ગાંધીનગર જિલ્લાની ત્રણ બેઠક પર ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ, 74 લોકો ચૂંટણી લડવા ઈચ્છુક; રાજકોટમાં સેન્સ પ્રક્રિયા શરૂ
ગાંધીનગર/રાજકોટઃ ગુજરાતમાં તહેવારની મૌસમ હવે લગભગ પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ હવે રાજકીય મૌસમ પૂરબહારમાં ખીલી છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખ 31 ઓક્ટોબર પછી ગમે ત્યારે થઈ શકે છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ભાજપ દ્વારા યોગ્ય ઉમેદવારને ટિકિટ આપવા માટે હાલ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. તે અંતર્ગત ગાંધીનગર જિલ્લાની ત્રણ સીટ પર ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કલોલ, માણસા અને ઉત્તર બેઠક પર સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં કલોલ અને માણસા બેઠક પર 22 લોકોએ ઉમેદવારી નોંધાવી છે. ગાંધીનગર ઉત્તર બેઠક પર 30 લોકોએ ઉમેદવારી નોંધાવી હતી. ગાંધીનગર જિલ્લાની ત્રણ બેઠક હાલ કોંગ્રેસ હસ્તક છે.
2007થી કલોલ બેઠક કોંગ્રસનો દબદબો
કલોલ બેઠક પર 22 લોકોએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે. હાલ કલોલ બેઠક પર કોંગ્રેસના બળદેવ ઠાકોર ધારાસભ્ય છે. 2007થી કલોલ બેઠક પર કોંગ્રેસના બળદેવજી ઠાકોર જ જીતે છે. છેલ્લા ત્રણ ટર્મથી આ બેઠક કોંગ્રેસને ફાળે ગઈ છે. 1990 અને 1995માં કલોલ બેઠક ભાજપ હસ્તક હતી. ભાજપના વિઠ્ઠલભાઈ સોમાભાઈ વિજેતા બન્યા હતા. ત્યાર બાદ 1998માં સુરેશભાઈ ચતુરભાઈ પટેલ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી કલોલ બેઠક પર વિજેતા બન્યા હતા. 2002માં ભાજપમાંથી ડો.અતુલ પટેલ કલોલ બેઠક પર ચૂંટણી લડ્યા અને વિજેતા બન્યા હતા. આમ, 1990થી કલોલ બેઠક પર ત્રણ વાર ભાજપે જીત મેળવી અને ત્રણ વાર કોંગ્રેસે જીત મેળવી છે.
માણસા સીટ પર ચાર વાર ભાજપ અને ચાર વાર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યા
માણસા બેઠક પર પણ 22 લોકીએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે. માણસા બેઠક હાલ કોંગ્રેસ હસ્તક છે. 2017માં માણસા બેઠક પર કોંગ્રેસના સુરેશ પટેલની જીત થઈ હતી. 2012માં કોંગ્રેસમાંથી ટી.બી. મોહનસિંગ વિજેતા બન્યા હતા. 2012ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી અમિત ચૌધરી વિજેતા બન્યા હતા. 2002 અને 2007માં ભાજપમાંથી પ્રોફેસર મંગલદાસ પટેલ વિજેતા બન્યા હતા. 1998માં પ્રોફેસર મંગલદાસ પટેલ ભાજપમાંથી વિજેતા બન્યા હતા. 1995માં ભાજપમાંથી વિપુલ ચૌધરી માણસા બેઠક પરથી વિજેતા બન્યા હતા. 1990માં ઇશ્વરસિંહ ચાવડા કોંગ્રેસમાંથી વિજેતા બન્યા હતા. આમ 1990થી માણસા સીટ પર ચાર વાર ભાજપ અને ચાર વાર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યા છે.
ગાંધીનગર ઉત્તર સીટ પર પણ કોંગ્રેસનું જોર
ગાંધીનગર ઉત્તર વિધાનસભા સીટ પરથી ભાજપના 30 લોકોએ ટિકિટની દાવેદારી નોંધાવી છે. હાલ ગાંધીનગર ઉત્તર સીટ કોંગ્રેસના સી.જે ચાવડા ધારાસભ્ય છે. જો કે આ વખતની ચૂંટણી સી. જે. ચાવડા વિજાપુર બેઠક પરથી લડવા માગે છે. 2012માં ગાંધીનગર ઉત્તર સીટ ભાજપના અશોક પટેલ ચૂંટણી લડ્યા અને વિજેતા બન્યા હતા. 2017માં કોંગ્રેસમાંથી સી. જે. ચાવડા વિજેતા બન્યા હતા.
રાજકોટમાં સેન્સ પ્રક્રિયા શરૂ
રાજકોટ શહેર અને જિલ્લાની બેઠક માટે સેન્સ લેવા માટે ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજકોટ ગ્રામ્ય 71, 70, 68 અને સૌથી છેલ્લે 69ની સેન્સ લેવામાં આવશે. રાજકોટ 68માંથી મંત્રી અરવિંદ રૈયાણી ફરી દાવેદારી કરવા ઈચ્છુક છે તો 75+ વટાવી ચૂકેલા પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ગોવિંદ પટેલ પણ પણ ફરી દાવેદારી કરવા ઈચ્છુક છે. વિધાનસભા ક્ષેત્ર 69માં શહેર ભાજપ પ્રમુખથી માંડી ડેપ્યુટી મેયર, પૂર્વ મેયર અને સંઘ સાથે જોડાયેલા નેતાઓ દાવેદારી કરશે. ડો.કિરીટ સોલંકી, વંદનાબેન મકવાણા અને ભરત બારોટ દ્વારા સેન્સની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગ્રામ્ય બેઠક માટે લોધિકા તાલુકા, કોટડા તાલુકા ત્યારબાદ રાજકોટ તાલુકાની સેન્સ લેવાયા બાદ વોર્ડ નંબર 18,12 અને 11ની પણ સેન્સ લેવાશે.
તો ડૉ. કિરીટ સોલંકીએ કહ્યું કે- “જે લોકો સેન્સ આપવા નથી આવ્યા તેમને પણ ટિકિટ મળી શકે, આખરી નિર્ણય પાર્ટી કરતી હોય છે.અત્યાર સુધી અનેક વખત રાજકોટમાં સેન્સ આપવા ન આવનારા વ્યક્તિઓને પણ ટિકિટ આપવામાં આવી છે.”