BJPએ ગુજરાતની ચૂંટણીમાં AAP-કોંગ્રેસને ધૂળ ચાટતી કરવા રણનીતિ તૈયાર કરી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસ બાકી રહ્યાં છે. તેવામાં ચૂંટણી જીતવા માટે વિવિધ રણનીતિઓ રાજકીય પક્ષો દ્વારા તૈયાર કરવામાં આવે છે. ત્યારે ચૂંટણી પહેલા ભાજપે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને ધૂળ ચાટતી કરવા રણનીતિ તૈયાર કરી છે. જેમાં ઉમેદવાર ચયન પ્રકિયા હાથ ધરી છે. તેમાં આગામી 27,28,29 ઓક્ટોબરે નિરિક્ષકો વિવિધ જીલ્લામાં જશે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ચૂપચાપ બેસી રહેલી કોંગ્રેસનો માસ્ટર પ્લાન આવ્યો બહાર
ઉમેદવારી કરવા ઇચ્છતા લોકોને સાંભળશે નિરિક્ષકો
તા.27,28,29 એટલે કે ગુરૂ-શુક્ર-શનિ ત્રણ દિવસ ભાજપના નિરીક્ષકોની ટીમ 182 વિધાનસભા બેઠકો માટે કાર્યકર્તાઓનો સેન્સ લેશે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે ભાજપના નિરીક્ષકોની ટીમ ભાઇબીજના બીજા દિવસથી જ ત્રણ દિવસ માટે એક સાથે 182 વિધાનસભા બેઠકો પર નિરીક્ષકો જશે, અને ત્રણ દિવસમાં કાર્યકર્તાઓનો સેન્સ લઇ પ્રદેશને રીપોર્ટ સોંપશે. જેમાં 60 ટીમ બનાવવામાં આવી છે, એક ટીમ ૩ બેઠકોની જવાબદારી સંભાળશે, રાજકિય વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ તા. ૩૦ના રોજ ચૂંટણીનું જાહેરનામુ બહાર પડે અને આચારસંહિતા લાગુ પડી જાય તેવું અનુમાન લગાવી શકાય છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ભાજપે 108 નેતાઓની ટીમ ઉતારી, જાણો શું છે કારણ
ભાજપે ઉમેદવાર નક્કી કરવાની કવાયત હાથ ધરી
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યુ કે, આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે પક્ષ દ્વારા નિયત કરાયેલા નિરીક્ષકો આગામી તારીખ 27, 28, 29 ઓક્ટોબર 2022 દરમ્યાન રાજ્યના તમામ જીલ્લાઓમાં પ્રવાસ કરશે. આ નિરીક્ષકોની ટીમ દરેક જીલ્લાઓમાં વસતા પ્રદેશના પદાધિકારીઓ તેમજ જીલ્લાના પદાધિકારીઓ, નગરપાલિકા, મહાનગરપાલિકા, જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, વિધાનસભા ક્ષેત્રના તેમજ મંડલ સ્તરે સંગઠનનું કામ કરતાં કાર્યકર્તાઓ તથા ઉમેદવારી કરવાની ઈચ્છા ધરાવતા તમામ કાર્યકર્તાઓને મળશે અને તેમને સાંભળશે.