates released for upcoming J&K Assembly Elections; BJP to amend and release the list of candidates again pic.twitter.com/X9tqVoZ9Zv
— ANI (@ANI) August 26, 2024
આ અગાઉ ગઈકાલે જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી હતી. ભાજપે રવિવારે મોડીરાત્રે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના નેતૃત્વમાં પાર્ટીના ટોચના નેતાઓની બેઠક યોજાઈ હતી. જેમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. ગઈકાલે ભાજપ હેડક્વાર્ટર ખાતે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કોણ હશે તે અંગે મેરેથોન મંથન થયું હતું. ઉમેદવારોના નામની ચર્ચા થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા વચ્ચે યોજાયેલી અલગ બેઠકમાં ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા હતા.
જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જેમાં 90 વિધાનસભા બેઠકો છે. પ્રથમ તબક્કાનું મતદાન 18 સપ્ટેમ્બરે 24 બેઠકો પર થશે. પ્રથમ તબક્કા માટે નોમિનેશનની છેલ્લી તારીખ 27 ઓગસ્ટ છે, તેથી જમ્મુ-કાશ્મીર પર ભાજપની પ્રથમ યાદી આજે આવી શકે છે. બીજા તબક્કાનું મતદાન 25 સપ્ટેમ્બરે છે, તે દિવસે 26 બેઠકો પર મતદાન થશે અને ત્રીજા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે. ત્રીજા તબક્કામાં મહત્તમ 40 બેઠકો પર મતદાન થશે. 4 ઓક્ટોબરે મતગણતરી થશે. જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં આ વખતે રસપ્રદ મુકાબલો જોવા મળવાનો છે. એક તરફ, ભાજપ તમામ 90 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડી રહી છે, જ્યારે કોંગ્રેસે નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કર્યું છે. મહેબૂબા મુફ્તીની પાર્ટી પીડીપી પણ હાલમાં એકલી ચૂંટણી મેદાનમાં છે, જ્યારે આ વખતે પહેલીવાર આમ આદમી પાર્ટી પણ જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહી છે.
અગાઉ 2014માં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે આ રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ ન હતું. તે ચૂંટણીમાં પીડીપીને 28 બેઠકો, ભારતીય જનતા પાર્ટીને 25 બેઠકો, જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સને 15 બેઠકો અને કોંગ્રેસને 12 બેઠકો મળી હતી. બાદમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) અને ભાજપે સાથે મળીને સરકાર બનાવી.
આ પણ વાંચોઃ જન્માષ્ટમીનું વ્રત કરવાથી 20 કરોડ એકાદશીનું પુણ્ય મળે છે, જાણો શું છે આજના ઉપવાસનું મહત્ત્વ