ગુજરાતટોપ ન્યૂઝ

ભાજપે શરૂ કરી નમો પંચાયત, એક મહિનામાં 14 હજાર ગામમાં આયોજન, ખેડૂતો સુધી પહોંચવા ખાસ કાર્યક્રમ

Text To Speech

ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. તમામ પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે અને અત્યારથી જ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે પછી હોય આમ આદમી પાર્ટી. તમામ લડી લેવાના મૂડમાં છે. તેમાં પણ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ પણે મેદાનમાં ઉતરી ગઈ છે. પીએમ મોદી અને અમિત શાહના ગુજરાત પ્રવાસ વધી ગયા છે. તો સાથે સાથે ગુજરાતના ગ્રામીણ વિસ્તાર અને ખેડૂતો વચ્ચે પોતાની હાજરી વધારવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP)એ નમો પંચાયત કાર્યક્રમનું આયોજન કર્યુ છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના ગુજરાત પ્રવાસના સમયથી તેનું આયોજન શરૂ થઇ ગયુ હતુ.

મળતી માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મહિનામાં 14 હજાર ગામમાં ‘નમો પંચાયત’ કરવામાં આવશે. આ કાર્યક્રમની કમાન ભાજપ કિસાન મોર્ચા પાસે રહેશે. ગુજરાતના 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપનું પ્રદર્શન ગ્રામીણ વિસ્તારમાં જોઈએ તેવું રહ્યું ન હતુ. પાર્ટી 143 ગ્રામીણ બેઠકમાંથી 64 બેઠક જ જીતી શકી હતી. શહેરી વિસ્તારની 39 બેઠકમાંથી 34 બેઠક પર જીત મેળવી હતી. પાર્ટીના એક સૂત્રએ જણાવ્યુ કે પાર્ટી આ વખતે વિશેષ રીતે ગ્રામીણ વિસ્તાર અને ખેડૂતો પર ધ્યાન આપી રહી છે, તેમણે કહ્યુ કે તેની માટે એક યોજના બનાવવામાં આવી છે, જેની હેઠળ લગભગ 14 હજાર ગામમાં ‘નમો પંચાયત’ કરવામાં આવશે.

 

આ નમો પંચાયત કાર્યક્રમ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની એવી યોજનાઓ વિશે ખેડૂતોને બતાવવામાં આવશે જેનાથી સીધે સીધા ખેડૂતોને લાભ થઇ શકે. પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીની વાત કરી રહ્યા છે, તેની માટે ખેડૂતોને કેટલીક સહાયતા પણ સરકાર તરફથી આપવામાં આવી રહી છે. ભાજપ કિસાન મોર્ચાએ તો ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીના ફાયદા ખેડૂતોને બતાવવા માટે બિહારમાં ગંગા કિનારાથી પોતાના અભિયાનની શરૂઆત કરી હતી અને મોર્ચો આ અભિયાનને ઉત્તર પ્રદેશ સુધી લઇ આવ્યા છે. ભાજપ કિસાન મોર્ચા તરફથી ‘નમો પંચાયત’માં ખેડૂતોને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી વિશે જાણકારી આપવામાં આવશે.

આ પણ વાંચો : અરવિંદ કેજરીવાલના આજે ગુજરાતમાં ધામા, કચ્છ, જુનાગઢ, સુરેન્દ્રનગરમાં ગજવશે સભાઓ

Back to top button