નેશનલ

ભાજપે ‘કોંગ્રેસની ફાઇલો’ બહાર પાડી, જાણો 4.82 લાખ કરોડના ભ્રષ્ટાચાર વિશે

  • પ્રથમ એપિસોડમાં ભાજપે કોંગ્રેસ સરકાર દરમિયાન થયેલા કથિત કૌભાંડોનો ઉલ્લેખ કર્યો છે.
  • કોંગ્રેસ સરકાર દરમિયાન 48,20,69,00,00,000 રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાનો આરોપ.
  • કોલસાથી લઈને 2-જી અને કોમનવેલ્થ કૌભાંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ભારતીય જનતા પાર્ટી (BJP)એ રવિવારે કોંગ્રેસ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા ‘કોંગ્રેસ ફાઇલ્સ’ નામના એપિસોડ શરૂ કર્યા છે. આ વિડીયો એપિસોડમાં કોંગ્રેસ પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. પ્રથમ એપિસોડમાં ભાજપે કોંગ્રેસ સરકાર દરમિયાન થયેલા કથિત કૌભાંડોનો ઉલ્લેખ કર્યો છે. આરોપ છે કે યુપીએ સરકાર દરમિયાન 48,20,69,00,00,000 રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. વિડીઓમાં કહેવામાં આવ્યું છે કે આ એટલા પૈસા છે કે જીભ પણ બોલતા અચકાઈ જાય છે.

વિડીયોમાં શું બતાવવામાં આવ્યું છે ?

ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસે જનતાની મહેનતની કમાણીમાંથી 48 ખર્વ 20 અબજ 69 કરોડ રૂપિયા લૂંટી લીધા છે. આ દરમિયાન કોલસાથી લઈને 2-જી અને કોમનવેલ્થ કૌભાંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિડીઓમાં કહેવામાં આવ્યું છે કે 48 ખર્વ 20 અબજ 69 કરોડ રૂપિયાથી દેશની સુરક્ષાથી લઈને પ્રગતિ સુધીના ઘણા કામ થઈ શક્યા હોત.

આ પણ વાંચો : ‘ભાજપ સમજી ગઈ છે કે રાહુલ ગાંધી ગંભીર ખતરો છે’, કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે કહ્યું- જો મેં નેતૃત્વ કર્યું હોત…

આ રકમમાં 24 INS વિક્રાંત, 300 રાફેલ વિમાન અને 1000 મંગળ મિશન બનાવી અથવા ખરીદી શકાયા હોત. ભાજપે કહ્યું કે, કોંગ્રેસના કૌભાંડો અને ભ્રષ્ટાચારની દેશે કિંમત ચૂકવવી પડી છે અને કોંગ્રેસને કારણે આપણો દેશ પ્રગતિ અને વિકાસના પંથે પાછળ રહી ગયો છે.

ભાજપે કોંગ્રેસ સરકારના 10 વર્ષની વાત કરી. જેમાં અગસ્તા વેસ્ટલેન્ડના CEO પર લાંચ આપવાનો આરોપ, VVIP હેલિકોપ્ટર ખરીદીમાં 350 કરોડની લાંચનો આરોપ. આ સિવાય 1 લાખ 86 હજાર કરોડ રૂપિયાના કોલસા કૌભાંડ, 1 કરોડ 76 લાખ કરોડ રૂપિયાના 2-જી સ્પેક્ટ્રમ કૌભાંડનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ગુજરાતની ભાજપ સરકાર સામે કૉંગ્રેસનું 21 મુદ્દાનું તહોમતનામું

આ સાથે જ લગભગ 10 હજાર કરોડનું મનરેગા કૌભાંડ, 70 હજાર કરોડનું કોમનવેલ્થ કૌભાંડ અને ઈટાલીથી હેલિકોપ્ટર ડીલમાં 362 કરોડની લાંચ લેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભાજપે કહ્યું કે કોંગ્રેસની સરકાર ભ્રષ્ટાચાર અને કૌભાંડોની સરકાર બની ગઈ છે, પરંતુ મનમોહન સિંહ મૌન રહ્યા.

વિડીયોના અંતમાં કહેવામાં આવ્યું હતું કે, ‘આ માત્ર કોંગ્રેસના કૌભાંડોનું ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે’. કોંગ્રેસ મતલબ કરપ્શનના આગામી એપિસોડમાં જુઓ – પેઇન્ટિંગની કિંમત 2 કરોડ રૂપિયા હતી, તે 2 કરોડ માટે ગાંધી પરિવાર પણ ધમકીઓનો ઉપયોગ કરી રહ્યો હતો.

Back to top button